‘માંગો એટલે મળશે, શોધો એટલે જડશે’

674

આજ કાલ લોકો અન્યનો વૈભવ જોઈ હતાશ અને નીરાશ થઈ જતાં હોય છે. તેઓ વિચારવા લાગે છે ‘મને આવો વૈભવ શા માટે ન મળ્યો? ભગવાન મને કેમ અન્યાય કરી રહ્યો હશે?’ હું રોજ મંદિરે જઈ ભગવાનની સેવા-પુજા મારા બધા જ કામ પડતા મૂકી કરું છું. વળી કુતરાને રોટલો આપ્યા વિના કદી ભોજન લીધાનું મને યાદ નથી. છતાં મારી સાથે આવો અન્યાય શા માટે? છોકરો છેલ્લા દસ વર્ષથી પથારીમાં પડ્‌યો છે. પુત્રવધૂ તેના પિયર જતી રહી તેને પણ આજે આઠ વર્ષ વીતી ગયા છતાં તેમના તરફથી એક કાગળ કે ફોન પણ આવ્યો નથી. પતિ માંદો પડ્‌યો એટલે તેનો ખપ રહ્યો નહિ. ‘પાંકડી ભેંસ અને ડુકેલો બળદ’ કોઈ સંઘરવા તૈયાર થતું નથી.

