બધાને સુખી કરવાની આપણી તાકાત નથી, પણ કોઈને આપણા થકી દુઃખ ન પહોંચે તે આપણા હાથની વાત છે

730

ખારા સમુદ્રમાં તમે ડૂબકી મારો તો તમને ખારાધુધ પાણીનો અનુભવ થયા વિના રહેવાનો નથી. હા, રાવણ તેની ઇચ્છા મુજબ જો સમુદ્ર મીઠો કરી શક્યો હોત તો વાત જરા જુદી જ હોત. આપણા દેશના પીડિત લોકોને પણ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ બંધારણ હોવા છતાં ડગલે ને પગલે અન્યાયો સહન કરવા પડે છે. લોકશાહીની સાથે દેશમાં પ્રામાણિકતા પણ આવી હોત તો વાત જુદી જ હોત.

‘વૈષ્ણવજન’ ભજન ગાંધીજીએ જનતાનાં દુઃખો જાણવા-સમજવા આપણને ગાવા નિર્દેશ કર્યો છે. પરપીડા પોતીકી જાણી તેને દૂર કરવા કામે લાગી જવા કહ્યું છે. કોઈ પર ઉપકાર કરી જરા સરખું પણ અભિમાન નહિ કરવા ભજનમાં કહેવાયું છે. આપણા દેશમાં જેટલા સંતો-મહંતો થયા છે એટલા કદાચ વિશ્વના અન્ય કોઈ દેશોમાં થયા નથી, છતાં આપણી સંવેદના સૂતી કેમ હશે? – તે સમજમાં આવતું નથી. આજ-કાલ વ્હૉટ્‌સ એપ પર આવતા સંદેશાઓ જાણે બીજાને ફોરવર્ડ કરવા માટે જ હોય તેમ સમજી જેવો સંદેશ મોબાઈલ પર આવે છે તેવો જ વાંચ્યા વિના જ ટપાલીની માફક  મોકલી દેવામાં આવે છે. કેટલાક મિત્રો તો અનેક વ્હોટ્‌સ એપ ગ્રૂપના એડમીન પણ હોય છે. તેમાના મોટા ભાગના મિત્રો કુંવારી સ્ત્રીનો જ ધર્મ નિભાવતા હોય છે. એટલે કે મોબાઈલની ખેતીના અનુભવી મિત્રો સંદેશા માત્ર ફોરવર્ડ કરવા સિવાય બીજું કશું જ કરતા હોતા નથી. રાત પડ્‌યે હજારો મેસેજ મોકલી દેતા આ મિત્રો ખાખરાની ખિસકોલી જેવા જ રહી જાય છે. શાળામાં ભણાવતો શિક્ષક પણ આજકાલ પુસ્તકો સાથે આવું જ કરી રહ્યો છે. સત્તાના સિંહાસને બેઠેલા દેશના નેતાઓ કે ઉચ્ચ અધિકારીઓને જનતાની સેવા સવલતો પૂરી પાડવામાં કોઈ ઉત્સાહ નજરે પડતો નથી. અવનવી યોજનાઓ ઘડી પેલા મોબાઈલ વ્હોટ્‌સ એપ ગ્રૂપના એડમીન મિત્રોની જેમ કામ કરી પોતાનો પરવાનો પાકો કરી લેવાનું ચૂકતાં નથી. ટૅક્નોલૉજીથી બધું મેળવી લેવાની ઘેલછા આપણને ભવિષ્યમાં મોંઘી પડી શકે છે. પુસ્તકથી વિમુખ બનેલો દેશનો નાગરિક દેશની સંસ્કૃતિ શી રીતે જાળવી શકશે? આ બધી બાબતો ચિંતન માંગી લે તેવી છે. આ બધી સમસ્યા મને ને તમને કોરી ખાય છે. શિક્ષણમાં ઘૂસી ગયેલી ગોખણપટ્ટીએ આપણી કમર ભાંગી નાખી છે. વિદ્યાર્થીને શિક્ષક આજે આંગળી પણ અડાડી શકતો નથી. વિદ્યાર્થી શિક્ષકનો સંબંધ સાવ પાંગળો બની ગયો છે. શિક્ષક ઇચ્છે તો પણ વિદ્યાર્થીને જીવનલક્ષી શિક્ષણ આપી શકતો નથી. ઓનલાઈન ટેસ્ટ, ઓનલાઈન હાજરી, સરકારી પત્રકોની માહિતીનું સંકલન કરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં સારા એવા સમયનો વ્યય થાય છે. ઉપલી કચેરીને સંકલિત માહિતી મોકલવાની રોજબરોજ આવતી કામગીરી સાચા શિક્ષકને પણ પોતાના વર્ગખંડથી વંચિત રાખે છે. કલા કે રમત-ગમતના શિક્ષકોને પણ તેના વિષયનું શૈક્ષણિક કામ આપવામાં આવતું નથી. ઓનલાઈન માહિતી મોકલવાના બાના નીચે શિક્ષણ વિભાગે શિક્ષકને શાળા સમય દરમિયન મોબાઈલ વાપરવાનો પરવાનો આપી દીધો છે. જે આજની શિક્ષણ પ્રણાલીની ખામી છે ત્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કેવા પરિવર્તનો લાવવામાં સફળ નીવડે છે, તે જોવાનું રહે છે!

