ભારત-વિન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટને લઇને ભારે ઉત્સાહ

494

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આવતીકાલથી રોમાંચક શરૂઆત થઇ રહી છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે. જેને લઇને ભારે રોમાંચની સ્થિતી છે. ભારતે વેસ્ટ ઇન્ડિઝમાં છેલ્લી કેટલીક શ્રેણીમાં જોરદાર દેખાવ કર્યો છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ આ વખતે પણ પ્રમાણમાં નબળી દેખાતી વેસ્ટ ઇન્ડિઝ સામે જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે.  ટીમ ઇન્ડિયા વર્ષ ૨૦૦૬ બાદથી વિન્ડિઝમાં સતત ત્રણ વખત ટેસ્ટ શ્રેણી જીતી ચુકી છે. સતત ત્રણે ટેસ્ટ શ્રેણી જીતી ગયા બાદ કેરિયબિન ભૂમિ પર સતત ચોથી શ્રેણી જીતવા માટે ભારતીય ટીમ સજ્જ છે. હાલમાં જ  વનડે શ્રેણીમાં બે સદી ફટકારીને ફોર્મની સાબિતી આપી ચુકેલા વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણીમાં એક સદી ફટકારશે તો દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી સ્મિથના સદીના રેકોર્ડને તોડી નાંખશે. હજુ સુધી સ્મિથ અને વિરાટ કોહલીની ૨૫-૨૫ સદી છે. જો વિરાટ કોહલી શ્રેણીમાં બે સદી ફટકારશે તો વેસ્ટઇન્ડિઝના પૂર્વ મહાન ખેલાડી ગેરી સોબર્સના રેકોર્ડને તોડી દેશે. સોબર્સે ટેસ્ટ ક્રિકેટમાં ૨૬ સદી ફટકારી છે. આ ઉપરાંત વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી ૬૬૧૩ રન કર્યા છે. આવી સ્થિતિમાં તેની પાસે આ શ્રેણીમાં ૭૦૦૦ રન પુરા કરવાની પણ તક રહેલી છે. ભારતીય ટીમે છેલ્લે ૨૦૧૬માં વેસ્ટઇન્ડિઝના મેદાન ઉપર ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી હતી. ૨૦૦૨ સુધી વેસ્ટઇન્ડિઝે પોતાના ઘરમાં જોરદાર દેખાવ જારી રાખીને ભારતીય ટીમને ક્યારે પણ ટેસ્ટ શ્રેણી જીતવાની તક આપી ન હતી પરંતુ ૨૦૦૨ બાદ ઘરઆંગણે વેસ્ટઇન્ડિઝની ટીમ પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. આ વખતે વેસ્ટઇન્ડિઝની ટીમ પાસે કોઇ સારા દેખાવની અપેક્ષા રખવામાં આવી રહી છે. કારણ કે, મોટાભાગની ટીમ બિનઅનુભવી દેખાઈ રહી છે. બીજી બાજુ ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં હોટફેવરિટ તરીકે મેદાનમાં ઉતરવા માટે ઇચ્છુક દેખાઈ રહી છે. બંને વચ્ચે ૧૯૫૨-૫૩માં ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી લઇને હજુ સુધી બંને દેશો વચ્ચે અનેક ટેસ્ટ શ્રેણીનું આયોજન વિન્ડિઝ કરવામાં આવ્યું છે. ૧૧ ટેસ્ટ શ્રેણીનું આયોજન કેરેબિયન મેદાનમાં કરવામાં આવ્યું છે જે પૈકી ભારતે છેલ્લી ત્રણ ટેસ્ટ શ્રેણી જીતી છે. ૨૦૦૬માં ૧-૦થી, ૨૦૧૧માં ૧-૦ અને ૨૦૧૬માં ૨-૦થી ભારતે ટેસ્ટ શ્રેણી જીતી હતી. અંતિમ ઇલેવનની પસંદગી કરવામાં આવી નથી. જો કે મેદાનની સ્થિતીને નિહાળ્યા બાદ અંતિમ ઇલેવનની પસંદગી કરવામાં આવનાર છે.એશિયન ટેસ્ટ ચેમ્પિયનશીપને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Previous articleસાક્ષી પ્રધાન બોલ્ડ-સેક્સી ફોટાના લીધે ભારે ચર્ચામાં
Next articleન્યૂ ઝીલૅન્ડની લેસ્બિયન ક્રિકેટ-કૅપ્ટનનો ઘટસ્ફોટઃ ‘હું પત્ની લીઆથી પ્રેગનન્ટ થઈ છું’