બીજી તરફ સિદ્ધિના શિખરે પહોંચી ગયેલાં લોકો કહેતાં હોય છે. આ દેશમાં કંગાળ, ભિખારી, બેરોજગાર લોકોએ અડ્ડો જમાવી દેશની પ્રગતિ ખોરવી નાખી છે. આમ પણ આળસુ લોકો ક્યાંથી ધન કમાઈ શકવાના હતા? છતાં સરકાર આવા લોકો પાછળ અવનવી યોજનાઓ અમલમાં મુકી પૈસાનો વ્યય  કરે છે. સરકાર ગમે તેટલી મદદ કરે પણ ‘કથીર કાંય કંચનની તોલે થોડુ આવે?’ તો કોઈ રમુજ કરતા એમ પણ બોલતા હોય છે. ‘કુંભારને હીરો ભેટ આપો તો, કુંભાર તે હીરાને ગધેડાની ડોકે જ બાંધશે તે હીરાનું મૂલ સમજી તેની તિજોરીમાં નહિ મુકે.’ લખચોરાશી ફેરો મારી આવેલો માણસ પણ મૂલ્યવાન જિંદગીને માણ્યા વિના મારું-તારું કરતો, લડતો-ઝગડતો રહે છે. પૈસો કમાવા કિંમતી ચારીત્ર હોડમાં મુકી દે છે. લક્ષ્મીની લાલચમાં મહા મહેનતે મળેલો માનવ અવતાર ગુમાવવા તૈયાર થઈ જાય છે. પોતાનું કલ્યાણ માત્ર પૈસો જ કરી શકશે તેમ સમજી શિક્ષીત લોકો પણ ભીત ભૂલી ભટકી રહ્યાં છે. સંસારનો ત્યાગ કરી બની બેઠેલા સાધુઓ ગાદીપતિ થવા અનેક રાજકારણ ખેલતાં હોય છે. સ્ત્રીઓનો સંસર્ગ નહિ કરવાનો દંભ કરતાં અનેક સાધુઓએ સંસારી લોકોની જેમ પોતાનો પરિવાર ઊભો કરી દીધો હોવાનું આપણને પાછલા બારણે જાણવા મળે છે. આત્મકલ્યાણ માટે ભેખધારણ કરી મોહમાયામાં આ રીતે ફસાવું આત્મહત્યા કરવા જેવું કહેવાય. મોટા વક્તા બની ભાષણો કરતા લોકોનું આચરણ હકીકતમાં તેની કથની મુજબનું હોતું નથી. પ્રમાણિક બનવા ઉપદેશ આપતાં લોકો ભ્રષ્ટાચારના ભાર નીચે દબાયેલા હોય છે. ત્યારે મળેલો માનવ અવતાર ઊજાળવા ઇશ્વરમય બની ભીતરની યાત્રામાર્ગે આપણે આગળ ધપવુ પડશે. વર્ષો પહેલાં સાંભળ્યું હતું. ‘માંગો એટલે મળશે અને શોધો એટલે જડશે’ કોની પાસે માંગવું? ક્યાં શોધવું? શું માગવું? અને શું શોધવું? પ્રશ્ન જટીલ અને થોડો અટપટો પણ ખરો. થોડા સમય પહેલા મારે ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામે અમારા તરસમીયા ગામનાના ખેડુત આગેવાન રવજીદાદા સાથે જવાનું થયું. રવજીદાદા ટીમ્બી ગામમાં ચાલતી હૉસ્પિટલના ટ્રસ્ટીઓના પરિચયમાં હતા. તેથી હું તેમની સાથે હૉસ્પિટલની ખાસ મુલાકાતે ગયો હતો. ત્યાંના ટ્રસ્ટીગણે મારુ અભિવાદન કરી મને બે પુસ્તકો ખાસ ભેટ આપ્યા. આ બે પુસ્તકોમાં એક પુસ્તક હતું ‘ઇશ્વર તરફ પ્રયાણ’ જેના લેખક છે સ્વામી નિર્દોષાનંદ. આ સ્વામીજીના નામે ટ્રસ્ટ આરોગ્ય ધામ ચલાવે છે.  ત્યાં આવતા દર્દીઓની સારવાર તદ્દન વિનામુલ્યે કરવામાં આવે છે. તો વળી મોંઘી દાટ શાસ્ત્રક્રિયા પણ અહીં સાવ મફત થાય છે. એટલુ જ નહિ દર્દીઓને નિઃશુલ્ક ભોજન પણ આપવામાં આવે છે. સ્વામી નીર્દોષાનંદની હૃદયની ઇચ્છા પ્રત્યેક દર્દીને નિઃશુલ્ક ભોજન સાથે સારવાર મળી રહે તેવી હતી. કેમ્પસમાં દર્દીઓ સારવાર માટે ઉમટી પડ્‌યા હતા. ઘણા તબીબો ગામડાં-ગામમાં આવેલી આ હૉસ્પિટલમાં સેવા આપવા આવે છે તેમના કેટલાક ડૉકટર મિત્રો હૉસ્પિટલના ક્વોટરમાં જ રહે છે. દેશના લોકો પહેલી નજરે આપણને પંચાત્યા લાગતા હતા તે જ દેશના તબીબો દરિદ્રનારાયણની સેવા કરવા, અંતરયાળ વિસ્તારમાં આવેલા ગામડામાં રહેવાનું સામે ચાલી પસંદ કરે છે. આવી ઉદારવૃતિ દાખવનાર પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ શોધવી પડશે. જેમને આવા સેવાયજ્ઞો ચલાવવા સેવાનીષ્ઠ લોકોની જરૂર છે તેમણે સ્વામી નીર્દોષાનંદ ટ્રસ્ટની જેમ કર્મનીષ્ઠ કાર્યકરો, કર્મચારીઓ ખોળી કાઢવા રહ્યા. પોતાના કાર્યને સફળ બનાવા કર્મનીષ્ઠ ટીમ બનાવી આવા લોકોનો સહકાર માંગવો પડશે. ‘માગ્યા વિના તો સગી માય ન પીરસે’ મોટા શહેરમાં હૉસ્પિટલ ચલાવતા સંચાલકો પણ સમયસર નિષ્ણાંત તબીબોની સેવાઓ મેળવી શકતા નથી ત્યારે અંતરયાળ ગામડામાં ચાલતા આ આરોગ્યયજ્ઞનાં તમામ ટ્રસ્ટીગણને મારા શત-શત વંદન છે.

