રામનવમી : લોકોના આદર્શ શ્રીરામ

1676

ભગવાન રામ આચાર ધર્મમાં મુર્તિમંત સ્વરૂપ હતા. તેમનું સમગ્ર જીવન મુર્તિમંત સદાચારનો આદર્શ હતું. રામરાજય કે જેની બધા જ મુકતકંઠે પ્રશંસા કરે છે અને ભારતમાં પુનઃસ્થાપિત કરવાના સ્વપ્ન જુએ છે. તે સદાચાર પર પ્રતિષ્ઠિત હતું. રામરાજયને સાકારીત કરવું હશે તો શ્રીરામના જીવનના આદર્શ આચાર વિચાર પણ જીવનમાં ચરીતાર્થ કરવા પડશે અને તે મળે તે રીતે સદાચારયુકત સમાજ નિર્માણ કર્યો હતો અને તેના પાયામાં આચાર ધર્મનું અધિષ્ઠાન હતું. આપણું માનવ જીવન સુંદર બનાવવાનું સંપુર્ણ શિક્ષાપ્રદ, મર્યાદ પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ જેવું ઉત્તમ ચરિત્ર, ભારતીય સંસ્કૃતિના ગૌરવપૂર્ણ ઇતિહાસમાં કયાય ઉપલબ્ધ નથી. તેથી રામનું જીવન ચરિત્ર સમાજમાં નિર્માણ કરવા સારા વિચારો ઘર-ઘરમાં લઇ જવા પડશે.

શ્રીરામનું ચરિત્ર કોઇપણ દ્રષ્ટિથી જોઇશું તો બધી જ દ્રષ્ટિએ તે આદર્શ, શુભ તથા સદાચાર સંપન્ન હતું. તેથી બ્રહમદેવે વા૯મીકીને કહયું તારા કાવ્યમાં એક પણ ખોટો શબ્દ નહીં આવે, તું રામની પવિત્ર અને મનોરમ એવી શ્લોક બદ્ધ કથા નિર્માણ કર અને બ્રહમાજીની પ્રેરણાથી મહર્ષિ વા૯મીકી દ્વારા રચિત રામચરીત્ર પ્રમાણ અદભુત છે. મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનું દિવ્ય ચરીત્ર પુત્રના રૂપમાં, ભાઇના રૂપમાં, પતિ અને શિષ્યના રૂપમાં, પિતા, મિત્ર તથા રાજાના રૂપમાં જોવામાં આવે તો પણ સર્વતઃસર્વથા, સર્વદા, નિર્મળ, નિષ્કલંક, ચંદ્રમા જેવું વંદનીય તથા આચરણીય ચરિત્ર છે.

ભગવાન શ્રીરામની માતૃભકિત આદર્શ હતી. સ્વમાતા અને અન્ય માતાઓ માટેનો પ્રેમ તો હતો જ પણ અતિ કઠોરમાં કઠોર વ્યવહાર કરવાવાળી કૈકયી માટે પણ શ્રીરામે ભકિતપૂર્ણ અને સન્માનજનક વ્યવહાર હંમેશા રાખ્યો છે. ભગવાન શ્રીરામની પિતૃભકિત પણ અદ્‌ભૂત હતી. પિતાનું વચન પૂરૂ કરવા માટે અયોધ્યાનું બધુ સુખ વૈભવ, છોડીને તે ચૌદ વર્ષ વનમાં ગયા, ત્યાં જઇને પણ આદિવાસી, વનવાસી, કિરાત, ગિરિજન, વગેરે લોકોના જીવનમાં આદર્શ વિચાર લાવ્યા.

પ્રભુ શ્રીરામ એક આદર્શ ભાઇ પણ હતા અને રામાયણમાં ઠેકઠેકાણે તેની અભિવ્યકિત જણાય છે. ભરતને આ રાજય આપવા માટે રાજાએ પોતે આજ્ઞા કરવાનું કોઇ જ કારણ નથી. ભરત માટે પોતાના પ્રાણ આપવા તૈયાર છે. ભગવાન શ્રીરામની અનાર્યો સાથેની મૈત્રી અજોડ હતી. શ્રીરામ નિષાદાધિપતિ ગૃહ તથા વાનરરાજ સુગ્રીવ એમ બંનેને પોતાના સમકક્ષ મિત્ર બન્યા હતા અને તે પ્રમાણે તેમણે મૈત્રી નિભાવી હતી.

પ્રભુ રામનો પત્ની સીતા પર પ્રેમ અલૌકિક હતો પરંતુ સામાન્ય રીતે જનમાનસના ગળે આ વાત ઉતરતી નથી કારણ કે તેણે સગર્ભા અવસ્થામાં સીતાનો ત્યાગ કર્યો હતો. રામ એ એક આદર્શ રાજા હતાં. તેમનું રાજયવ્યવસ્થા અનુપમેય, ઉત્કૃષ્ટ હતી. તેથી આજે પણ બધાને રામ રાજયની ઝંખના છે. મહાત્મા ગાંધીજીએ ભારતમાં રામરાજય સાકાર થાય તેનું સ્વપ્ન જોયું હતું.

ટૂંકમાં ભગવાન શ્રીરામે મનુષ્ય જીવનના બધા જ વ્યવહારને ધર્મની મર્યાદાઓ મુકીને પાલન કર્યું છે તે એક આદર્શ પુત્ર, આદર્શ ભાઇ, આદર્શ પતી, આદર્શ મિત્ર, આદર્શ શત્રુ અને આદર્શ રાજા તરીકે તેમણે બધો વ્યવહાર કર્યોં છે. આજે લોકોના જીવનમાં રામની જગ્યાએ આસુરી વૃતિ આવી છે. માનવી જીવનની બધી જ મર્યાદા, માણસે પાર કરી દીધી છે. ત્યારે પ્રત્યેકના જીવનમાં ‘રામ’ લઇ જવાની રામાભિમુખ વૃતિ બનાવવાની જરૂર છે. રામ નવમીનો ઉત્સવ ઉજવતા જીવનમાં આ દ્રષ્ટિ કેળવાશે તો આ ઉત્સવ ઉજવ્યો સાર્થક ગણાશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવહીવંચા બારોટ સમાજ સુરતની કમીટી રચાઇ