મુંબઈ ઇન્ડિયન્સે મયંકને સ્થાને દિલ્હી કેપિટલ્સનાં રઘરફોર્ડનો ટીમમાં સમાવેશ કર્યો

440

આઇપીએલના ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે આગામી સીઝન પહેલા દિલ્હી કેપિટલ્સ સાથે એક ખેલાડી એક્સચેન્જ કર્યો છે. તેમણે લેગ સ્પિનર મયંક માર્કંન્ડે દિલ્હીની ટીમને આપીને વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર શેરફેન રઘરફોર્ડનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. મુંબઈ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ કહ્યું હતું કે, મયંક સારો ખેલાડી છે અને અમારા માટે આ નિર્ણય લેવો અઘરો હતો. તે ભવિષ્યમાં ઇન્ડિયન ક્રિકેટનો સ્ટાર હશે અને કાયમ મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ રહેશે.

મયંકે ૨૦૧૮માં મુંબઈ માટે ડેબ્યુ કર્યું હતું. તે સીઝનમાં તેણે ઈકોનોમિકલ બોલિંગ કરતા ૧૪ મેચમાં ૧૫ વિકેટ લીધી હતી. આ દેખાવ પછી તેને ભારતની ટી-૨૦ ટીમમાં પણ સ્થાન મળ્યું હતું. જોકે તે પછીની સીઝનમાં તેનો દેખાવ સાધારણ રહ્યો હતો અને મુંબઈની ટીમમાં રાહુલ ચહરે તેને રિપ્લેસ કર્યો હતો. મયંકે ૨૦૧૯ની આઇપીએલમાં ૩ મેચ રમ્યો હતો અને માત્ર ૧ વિકેટ લીધી હતી. બીજી તરફ રઘરફોર્ડે દિલ્હી માટે ૭ મેચ રમતા ૭૩ રન કર્યા હતા અને ૧ વિકેટ લીધી હતી.

રઘરફોર્ડના સમાવેશ અંગે આકાશે કહ્યું હતું કે અમે તેના આગમનથી ઉત્સુક છીએ. તેના ઓલરાઉન્ડ દેખાવથી પ્રભાવિત થઇને અમે આ નિર્ણય લીધો છે અને અમને આશા છે કે તે મુંબઈ ઇન્ડિયન્સમાં પોતાનું ઘર મેળવી લેશે અને સારું યોગદાન આપશે.

Previous articleરિતિક રોશન સુપર ૩૦ બાદ વધુ વ્યસ્ત
Next articleવિશ્વમાં ભારતનું નામ દીપાવતી ભારતી, યોગમાં ગોલ્ડ સહિત ૪ મેડલ મેળવ્યાં, ગામે વધાવી