‘ઇશ્વર તરફ પ્રયાણ’ પૂસ્તકના થોડા પ્રસંગો વિશે અહીં કેટલીક ચર્ચા કરવી મને ઉચિત લાગે છે. ‘છંદોગ્ય’ ઉપનીષદને ટાંકીને સ્વામીજી કહે છેઃ ‘જન્મથી કોઈ ઉચ્ચ કે નીચ હોતું નથી. વ્યક્તિ તેના કર્મ વડે જ ઊચાઇ પ્રાપ્ત કરી શકે છે. જન્મ સમયે દરેક શુદ્ર હોય છે. ઉચ્ચ સંસ્કાર થકી કોઈ પણ વ્યક્તિ બ્રહમ્ત્વને પામી શકે છે. વર્તમાન સમયમાં તો વધુ ભણતર વાળો શુદ્ર ન્યાયાધીશ બની જાય છે જ્યારે ઉચ્ચકૂળમાં જન્મેલો પણ ઓછું ભણેલો બ્રાહ્મણ તેનો પટાવાળો હોય છે. ગમે તેટલો વિદ્વાન હોય પણ જો વિવેકનો તેનામાં અભાવ હોય તો તેવા ઉચ્ચશિક્ષણનો કોઈ મતલબ રહેતો નથી. આવા લાયકાતના પુઠાં ધરાવતા કહેવતા વિદ્વાન લોકોથી અળગા રેવું સલાહ ભર્યું છે. જે શિક્ષણ જીવન જીવવાની કલા શિખવી ન શકે એવા વાંજીયા શિક્ષણને કોઈ સ્થાન ન હોય શકે. વિશ્વામિત્ર પોતાના કઠિન તપ દ્વારા ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ થયા હતા. તેમના તપથી પ્રસન્ન થઈ દેવતાઓએ કહ્યુંઃ ‘હે મહર્ષિ, અમે તો આપને મહર્ષિ કહેવા તૈયાર છીએ. પણ જ્યાં સુધી આપને વશિષ્ટજી મહર્ષિ તરીકે સ્વિકારે નહિ ત્યાં સુધી તમને મહર્ષિ કહી શકાય નહિ માટે તમે વશિષ્ટજીને જઈ સમજાવો કે હવે તમારા તપોબળ વડે મહર્ષિની ઉપાધી પામી ચુક્યા છો. વશિષ્ટજી તમારી વાત માની તેઓ જો તમને મહર્ષિ તરીકે સંબોધવા તૈયાર હોય, તો અમો સૌ આપને મહર્ષિ કહેવા સંમત છીએ. પહેલાના સમયમાં પદવી આ રીતે જ મળી શકતી હતી.

પોતાના ઘોર તપ પછી પણ વશિષ્ટજી વિશ્વામિત્રને જ્યારે રાજર્ષિના સંબોધનથી જ બોલાવતા રહ્યા ત્યારે વિશ્વામિત્ર તેનાથી નારાજ થઈ વશિષ્ટજીને એક યા બીજી રીતે હેરાન કરવા લાગ્યા. ગણત્રીના સમયમાં વિશ્વામિત્રએ વશિષ્ટજીના સો પુત્રો એક રાક્ષસની મદદથી મરાવી નાખ્યા. બીજી અનેક પજવણી પણ શરુ કરી દીધી. વશિષ્ટજી તો શાંત ચીતે ભગવાનનું ભજન કરતા રહેતા. તે કદી બદલો લેવાનો વિચાર સુદ્ધા કરતા નહિ. તો આ બાજુ વિશ્વામિત્ર રોજ વશિષ્ટજીને દુઃખ પહોંચાડવા કાવતરા કરી હુમલા કરાવતા રહેતા હતા.