નવી શિક્ષણ નીતિ વિશે ચર્ચા કરીએ તે પહેલા આજે આપણે ક્યાં ઊભા છીએ? તે સમજી લેવાની જરૂર છે. કેટલીક શાળાઓમાં શાળા વિકાસ સમિતિ બાળકોને શાળામાં પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય સુવિધા જેવી સગવડ ઊભી કરવામાં ઘણું સારું કામ કરી રહી છે. અભ્યાસ અધૂરો છોડી મજૂરીએ લાગી જતા બાળકોને રોકવા, બાળમજૂરીને અટકાવા શાળા વિકાસ સમિતિએ સત્વરે પોતાની ભૂમિકા ભજવવાની આવશ્યકતા છે. શાળાને સરકાર તરફથી ‘શાળા વિકાસ માટે’ આપવામાં આવતા અનુદાનનો પૂરેપૂરો ઉપયોગ થાય તે અંગે દેખરેખ અને નિયંત્રણ પર ભાર મૂકવાની જરૂર છે. પરંતુ ઘણી જગ્યાએ આ સમિતિ પોતાની જવાબદારીઓથી ભટકી રહી છે. આવી સમસ્યાઓને રોકવા સરકારે સમિતિના સભ્યોને પૂરતું માર્ગદર્શન મળી રહે તેવા કાર્યક્રમો તૈયાર કરવા પડશે. અન્યથા આવી સમિતિઓ પોતાને સુજે તેવા બીનજરૂરી કામો હાથ પર લઈ નવી સમસ્યાઓ ઊભી કરશે. આપણે ત્યાં કહેવત છે ‘નવરો બેઠો નખોદ વાળે.’ તમે કહેશો કે આવું નખોદ સમિતિએ ક્યાંય વાળ્યું છે? હા મિત્રો ,આજ-કાલ કેટલીક શાળાઓના આચાર્યમિત્રો આવી સમિતિને હાથો બનાવી કેટલાક અંધ શિક્ષકોને શાળામાંથી બદલી કરાવાના હેતુથી ખોટી ફરિયાદો ઊભી કરાવે છે. શાળામાં કયા શિક્ષકને મૂકવા કે ન મૂકવા તે વિષય, શિક્ષણ વિભાગનો છે. કોઈ સ્થાનિક સમિતિ, શાળાના આચાર્ય કે પે સેન્ટર શાળાનો નથી-તે યાદ રાખવા જેવું છે. કેટલીક શાળાઓમાં અંધ શિક્ષકને દૂર કરવા સેટઅપમાં ગડબડ કરવામાં આવતી હોય છે. જોકે તેમાં ટી.પી.ઈ.ઓ. કે અન્ય અધિકારીઓનો કોઈવાર થોડો-ઘણો પાછલા બારણે ટેકો પણ મળતો હોય છે. આખરે તેનો લાભ ખાનગી શાળાઓને જ થાય છે.

