ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

632

૫ ટકા રિબેટમાં રૂા.૮.૫ કરોડ જેવી ભારે મોટી રકમની આવક : તંત્ર એલર્ટ

ભાવનગર મહાપાલિકાના જાગૃત કમિશ્નર ગાંધી અને તેમની વહિવટી ટીમની સઘન કામગીરીને કારણે મે મહિનામાં જ ઘરવેરા ૫ ટકા રીબેટ યોજનામાં રૂપિયા સાડા આઠ કરોડ જેવી રકમ પ્રાપ્ત થઇ છે. ૫ ટકામાં ૧૫ હજાર કરતા વધુ કરદાતાઓએ ભાગ લીધો છે. આસિ.કમિશ્નર ફાલ્ગુનભાઇ શાહે સેવા સદન ખાતે ૫ ટકા રીબેટમાં થયેલ આવક અંગેની ટૂંકમાં વિગત આપી હતી.

મેયર પાસે પીવાના પાણી પ્રશ્ને વ્યાપક લોક ફરિયાદો : કોર્પોરેટરો દેખાતા નથી

શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાસ કરીને કુંભારવાડા વિગેરે વિસ્તારોમાં પાણીનો દેકારો ઉભા થતા લોકો મેયર મનભા મોરીને મળવા આવ્યા હતા. અરજદારોએ મેયરને પાણીની ફરિયાદ કરતા કહ્યું કે, અમને પાણીનો ત્રાસ છે. કોર્પોરેટરો દેખાતા નથી. મેયરે લોક રજુઆત સાંભળીને તંત્રને લોકોને પૂરતું પાણી આપવા જણાવેલ.

તંત્ર ચિત્રા રોડ પરના દબાણો હઠાવશે લોકોની પદાધિકારીઓ પાસે રજુઆત

ચિત્રા મસ્તરામ બાપાના મંદિર રસ્તેથી વાલ્મીકીવાસ મંદિર વિગેરે રસ્તાના દબાણ મુદ્દે અને રસ્તો મોટો બનાવવાની કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ થાય તે પહેલા દબાણો દૂર કરી નાખવા તંત્રે લોકોને તાકિદ આપતા આજે મેયર પાસે ચિત્રાના લોકોનું એક મોટું પ્રતિનિધિ મંડળ પૂર્વ નગર સેવક કિશોરભાઇ ચૌહાણની આગેવાની તળે રજૂઆતો કરી હતી. આ રસ્તા પરના મકાનો ન પડે તેવી માંગ ઉઠાવી હતી. મેયરે એન્જીનિયર વિગેરે તંત્રના અધિકારીને લોક રજુઆતથી વાકેફ કરેલ છે.

તા.૪ થી પાણીપ્રશ્ને સેવાસદન સામે ઉપવાસ આંદોલન થશે : હિંમત મેણીયા

વડવા-બ વોર્ડનાં કોર્પોરેટર એ.બી.મેણીયા (હિંમતભાઇ મેણીયા) એક અખબારી યાદીમાં જણાવે છે કે વડવા-બ વોર્ડમાં આવેલ નીચે જણાવેલ વિસ્તારમાં માઢીયા રોડ કૈલાસવાડી પાછળ, આંબેડકરનગર-૧ તેમજ બાનુબેનની વાડી શેરીનં.૪ તેમજ અન્ય બાનુબેનની વાડી વિસ્તારમાં વારંવાર પાણીના પ્રશ્ન ઉભા થતા હોય, તે બાબતે અનેક વખત સીટી એન્જીનીયર, વોટર વર્કસ અધિકારી તેમજ વોર્ડના જવાબદાર અધિકારીને અનેક વખત રજુઆત કરવા છતાં આ બાબતે લોકોને પાણી મળતું ન હોય તેમજ વારંવાર કી મેન દ્વારા પોતાની જાદુઇ કરામતથી લોકો પાણીથી વંચિત રહેતા હોય, ત્યારે પાણીના ટેન્કર બાબતે રજુઆત કરવા છતાં નથી એ લોકોને પાણી આપવામાં આવતું કે નથી ટેન્કરની વ્યવસ્થા કરી આપવામાં આવતી તો દિવસ-૭માં પાણીના પ્રશ્ને જો નિકાલ કરવામાં નહીં આવે તો તા.૦૪-૦૬-૧૯ના રોજ કોર્પોરેટર એ.બી.મેણીયા દ્વારા કોર્પોરેશનનાં પટાંગણમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેમ કમિશ્નરને પત્ર પાઠવી રજુઆત કરેલ હતી.

લોકપ્રશ્નોથી ઘેરાયેલા રહેતા મેયર સેવકોને પ્રશ્નોની ખબર જ નથી બોલો..?!

મહાપાલિકા કચેરીએ મોટાભાગે લોક ફરિયાદોનો મેયર પાસે વધુ ધસારો રહે છે. શહેરના વિવિધ લત્તાઓ વોર્ડમાંથી અનેક વિધ સવાલોની રજુઆત માટે ટોળા ઉમટી રહ્યા છે. મેયર લોક પ્રશ્નોથી ઠીક ઠીક રીતે ઘેરાયેલા જોવા મળે છે. મેયર પાસે રજુઆત માટે લોક સમુહ આવે છે. પરંતુ આવા લોકો રજુઆત માટે મેયર સુધી પહોંચે છે. તેની મોટાભાગના સેવકોને ખબર જ નથી હોતી કારણ એવું કે સેવકો જ સેવાસદને આવે નહીં તો વોર્ડના કેવા કેવા પ્રશ્નો સેવાસદને રજુ થઇ રહ્યા છે તેની સેવકોને જાણકારી જ નથી ખૂદ મેયર ઘણાં અરજદારોને પૂછે છે તમારા વોર્ડના કોણ નગરસેવક છે ? લોકો કહે છે ખબર નથી…! બોલો..!!

Previous articleસાવરકુંડલા માનવ મંદિરની ૮૦ મનોરોગી બહેનોને એક દિવસનો પ્રવાસ કરાવાયો
Next articleરાણપુરની મેઈન બજારમાં સ્પીડબ્રેકર મુકવા લોકમાંગ