શરદપુનમની રાત્રીનો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હતો. આશ્રમમાં રાત્રીના બાર વાગ્યે વશિષ્ટજી અને તેમના પત્ની અરુંધતીનો મિઠો સંવાદ ચાલી રહ્યો હતો. ‘હે સ્વામિજી, આ ચંદ્રની તોલે આવે તેવી કોઈની તેજસ્વીતા હશે? આ સાંભળી વશિષ્ટજી બોલી ઊઠ્‌યાઃ હા દેવી, આવી જ તેજસ્વીતા વિશ્વામિત્ર ધરાવે છે. તેમની તેજસ્વીતા ચંદ્રના પ્રકાશ જેવી છે. વૃક્ષની પાછળ છુપાયેલા વિશ્વામિત્ર સાંભળી રહ્યા હતા. તેઓ વશિષ્ટજીને જાનથી મારી નાખવા તલવાર, ભાલા, ગદા અને બખતર સાથે આવ્યા હતા. પણ અડધી રાત્રે વશિષ્ટજીના મુખે તેમની પ્રશંસા સાભળી ભાલા, તલવાર, ગદા અને બખતરનો ત્યાગ કરી તેનો ઘા કરી વશિષ્ટજીના પગમાં પડવા દોડ્‌યા. વિશ્વામિત્રને આ રીતે અડધી રાતે આવેલા જોઈ વશિષ્ટજી તેને આવકારવા સામે દોડી બોલ્યાઃ ‘આવો બ્રહ્મર્ષિ…’ આ સાંભળી વિશ્વામિત્ર બોલ્યા આપ તો મને હંમેશાં ‘રાજર્ષિ’ કહી સંબોધતા હતા આજે મને ‘મહર્ષિ’ કેમ કહ્યો? સાંભળી વશિષ્ટજી બોલ્યાઃ આજે તમે શસ્ત્રોનો ત્યાગ કર્યો છે તેથી હવે આપ ખરા અર્થમાં મહર્ષિ થયા છો. હવે આપને તમામ લોકો ‘મહર્ષી’ તરીકે સંબોધશે. આ વાર્તા પરથી આપણને એવુ શિખવા મળે છે. વ્યક્તિ માંગે તો તેને તે અવશ્ય મળે છે. વિશ્વામિત્રને વશિષ્ટ ઋષી પોતાને મહર્ષિ તરીકે સંબોધન કરી એકવાર બોલાવે જેથી તેમને દેવો દ્વારા ‘મહર્ષિની પદવી પ્રાપ્ત થઈ શકે. તેમણે આ માટે અનેક કાવા-દાવા કર્યા, આખરે તે ગુરુની હત્યા કરવાના ઈરાદાથી ગુરુના આશ્રમમાં ગયા ત્યાં તેમણે ગુરુ વશિષ્ટના મુખે જ પોતાના વખાણ સાંભળ્યા. આમ, તેને ગુરુ વશિષ્ટજીની સાંચી અંતરની ભાવનાની અનુભૂતિ થઈ.

આપણે જ્યારે ખોટી માયામાં ફસાય તેના ગુલામ બની જઈએ છીએ ત્યારે ખરા સત્યથી અળગા રહીએ છીએ. માયાના મતલબી પ્રદેશમાં ભૂલા પડી વ્યર્થ જિંદગી ગુજારવા મજબૂર બનીએ છીએ.

માયાની વાત છેડાણી જ છે ત્યારે પુરાણોમાં ઉલ્લેખાયેલી એક સત્ય ઘટના મને અહીં નોંધવાનું મન થાય છે.

