ગામ ફરતે પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતાં ત્યારે જ ગામના યુવાનને ઝેરી જંતુએ દંશ માર્યો

747

ભાવનગર તાલુકાનાં મીઠાપર ગામે ગત રાત્રે પડેલ ભારે વરસાદને કારણે ગામ ફરતાં ૫ ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા હતાં. અને ગામથી વેળાવદર-અધેળાઈ સુધીનાં મુખ્યમાર્ગ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું.દરમ્યાન મીઠાપર ગામે રહેતાં ૪૦ વર્ષીય સવજીભાઈ કરશનભાઇ મીઠાપરાને રાત્રે ૯ વાગ્યાની આસપાસ કોઈ ઝેરી જંતુએ જમણા પગમાં દંશ માર્યો.થોડી જ વારમાં ઝેરી જંતુ ના દંશની અસર સવજીભાઈ ના શરીર પર વર્તાવા લાગી. સવજીભાઈનું મોં સુકાવા લાગ્યું અને સમગ્ર શરીર તેમજ માથામાં અસહ્ય દુઃખાવો થવા લાગ્યો.આથી સવજીભાઈએ પરિવારજનો ને જાણ કરતાં પરિવારજનો સવજીભાઈ ને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવા નીકળ્યાં.પરંતુ ભારે વરસાદના કારણે  માર્ગમાં પાણી ભરાયાં હતા આથી મુખ્ય માર્ગ સુધી પહોંચવું અશક્ય હતું. આવી વિટંબણાં ભરી સ્થિતિમાં સવજીભાઈના પરિવારજનોએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નો સંપર્ક કર્યો અને સમગ્ર વિગતની કંટ્રોલ રૂમને જાણ કરી.

ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા જિલ્લા કલેક્ટરહર્ષદ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો અને સમગ્ર ઘટનાથી કલેક્ટરશ્રીને વાકેફ કરવામાં આવ્યા. ઘટનાની ગંભીરતા જોતા કલેક્ટર  દ્વારા નિવાસી અધિક કલેક્ટરને સમગ્ર ઘટના અંગે જાણ કરી અને યોગ્ય કાર્યવાહી કરવા જરૂરી સૂચનો આપી તાત્કાલિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.તાવીયાડ, ટી.એચ. ઓ.ભાવનગર,૩ મેડિકલ ઓફિસર,૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ અન્ય એક એમ્બ્યુલન્સ સાથે જરૂરી દવાઓ તેમજ ઇન્જેક્શનો લઇ એક ટીમને સ્થળ પર રવાના કરી.અને આ ટીમનું સમગ્ર સંચાલન કલેક્ટરશ્રીએ પોતાનો અંગત રસ દાખવી હાથ પર લીધું.

સ્થળ પર પહોંચેલી મેડિકલ ટીમ અને સવજીભાઈ વચ્ચે ખૂબ વરસાદી પાણી ભરાયેલ હોવાના કારણે એનડીઆરએફને જાણ કરવામાં આવી.અને થોડી જ વારમાં ૧૦ માણસો સાથેની એનડીઆરએફની ટીમ સ્થળ પર આવી પહોંચી. પાણીનો ભરાવો એટલો હતો કે એનડીઆરએફની બોટ પણ ત્યાં મદદે જઈ શકે એમ નોહતી આથી અલંગ ના  રમઝાનભાઈ વસાયાની ડીઝલ મોટર બોટની મદદ લેવાઈ અને આ બોટ મારફતે સવજીભાઈ ને વેળાવદર-અધેળાઈ રોડ પર સુરક્ષિત સ્થળે લઈ આવવામાં આવ્યા.અને મેડિકલ ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી દવાઓ અને ઇન્જેક્શન આપી સવજીભાઈ ને પ્રાથમિક સારવાર આપવામાં આવી.તપાસ અને સારવાર પૂર્ણ જણાતાં સવજીભાઈ ને વધુ સારવાર અર્થે ભાવનગર ની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.

Previous articleસોનગઢ ગુરૂકુળ હાઈસ્કુલમાં વિશ્વસિંહ દિવસની ઉજવણી
Next articleભાવનગરમાં શાસ્ત્રીય વાદ્ય સંગીત ઉત્સવનું આયોજન