કુડા ગામે કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયનું મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

568

ઘોઘા તાલુકાના કુડા ગામ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવનિર્મિત બિલ્ડીંગનુ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓની પાયાની તમામ સગવડતાઓ ને આવરી લેવામાં આવી છે.બે માળનું આ બિલ્ડિંગ એક કરોડ ૬૫ લાખના ખર્ચે નિર્માણ પામશે જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.આવનારા ૧૧ માસમાં સંપૂર્ણપણે આ બિલ્ડિંગ તૈયાર થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નવનિર્મિત બિલ્ડિંગમાં વિદ્યાર્થીનીઓ માટે ક્લાસરૂમ, વોર્ડન ઓફિસ, વોર્ડન બેડરૂમ, રસોડું, ડોરમેટરી, વાંચનકક્ષ, સ્ટોર, ડાઇનિંગ હોલ વગેરે જેવી શિક્ષણને લગતી  પાયાની તમામ  સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે.

આ પ્રસંગે માનનીય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે કુડા ખાતે નવનિર્મિત વિદ્યાલયનો આ વિસ્તારની જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને વધુમાં વધુ લાભ મળી રહે તે હેતુથી  અને છેવાડાના વિકાસશીલ ઘોઘા તાલુકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર પાસે ખાસ કિસ્સામાં આ વિધ્યાલયની મંજુરી લેવામાં  આવી છે. ગામના આગેવાનો આ સંસ્થામાં અંગત રસ દાખવી સંસ્થાના વાલી બને અને જો કોઇ તકલીફ જણાય તો બેજીજક મને ફરિયાદ કરે તેમ જણાવી મંત્રીએ ઉપસ્થિત વાલીઓને શિક્ષણનું મહત્વ સમજી જાગૃત થવા જણાવ્યું હતું. અને ખાનગી શાળા કરતા સરકારી શાળા કઈ રીતે ગુણવત્તાસભર છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા, ઘોઘા તાલુકા ભાજપ પ્રમુખ છોટુભા ગોહિલ, કોળી સેવા સમાજના પ્રમુખ દિવ્યેશ સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કણસાગરા, ભાજપ અગ્રણી દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ તાલુકાના આજુબાજુના સરપંચશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઘોઘારોડની ૩ સોસાયટીઓનાં રહિશો રસ્તા ઉપર ચીકણી માટીથી પરેશાન
Next articleનચ બલિયેમાં રવિના ટંડનને શાંતનુ અને નિત્યામી જોડીની ખુબ પ્રશંસા કરી !