દ.આફ્રિકાનો તાહિર વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો

682

સાઉથ આફ્રિકાના લેગ સ્પિનર ઇમરાન તાહિરે પોતાની ટીમ માટે વધુ એક ખાસ સિદ્ધિ હાસિલ કરી છે. રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવા ઉતરેલા તાહિરે જ્યારે મેચમાં પોતાની બીજી વિકેટ ઝડપી તો તે વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તાહિરની વિશ્વકપમાં આ ૩૯મી વિકેટ છે. ઇમામ ઉલ હકને આઉટ કર્યા બાદ તેણે આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડને પાછળ છોડી દીધો છે. હવે તે વિશ્વ કપમાં સર્વાધિક વિકેટ ઝડપનાર પ્રથમ આફ્રિકી બોલર છે. એટલું જ નહીં ૪૦ વર્ષીય ઇમરાન તાહિરે આફ્રિકી બોલરોમાં સૌથી ઝડપી ૩૯ વિકેટ પોતાના નામે કરી છે. પોતાનો ત્રીજો વિશ્વ કપ (૨૦૧૧-૨૦૧૯) રમી રહેલા તાહિરે પોતાની ૨૦મી વિશ્વ કપ મેચમાં આ સિદ્ધિ હાસિલ કરી, જ્યારે આ પહેલા ડોનાલ્ડે (૧૯૯૨-૨૦૦૩)એ ચાર વિશ્વ કપમાં ૨૫ મેચ રમીને ૩૮ વિકેટ પોતાના નામે કરી હતી. આ યાગીમાં આફ્રિકાનો ત્રીજો બોલર શોન પોલક (૧૯૯૬-૨૦૦૭) છે. પોલકે ૪ વિશ્વકપમાં ૩૧ મેચ રમીને ૩૧ વિકેટ પોતાના નામે કરી છે. વિશ્વ કપમાં ઓવરઓલ સર્વાધિક વિકેટ ઝડપનાર બોલરની વાત કરીએ તો, આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર ગ્લેન મૈક્ગ્રાના નામે છે. મૈક્ગ્રા  (૧૯૯૬-૨૦૦૭)એ ૪ વિશ્વકપમાં ૩૯ મેચ રમીને વિશ્વમાં સૌથી વધુ ૭૧ વિકેટ પોતાના નામે કરી છે. ત્યારબાદ શ્રીલંકાના મુથૈયા મુરલીધરને (૧૯૯૬-૨૦૧૧) ૫ વિશ્વકપમાં ૪૦ મેચ રમીને ૬૮ વિકેટ પોતાના નામે કરી છે. આ યાદીમાં પાકિસ્તાનનો ફાસ્ટ બોલર વસીમ અકરમ ત્રીજા સ્થાન પર છે. અકરમ (૧૯૮૭-૨૦૦૩)એ ૫ વિશ્વકપમાં ૩૮ મેચ રમીને ૫૫ વિકેટ પોતાના નામે કરી હતી. વિશ્વ કપમાં ભારત માટે સર્વાધિક વિકેટ ઝડપનાર બોલરની વાત કરીએ તો ફાસ્ટ બોલર ઝહીર ખાનનું નામ આવે છે. પોતાના કરિયરમાં ૩ વિશ્વ કપ રમનાર ઝહીર (૨૦૦૩-૨૦૧૧)એ ૨૩ મેચોમાં ૪૪ વિકેટ પોતાના નામે કરી છે.

Previous articleડાયના પેન્ટી બોલિવુડમાં ટકી રહેવા માટે ઉત્સુક છે
Next articleઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેચ દિલધડક બની શકે