એક વખત ભગવાન કૃષ્ણ નદીએ સ્નાન કરવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને નારદજી મળ્યા. નારદજીએ ભગવાનને વંદન કરી કહ્યુંઃ ‘હે ભગવાન મારા પર કૃપા કરો. હું આપની માયા સૃષ્ટિ શું છે? તે જાણવા માંગું છું. તમારી લીલા અને માયામાં સૌ કોઈ અટવાય જાય છે. ભગવાન કહેઃ નારદજી, મારી સાથે ચાલો હું સમય આવે આપને તે સમજાવીશ. યમુના નદી આવતા જ ભગવાન સ્નાન કરવા લાગી ગયા. બીજી તરફ નારદજી જેવા નદીમાં સ્નાન કરવા ઊતર્યા કે પાણીનું મોટુ મોજુ આવ્યુ, નારદજીનો પગ લપસ્યો. તેઓ ઊંડા પાણીમાં ખેંચાય ગયા. બેભાન થયેલા નારદજીને સપનું આવ્યું. પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું છે. તેમનો જન્મ એક કંગાળ પરિવારના ઘરમાં થાય છે. ખાવા અનાજનો ટુકડો પણ મળતો નથી. માંડ તેઓ યુવા અવસ્થાએ પહોંચે છે. એક દિવસ તેઓ ગરીબીથી કંટાળી ઘર છોડી ભાગી નીકળે છે. રસ્તો ભૂલી જતા તે ઘોર જંગલમાં પહોંચી જાય છે. અનેક સાધુ સંતોની મદદથી તેઓ એક નગરમાં પહોંચી જાય છે. નગરમાં તેઓ પ્રવેશ કરે તે પહેલા સાંજ પડતા નગરના દ્વાર બંધ થઈ જાય છે. નારદજીને રાતવાસો નગરના દ્વાર પાસે ગુજારવો પડે છે. નગરના રાજા મોડી રાત્રીએ હૃદયગતિ રોકાય જવાથી મૃત્યુ પામે છે. તે રાજ્યનો નિયમ એવો હતો કે વહેલી સવારે નગરનો દરવાજો ખૂલે ત્યારે નગરમાં પહેલો પગ મુકે તેને નગરનો રાજા બનાવવો. એટલે કે આગંતુકને નગરનું રાજ સોંપવાનો રીવાજ હતો. સવાર પડતા જ નારદજી નગરમાં પ્રવેશ કરે છે. રાજના લોકો તેને વાજતે-ગાજતે નગરમાં લઈ જાય છે. નવડાવી-ધોવડાવી તેને હાથીની સોનાની અંબાડી પર બેસાડી નગરયાત્રા કરાવવામાં આવે છે. ત્યારબાદ રાજસિહાસને બિરાજમાન કરાય છે. દસ હજાર રાણીઓ તેની સેવા ચાકરી કરવા લાગી જાય છે. નારદજી તો બધુ જ ભૂલી સંસારની મોહમાયામાં પડી જાય છે. થોડા વર્ષો વિતી જાય છે. રાજાની એક રાણી મૃત્યુ પામે છે. નગરના રીવાજ મુજબ રાણી મૃત્યુ  પામે તો નગરના રાજાને પણ સતો થવું પડતું તેથી રાજાને પણ ચીતા પર ચડાવામાં આવે છે. આ દરમિયાન નારદજીનો ભૂતકાળ તેનો પીછો છોડતો નથી તેના કંગાળ પરિવારને તેની ભાળ મળતા જ તેનો કબજો લેવા આવી પહોંચે છે. તેઓ બોલી ઉઠે છે આ કાયર અમને કહ્યા વિના અહીં આવી ગયો છે. તે નરાધમ-પાપીને અમને સોંપી દો. નગરના લોકો તેના રીવાજ મુજબ રાજાને જીવતો સળગાવવા ઇચ્છતા હોવાથી કબજો આપવા સંમત થતાં નથી. યુદ્ધ જામે છે. નગરનો રખેવાળ અગ્નિ લઈ ચિતા પ્રગટાવી દે છે. નારદજી ડરના માર્યા સફાળા છલાંગ લગાવા હાથ બહાર કાઢે છે. પાણીમાંથી બહાર આવેલો હાથ ભગવાન પકડી લઈ નારદજીને બહાર ખેંચી કાઢે છે. નારદજી ભાનમાં આવતા જ તેને માયાનું રહસ્ય સમજાય જાય છે.

માટે વાચકમિત્રો, તમને જો કોઈ પ્રશ્ન સતાવતો હોય તો તેનો ઉત્તર તમને જરૂર મળશે. જે રીતે નારદજીને પોતાના પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત થયો.

એટલે જ કહું છું.  ‘માંગો એટલે મળશે ને શોધો એટલે જડશે.’

Previous articleઉન્નાવ રેપ કેસ : અકસ્માત બાદ સેંગર-અન્યો સામે હત્યાનો કેસ
Next articleયેદીયુરપ્પાએ વિશ્વાસ મેળવ્યો