આ વાતને સમજવા એક ઉદા. લઈએ-

ગામના લોકોએ ફાળો એકઠો કરી ગરીબ બ્રાહ્મણના બે પુત્રોને કાશી ધર્મશાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવા હેતુથી ભણવા મોકલ્યા. બંને શાસ્ત્રોમાં પારંગત થઈ ગયા. સંસ્કૃત વિષયમાં પંડિત થયેલા બંને વિદ્યાર્થી ભાઈઓને ગુરુજી દ્વારા વિદાય આપવામાં આવી. ગુરુજીની વિદાય મળતા બંને પોતાના ગામ જવા નીકળી ગયા. રસ્તામાં એક ગામ આવ્યું. ગામમાં વાયુવેગે પંડિતોના આગમનની વાત ફેલાઈ ગઈ. ગામ લોકોએ પંડિતોનું વાજતે-ગાજતે સામૈયું કરી સ્વાગત કર્યું. ભોજન સમારંભ પણ યોજવામાં આવ્યો. મંચ અને માયક વગેરેની સગવડ પણ તાબડતોબ કરવામાં આવી. ગામના મોટા જમીનદાર ખેડૂત આગેવાને બંને પંડિતોને બોલાવી કહ્યુંઃ ‘તમારે મંચ પર બિરાજમાન થઈ ગામ લોકોને સંબોધવાના છે. તમને ગામના લોકો શક્તિ મુજબ દાન-દક્ષિણા પણ આપશે. આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા તમે બંને પાદરમાં આવેલી નદીએ વારાફરતી સ્નાન કરી આવો. સૌ પ્રથમ મોટાભાઈ સ્નાન માટે જાય છે. નાનાભાઈને જમીનદાર ગામ આગેવાન પૂછે છેઃ ‘તમારામાં વિદ્વાન પંડિત હોય તેને મારે મોટું દાન આપવું છે.’ સાંભળી પંડિત બોલ્યાઃ ‘મોટો તો ગધેડો છે. ખોટો-ખોટો ગધેડાની જેમ ભોક્યા કરે છે. વિદ્વાન તો હું જ છું. તમારે જે આપવું હોય તે મને જ આપજો.’ થોડા સમયબાદ મોટો પંડિત નદીએથી સ્નાન કરી પરત આવી પહોંચે છે. હવે નાના પંડિતનો સ્નાન કરવા જવાનો વારો આવે છે. મોટા પંડિતને પણ જમીનદાર કહે છેઃ ‘તમારામાં વિદ્વાન પંડિત હોય તેને મારે મોટું દાન આપવું છે.’ સાંભળી મોટો પંડિત બોલે છેઃ ‘નાનો તો બળદિયો છે. ખોટો-ખોટો ભાંભર્યા કરે છે. દાન આપવું હોય તો મને જ આપજો.’

નાના પંડિતજી સ્નાન કરીને આવી પહોંચે છે. બંનેને જમીનદાર નાસ્તા માટે બોલાવે છે. નાસ્તામાં પિરસાયેલ સામગ્રી જોઈ બંને ચકરવકર જોવા લાગે છે અને બોલે છેઃ ‘શેઠજી! નાસ્તામાં ઘાસ, સૂકાં રાડાં અને કચરો કેમ રાખવામાં આવ્યો છે? આ તો પશુઓનો ચારો છે.’ આ સાંભળી જમીનદાર મહાશય બોલી ઊઠે છેઃ ‘મેં બંનેને પૂછ્યું હતું કે તમારામાં વિદ્વાન કોણ છે? તમે એકબીજાને બળદ અને ગધેડાની ઉપમા આપી મને ઓળખ આપી હતી. તેથી મેં તમારા કહેવા મુજબ નાસ્તાનો પ્રબંધ કર્યો છે. પંડિતજી,  હવે વિલંબ કર્યા વિના પ્રેમથી નાસ્તો કરવાની શરૂઆત કરી દો. કાર્યક્રમમાં વિલંબ થશે.’

