વિન્ડીઝને ઘર આંગણે ધૂળ ચટાડી :  ટીમ ઈન્ડિયાએ ૨-૦થી વન-ડે શ્રેણી જીતી

406

ભારતે પોર્ટ ઓફ સ્પેન ખાતેની ત્રીજી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૬ વિકેટે હરાવીને ૨-૦થી સીરિઝ પોતાના નામે કરી હતી. ભારત વિન્ડીઝ વિરુદ્ધ સતત ૯મી સીરિઝ જીત્યું હતું. વરસાદના લીધે ૩૫ ઓવરમાં ૨૫૫ રનચેઝ કરતા ભારતે ૧૫ બોલ બાકી રાખીને ૬ વિકેટે મેચ જીતી હતી. વિરાટ કોહલીએ કેપ્ટન ઇનિંગ્સ રમતા કરિયરની ૪૩મી સદી ફટકારી હતી. તેણે ૯૯ બોલમાં ૧૪ ચોક્કાની મદદથી ૧૧૪* રન કર્યા હતા. તેનો સાથે આપતા શ્રેયસ ઐયર ૪૧ બોલમાં ૫ છગ્ગા અને ૩ ચોક્કાની મદદથી ૬૫ કરીને સતત બીજી મેચમાં ફિફટી મારી હતી. બંનેએ ચોથી વિકેટ માટે ૧૨૦ રનની ભાગીદારી કરી હતી.

વેસ્ટ ઈન્ડિઝે સીરિઝની અંતિમ વનડેમાં ભારતેને ૩૫ ઓવરમાં ૨૫૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વરસાદના લીધે વિલંબ પછી મેચ ૩૫ ઓવરની કરવામાં આવી હતી. વિન્ડીઝે ૩૫ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૨૪૦ રન કર્યા હતા. તેમના માટે પોતાની છેલ્લી વનડે રમી રહેલા ક્રિસ ગેલે સર્વાધિક ૭૨ રન કર્યા હતા. ભારત માટે ખલીલ અહેમદે ૩ વિકેટ, મોહમ્મદ શમીએ ૨, જયારે યૂઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાએ ૧-૧ વિકેટ લીધી હતી.

વિન્ડીઝે ઝંઝાવાતી શરૂઆત કરી હતી. યાજમાન ટીમે પ્રથમ વિકેટ માટે ૧૦.૫ ઓવરમાં ૧૧૫ રન કર્યા હતા. ક્રિસ ગેલ પોતાની સંભવત છેલ્લી વનડે ઇનિંગ્સ રમી ચૂક્યો છે. તેણે પોતાના આક્રમક અંદાજ પ્રમાણે બેટિંગ કરતા ૪૧ બોલમાં ૮ ચોક્કા અને ૫ છગ્ગાની મદદથી ૭૨ રન કર્યા હતા. તે પોતાની ૫૪મી ફિફટી ફટકારી અહેમદની બોલિંગમાં મીડ-ઓફ પર કોહલીના હાથે કેચ આઉટ થયો હતો.એવીન લુઈસ યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં લોન્ગ-ઓન પર શિખર ધવનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૨૯ બોલમાં ૫ ચોક્કા અને ૩ છગ્ગાની મદદથી ૪૩ રન કર્યા હતા. વિન્ડીઝના ઓપનર્સે ૩૫ ઇનિંગ્સ પછી ઘરઆંગણે ૧૦૦ રનની ભાગીદારી કરી હતી.

Previous articleફેડરરની સૌથી મોટી હાર…એન્ડ્રી રૂબલેવે ૬-૩, ૬-૪થી હરાવ્યો
Next articleપીકેએલ ૨૦૧૯ઃ દીપકની સુપર-૧૦, જયપુરે પુણેને ૩૩-૨૫થી આપી માત