ધંધુકા પંથકમાં ફરી મેઘરાજાની હાથતાળી : નગરજનો નિરાશ

461

ધંધુકા પંથકમાં મેઘરાજા રિસાઇ ગયા હોય તેમ પાછલા ઘણા દિવસોથી વાદળો હોય પણ મેઘો વરસતો જ નથી. અને પંથકવાસીઓ પાછલા ૧૫ દિવસથી અસહ્ય ગરમી અને બફારાનો ભોગ બનવાનો વારો આવ્યો છે. તા.૨૪ની બપોરે અચાનક જ કાળા વાદળોમાં વિજળી ચમકી અને કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની આગમન કર્યું અને લોકો ક્ષણવાર માટે આનંદ વિભોર બની ગયા માત્ર ૧૦ મીનીટમાં જ આ કડાકા ભડાકા વાળું મેઘ આગમન ફરી લોકોને નિરાશ કરી જતું રહ્યું અને પુનઃ સૂર્ય નારાયણે દેખા દેતા ફરી ગરમીનો અહેસાસ લોકોને થયો હતો. ધંધુકા પંથકમાં પાછલા સતત ૧૫ દિવસથી મેઘ મંડાણની કાગાડોળે રાહ જોવાઇ રહી હતી ત્યારે તા.૨૪ની બપોરે અચાનક જ મેઘો મહેરબાન થયો અને વાદળો વચ્ચેથી ચમકતી વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે તોફાની વરસાદનું આગમન થયુ આ વરસાદ શરૂ થતા જ લોકો આનંદ વિભોર બની ગયા હતા. વરસાદને માણવા માટે પહેરલ કપડે  જ ન્હાવાની પણ મોજ લેતા નજરે પડ્યા હતા અને જોરદાર વરસાદની આશા સાથે વિધિવત ચોમાસુ બેસી ગયાના ભરોસા સાથે મેઘરાજાને વધાવ્યા પરંતુ આ આશા ઠગારી નિવડી હતી અને ગણતરીની મીનીટોમાં જ ફરી એકવાર મેઘરાજાએ સૌને નિરાશ કર્યા હતા. અને જોરદાર વરસાદની આશા પર પાણી ફેરવતા હોય તેમ વરસાદ રોકાઇ ગયો હતો. તરત જ સૂર્ય નારાયણે દર્શન દેતા ફરી ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. ભાલ પંથકમાં દર વર્ષની સરખામણીએ ૧૦ ઇંચ વરસાદ ઓછો થયો હોઇ લોકો ચિંતાતુર બન્યા છે. તો ધરતીપુત્રો પણ ખેતરોમાં વાવેલી મોલાતને જીવંત રાખવા વરસાદની કાગાડોળે રાહ જોઇ રહ્યા છે.

Previous articleશેત્રુંજી પંથકની શાળામાં બાળકોને નોટબુક વિતરણ
Next articleપોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક કરતા રાજુલાનાં પી.આઇ.ડોડીયા