બંનેને પોતાની ભૂલ સમજાય ગઈ. આપણે પણ એક બીજાને નીચા દેખાડવા આવું જ કરી રહ્યા છીએ. કેટલાક બની બેઠેલા નેતાઓ પણ જનતાનો પોતાના સ્વાર્થ સાધવા ઢાલ બનાવી ઘણી જગ્યાએ ઉપયોગ કરતા મેં જોયા છે. થોડા સમય પહેલા ભાવનગરની નજીક આવેલી એક શાળામાં મધ્યાહ્‌ ન ભોજનનો પ્રસાદ બાળકોને પિરસાઈ રહ્યો હતો. પ્રસાદ પિરસાઈ જતા બાળકોને શિક્ષક દ્વારા પ્રાર્થના શરૂ કરવા સૂચના આપવામાં આવી. બધા બાળકો આંખો વીંચી પ્રાર્થના બોલી રહ્યા હતા. એક બાળક ખૂલી આંખે ચોમેર જોઈ રહ્યો હતો. એક શિક્ષકની નજર તે બાળકની હરકત પર સ્થિર થાય છે. શિક્ષક બાળકને ઊંચા અવાજે તેમ નહિ કરવા ટોકે છે. બાળકની વૃત્તિ શાંત થતી નથી. શિક્ષક એક તમાચો લગાવી દે છે. બાળક આંખો મીંચી શિક્ષકની સૂચના મુજબ પ્રાર્થના કરવા લાગે છે. શાળા છૂટતાં બાળકો ઘરે જતા રહે છે. સાથી બાળકો પેલા બાળકના પિતાને આખી ઘટનાની વાત કરે છે. માર પડનાર બાળકનો પિતા કેટલાક ગ્રામજનો સાથે શાળામાં ધુંઆ-પુંઆ થતો ઝઘડો કરવા આવી પહોંચે છે. થોડી શાબ્દિક ટપાટપી થતા પેલા બાળકનો પિતા શિક્ષક પર તૂટી પડે છે. ખુરશી અને થોડી બીજી વસ્તુઓની તોડફોડ કરી શિક્ષકને પણ ઘાયલ કરે છે. મામલો પોલીસ સ્ટેશને પહોંચી જાય છે. એક રાજકીય નેતા બળતામાં ઘી હોમવા તકનો લાભ લઇ આવી પહોંચે છે. અભણ વાલીના ખંભે બંધૂક રાખી આ નેતા લડવા લાગે છે. શાળાના શિક્ષકોને પોલીસ સ્ટેશનમાં આખો દિવસ ભૂખ્યા રહેવાની ફરજ પડે છે. મામલો પતાવા હું પણ પોલીસ સ્ટેશને સમયસર પહોંચી ગયો હતો. રાજનેતાએ પોતાનો અસલી રંગ બતાવી સમાધાન થવા દીધું જ નહિ. આવા રાજકારણી લોકો જ્યાં સુધી પોતાની મંશા પૂરી કરવા સમાજને વેરવિખેર કરવામાં સફળ થતા રહેશે ત્યાં સુધી જનતાને પેલા શિક્ષકોની જેમ ‘બલીનો બકરો’ બનવા મન-કમને તૈયાર રહેવું જ પડશે.

ભલે હું અને તમે બધાને સુખી કરવા સબળ કે સક્ષમ ન હોઈએ, પણ આપણા વડે કોઈ દુઃખી ન થાય. મળેલ સત્તાબળનો ઉપયોગ કરી આપણે કોઈ નાગરિકને હેરાન-પરેશાન થવું પડે તેવું એક પણ કામ ન કરીએ તો એ ઇશ્વરને મોટી પ્રાર્થના કર્યા બરાબર છે. આવું ચિંતન જે કરી શકે તે અન્યને કદાપિ દુઃખ જાણે-અજાણે પણ પહોંચાડશે નહિ. જ્યારે રાજકીય મંશા જેમનો પીછો છોડવા તૈયાર થતી નથી, તેઓ અન્યને સુખી કરવા વિચારી પણ શકતા નથી.

આજ-કાલ ટેલિવિઝન, ઈનટરનેટ, મોબાઈલ માધ્યમોએ માનવને ઘેરી લીધો છે. નાના બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે. પુસ્તકો ગ્રંથાલયોમાં તેની અલમારીઓ શોભાવાના આભૂષણો બની ગયા છે. યુવાનો વ્હિકલોનો ગુલામ બની, કારણ વિના લટાર લગાવી જિંદગીને હોડમાં મૂકી રહ્યા છે. તે પુરપાટ વાહન ચલાવી  મૂલ્યવાન માનવ જીવનને ધૂળમાં રોળવા તૈયાર થઇ જાય છે. જેને પોતાની મૂલ્યવાન જિંદગીની પણ ચિંતા થતી નથી તે સમાજનું શી રીતે કલ્યાણ કરી શકેશે! એટલે મને કહેવાનું મન થાય છે. ‘કોઈને ભલે આપણે સુખી ના કરી શકીએ, પણ કોઈને આપણે દુઃખી તો ન કરવા જોઈએ.’

