જરા વખાણી તો જુઓ !

539

ટીકા અને પ્રશંસા વર્ષોથી માનવજીવનને પ્રભાવિત કરનારા બે વિપરીત આયામો છે. યોગ્ય ટીકા અને યોગ્ય પ્રશંસા સારું પરિણામ પણ લાવી શકે છે. કેવી ભાવનાથી આપણે ટીકા કે પ્રશંસા કરીએ છીએ, તે અગત્યનું છે.

કેટલીક વાર માણસ પોતાની હોશિયારી બતાવવા માટે કે અભિમાન સંતોષવા માટે બીજાની ટીકા કરે છે પણ તેના સારા કાર્યની પ્રશંસા કરી શકતો નથી. બીજાની પ્રશંસા કરવામાં એને ક્યારેય કોઈ નુકસાન થતું નથી. સારા વેણ બોલવામાં, બીજાની આત્મવિશ્વાસને પુષ્ટિ આપવામાં, હસીને વાત કરવામાં એવું કરનારને ક્યારેય કશું ગુમાવવાનું હોતું નથી. આ બાબતે પ્રશંસા ટીકા કરતા ચડી જાય.

માણસ કોઈક અગત્યનું કામ કરે ત્યારે જાણ્યે-અજાણ્યે એના મનમાં કોઈક વ્યક્તિ કે વ્યક્તિઓ ખડી થાય છે અને એને પ્રશ્ન થાય છે – આ મારું કામ એને કેવું લાગશે ? કેટલીક વાર તો વ્યક્તિનાં મહાન કાર્યો પાછળ માત્ર એકાદ વ્યક્તિની પ્રેરણા કે પ્રશંસા માટેની ઝંખના હોય છે. કોઈક અદ્ભુત ગ્રંથ, અદ્વિતીય કલાકૃતિ, બેનમૂન સર્જન, મહાન સાહસ કે વિજય માત્ર કોઈક એકાદ બે વ્યક્તિ માટે જ સિદ્ધ થતા હોય છે. દરેક વ્યક્તિને પોતાની પરિચિત દુનિયામાંથી કોઈ પાત્રની પ્રસંશાની ઝંખના અને ખેવના હોય છે. ઘણીવાર એવી પ્રશંસા ન મળે, ત્યારે એ નિરાશ થઈ જાય છે, અને નિષ્ફળ જાય છે. પ્રશંસા છે તે માણસને આત્મશ્રદ્ધાવાન બનાવે છે.

મોટા ભાગના માણસોનાં જીવનકાર્યો પાછળ કે જીવન પરિવર્તન પાછળ કોઈ વ્યક્તિની પ્રશંસા, કોઈ વ્યક્તિએ તેનામાં મૂકેલી શ્રદ્ધા કે કોઈએ પ્રશંસા દ્વારા જગાડેલી આત્મશ્રદ્ધા કારણભૂત હોય છે. આવી વ્યક્તિ, કોઈ શિક્ષક, ગુરુ, મિત્ર, માતા, પિતા, પત્ની, બહેન ગમે તે હોઈ શકે.

એડીસન નાના હતા ત્યારે શિક્ષકના પ્રયત્નો છતાં એને વાંચતાં-લખતાં આવડતું નહોતું. શિક્ષકે તો એના નામનું નાંહી નાખ્યું કે છોકરાને ક્યારેય કશું નહીં આવડે. ત્યારે એડીસનની માતાએ કહ્યું, ‘મારો દીકરો ખૂબ હોશિયાર છે. તેને હું જ શીખવીશ, બીજાનું એ કામ નથી.’ પરિણામ આપણે સૌ જાણીએ છીએ. એડીસન અત્યંત વિચક્ષણ હતા, એ સામાન્ય નહોતા. એ વાંચતાં-લખતાં નહોતાં શીખી શકતા, કારણ કે એમનામાં એ શીખવાની ઈચ્છા જ જાગ્રત થતી નહોતી. માતાએ એમનામાં મૂકેલી શ્રદ્ધાને કારણે એની આત્મશ્રદ્ધા જાગ્રત થઈ અને પાંગરીને વિશાળ વૃક્ષ બની.

ખરેખર માનવજીવન અટપટું છે. આપણને પ્રશંસા મેળવવાની ઈચ્છા હોય ત્યાંથી તે મળતી નથી, પરંતુ બીજી જગ્યાએથી એ મળે છે. એવું બને ત્યારે સૂકાઈ જતી વેલ ફરી નવપલ્લવિત બની જાય છે. સાચી પ્રશંસા એ સાચા રૂપિયાની જેમ દરેક જગ્યાએ સ્વીકાર્ય હોય છે. એમાં બનાવટ ચાલી શકતી નથી. સાચી પ્રશંસા કરવા માટે માણસમાં પ્રેમ હોવો જોઈએ, લાગણીની ઉત્કટતા જોઈએ, નિર્ભયતા જોઈએ. ઉપરછલ્લી પ્રશંસા ઠઠારા જેવી લાગે છે તે સુખદાયી થતી નથી. તે પ્રશંસા કરનારને કે પ્રશંસા મેળવનારને કશું આપી શકતી નથી.

વચનામૃત ગ્રંથ આપણને સાચી પ્રશંસા કરતા શીખવે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથમાં કેવળ ઉપદેશ જ નથી આપ્યો પણ પોતાના આશ્રિતોમાં જે કાંઈ સારુ જોયું તેમને જે કાંઈ ગમ્યું તેની પ્રશંસા અવશ્ય કરીને સર્વે ભક્તોને પ્રેરણાના પીયૂષ પાઈને પ્રોત્સાહિત કર્યા છે. તેઓ વચનામૃત મધ્ય -૬૨માં કહે છે ‘‘એવા દાસત્વભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે.’’ વળી વચનામૃત ગઢડા અંત્ય ૧ મા કહે છે. ‘‘જ્ઞાનના અંગવાળા તો ઝીણો ભાઈ, દેવરામ ને પ્રભા શંકર છે.’’ આવા તો એક-બે નહીં પણ સેંકડો વચનામૃતોમા સેંકડો સંતો-ભક્તોના નામ લઈને ભગવાને તેમની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિમાં જે તે સંત ભક્તને વખાણ્યા છે.

આપણી આસપાસ પણ એવી અનેક વ્યક્તિઓ હશે જે આપણી પ્રશંસા મેળવવા આતુર હશે. પત્ની, પુત્ર, પુત્રી, શિષ્ય, મિત્ર, કોઈક અજનબી, જેને આપણા સારા શબ્દની કિંમત હશે, આપણા થોડા વેણ જેના જીવનમાં પરિવર્તન લાવી શકે તેમ હશે. આપણે કદાચ કોઈકને વિશેષ કશું નહીં, પણ પ્રશંસા ના બે વેણ, વખાણના બે બોલ તો આપી જ શકીએ. તો શબ્દોની એવી કંજુસાઈ છોડીને જરા કોઈકને વખાણી તો જુઓ !(ક્રમશઃ)

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleશારદા મંદિરમાં યોગદિન ઉજવાયો