ગુજરાત સરકારની ‘મિશન મંગલમ્‌’ યોજનાના સહારે ગ્રામિણ બહેનોએ સાધ્યો અવિશ્વસનિય આર્થિક વિકાસ

856

ગુજરાત સરકાર દ્વારા સમન્વિત ગ્રામિણ મહત્વને સમજીને, ગ્રામ્ય જીવનને વધુ સારૂ બનાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને ગરીબી નાબુદી અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતાં પુરસ્કાર વિજેતા કાર્યક્રમ “મિશન મંગલમ્‌” થકી ગરીબ પરીવાર સાથે સંકળાયેલી મહિલાઓની કુશળતા અને સામાજીક સ્થિતિમાં સુધારો આવે અને તેમનું આર્થિક અને સામાજીક રીતે સશક્તિકરણ થાય તે હેતુથી ગ્રામ્ય કક્ષાએ મિશન મંગલમ્‌ યોજના હેઠળ સ્વસહાય જુથો / સખી મંડળોની રચના કરવામાં આવે છે.

મહિલાઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓ જયારે ખીલીને બહાર આવે છે. ત્યારે તે ફક્ત તેમના પુરતી સિમિત ન રહેતા સમાજના અન્ય લોકો માટે પણ ખુબજ ઉપકારક બની રહે છે. આ વાત સાચા અર્થમાં સાકાર કરી છે ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના અમરગઢ ગામના શિવની સખી મંડળની બહેનોએ.

આ મંડળના પ્રમુખ પારૂલબેન દવેએ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, અમારા ગામની મોટા ભાગની બહેનો ખેતીકામ સાથે સંકળાયેલી હતી.એવા વખતે વર્ષઃ-૨૦૦૯ માં ગામની ૧૧ બહેનોએ મળીને શિવાની સખી મંડળની રચના કરી. શરૂઆત બહેનોએ ૩૦ રૂપિયા પ્રતિ માસની બચતથી કરી. જેમાથી પોતાની નાની જરૂરીયાત માટે આંતરીક ધિરાણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી.બરોબર આજ સમયે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જયારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દ્વારા વર્ષ – ૨૦૧૦માં મિશન મંગલમ્‌ યોજના અમલમાં મુકવામાં આવેલ ત્યાર બાદ અમોને મિશન મંગલમ્‌ યોજના હેઠળ ખુબજ ટુકા સમયમાં કૌશલ્ય-હુન્નર વર્ધન તાલીમ આપવામાં આવેલ. આર્થિક પ્રવૃત્તિ માટેની આંતર માળખાકીય સુવિધા પુરી પાડી પુરક આવક અને બચત પ્રવૃત્તિ સાથે સાંકળી રીવોલીંગ ફંડ, બેંક ધિરાણ (સી.સી. લોન) અપાવીને પરંપરાગત બહેનોની આવડત અને નવરાસના સમયને ધ્યાનમાં રાખીને મોતીવર્ક, સિવણ, બ્યુટીપાર્લર, ભરતકામની કામગીરી ચાલુ કરવામાં આવી. શરૂઆતમાં તૈયાર કરવામાં આવેલ માલનુ વેચાણ સમયસર ન થવાના કારણે મંડળના સભ્યોમાં હતાશા પ્રસરી હતી. જે અંગે તાલુકા અને જીલ્લાના મિશન મંગલમ્‌ સ્ટાફ્ના માર્ગદર્શન મુજબ મંડળના પ્રમુખ તરીકે અમે આગેવાની લઇને સરકારી કાર્યક્રમો,રાખીમેળા, નવરાત્રીમેળા અને સ્થાનિક મેળામાં ભાગ લેવાનુ શરૂ કર્યુ. પછીથી તૈયાર કરવામાં આવેલ વસ્તુના વેચાણની સુવિધા પ્રાપ્ત થઇ અને મંડળના બહેનોએ રાષ્ટ્રીય સરસ મેળા, કલકત્તા, મુંબઇ, ભોપાલ, ભટીંડા, દિલ્હી, વગેરે જેવા મેળાઓમાં ભાગ લેવાનો શરૂ કર્યો. પરિણામે મંડળને ખુબજ આર્થીક ફાયદો થયો, અને મારા અને મંડળના બીજા બહેનોના આત્મવિશ્વાસમાં પણ ખુબ જ વધારો થયો. બહારના રાજયમા મેળામાં ભાગ લેવાથી મેળામાં તો માલનું ખુબજ વેચાણ થયેલ પરંતુ તેના કરતા પણ આ મેળાથી બીજો મોટો ફાયદો એ થયો કે આમારા મંડળને ફોન ઉપર ઓર્ડરો મળતા થયા જેના થકી મંડળને સરળ માર્કેટીંગની સવલત ઉભી થઇ. અમારા શીવાની સખી મંડળને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે ભાવનગર રાજકોટ નેશનલ હાઉવે ઉપર અમરગઢ ગામે નાબાર્ટ દ્વારા અમોને સહાયરૂપે તૈયાર વસ્તુના વેચાણ માટે હાટ (સોપ) બનાવી આપવામાં આવી. જેના થકી અમારા વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ પાલીતાણા યાત્રાધામ ખાતે આવતા દેશ-વિદેશના લોકો હાટની મુલાકાત લઇ માલ સામન ખરીદતા થયા.  શરૂઆતમાં ૧૧ બહેનોથી શરૂ કરવામાં આવેલ આ મંડળ જોતજોતામાં આજે ગામના તથા આજુ-બાજુના ગામના ૨૦૦ બહેનોને તાલીમ આપીને જોબવર્ક પર કામગીરી આપતું વટવૃક્ષ બની ગયુ. જેના થકી આ બહેનો નવરાસ સમયમાં પણ ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયાની આવક મેળવતા થયા છે. શિવાની સખી મંડળની રૂપરેખા આપતા મંડળના પ્રમુખ શ્રીમતી પારૂલબેન દવેએ જણાવ્યુ કે, વર્ષ ૨૦૧૦માં રૂપિયા ૧૫,૦૦૦/-ની મુડીથી શરૂ કરેલો આ વ્યવસાય આજે વર્ષે ૫ થી ૭ લાખના ટર્ન ઓવર સુધી પહોચ્યો છે. તેનો ખરો યશ મંડળની બહેનો અને રાજય સરકારને જાય છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલામાં પ્રથમ વરસાદે જ કરોડોના ખર્ચે બનેલ કેનાલ કડડ ભૂસ થઇ