આપણે અન્યના કલ્યાણમાર્ગે જેવા કદમ ઉપાડીએ તેવા જ આપણે ભય અથવા કોઈ સ્વાર્થનો ભોગ બનીએ છીએ. આપણે આપણું લક્ષ્ય ચૂકી ભટકી જઈએ છીએ. આ વાત એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ.

એક રાજા હતો. શિકાર કરી પ્રાણીઓને મારી ખાતો. એક દિવસ તે નગરવિહાર કરી પ્રજાના સુખ-દુઃખ જાણવા નીકળ્યો હતો. રસ્તામાં તેને ગાંડો હાથી મળ્યો. તેનાથી બચવા તે દોડીને વૃક્ષ પર આશરો લે છે. વૃક્ષની ડાળી તેના હાથમાંથી છૂટી જતા તે ઊંધા માથે લટકી પડે છે. તેના પગ વૃક્ષની ડાળીમાં ભરાય જવાથી તે નીચે પડતા બચી જાય છે. તેની નજર નીચેની તરફ જાય છે. ઊંડો કૂવો, ઝેરી જળસાપ અને મગરનું બચ્ચું નજરે ચડે છે. તેને બીજા બે-ચાર મગર કૂદાકૂદ કરતા દેખાય છે. તે કાંપવા લાગે છે. ઉપર નજર કરતા તેને જે વડવાઈ સાથે તેના પગ વીંટળાયેલા હતા તે વડવાઈ બે સફેદ અને કાળા ઉંદરો કાપી રહ્યા હતા-તે દેખાય છે. હવે તેનું મૃત્યુ નક્કી હતું તેથી તેને વૈરાગ્ય જાગ્યો. તે ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યો. ‘હે ઇશ્વર, જો તું મને કોઈ પણ રીતે ઉગારી લઈશ તો હું કોઈને દુઃખ પહોંચે તેવું એક પણ કામ કરીશ નહિ. પ્રાણીઓનો શિકાર કરવાનું છોડી દઈશ. ઉંદરોએ વડવાઈ કાપી નાખી. રાજા કૂવામાં પટકાયો. ઝેરી જળસાપ અને મગર તેને બટકા ભરવા લાગ્યા. રાજા અકાળે મૃત્યુ પામ્યો, પણ તે જ્યાં સુધી વડવાઈ સાથે વળગેલો હતો ત્યાં સુધી તેના મુખમાં મધના ટીપાં પડતા હતા. તેથી તેને માયા ઉત્પન્ન થઈ હતી. જેવો તેનો માતાના ગર્ભમાં પ્રવેશ થયો. માનવ અવતાર મળ્યો એવો તે ફરી માયામાં ફસાવા લાગ્યો. વિસ્મૃતિ થવાથી માનવ દેહ મળવા છતાં રાજારૂપી જીવ કોઈનું કલ્યાણ કરી શકતો નથી. નસીબબળથી તે કોઈ સારું કાર્ય કરે તો પણ તે અહમના અગ્નિમાં હોમાય જાય છે. હું અને તમે પણ રાજાની જેમ ભોગ બની આપણી જિંદગી ગુમાવી રહ્યા છીએ. ત્યારે મારી આપ સૌને અપીલ છે. કોઈનું આપણાથી સારું ન થાય તો વાંધો નથી પણ કોઈને આપણાથી દુઃખ ન પહોંચે તેની કાળજી રાખીએ.

‘બહુજન હિતાય, બહુજન સુખાય’

Previous articleમંદબુધ્ધીના બાળકોની સાથે રહીને જન્મદિન ઉજવતા ગઢડા ડે. મામલતદાર
Next articleપાણી પ્રશ્ને મંત્રી બાવળીયાને રજુઆત