ભારત પ્રથમ ઇનિંગ્સમાં ૪૧૬માં ઓલઆઉટઃ બુમરાની હેટ્રિક, હનુમા વિહારીની સેન્ચ્યુરી

541

અહીં સબીના પાર્ક સ્ટેડિયમ ખાતે રમાતી બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ઝંઝાવાતી બોલિંગ કરીને હેટ-ટ્રિક લેતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમનાં ભૂક્કા બોલી ગયા હતા. ગઈ કાલે બીજા દિવસની રમતને અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર પહેલા દાવમાં ૭ વિકેટે ૮૭ રન હતો. બુમરાહ અત્યાર સુધીમાં ૯.૧ ઓવરમાં ૧૬ રનમાં ૬ વિકેટ લઈ ચૂક્યો છે.

ભારતનો પહેલો દાવ ૪૧૬ રનમાં પૂરો થયો હતો. જેમાં હનુમા વિહારીએ કારકિર્દીની પહેલી સેન્ચુરી રૂપે કરેલા ૧૧૧ રન અને ઈશાંત શર્માએ કારકિર્દીની પહેલી હાફ સેન્ચુરી રૂપે ફટકારેલા ૫૭ રનનો સમાવેશ થાય છે. આ બંને બેટ્‌સમેન વચ્ચે ૮મી વિકેટ માટે ૧૧૨ રનની ભાગીદારી થઈ હતી. વિહારીએ ૨૦૦ બોલનો સામનો કરીને ૧૦૦ રન પૂરા કર્યા હતા. એના દાવમાં કુલ ૧૬ ચોગ્ગાનો સમાવેશ થાય છે. સામે છેડે, ઈશાંતે ૮૦ બોલનો સામનો કર્યો હતો, જેમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા.

ભારતનો પહેલો દાવ ટી-બ્રેક પૂર્વે સમાપ્ત થયો હતો. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝનો દાવો શરૂ થતાં જ બુમરાહે હાહાકાર મચાવી દીધો હતો.

એના ત્રણ બોલમાં થયેલા ત્રણ શિકાર બેટ્‌સમેનો છે – ડેરેન બ્રાવો (૪), શામા બ્રુક્સ (૦) અને રોસ્ટન ચેઝ (૦). બ્રાવોને રાહુલે કેચઆઉટ કર્યો હતો જ્યારે બ્રુક્સ અને ચેઝને બુમરાહે લેગબીફોર આઉટ કર્યા હતા.

બુમરાહે એ પહેલાં બંને ઓપનરને પણ આઉટ કર્યા હતા. ક્રેગ બ્રેથવેટ (૧૦) અને જોન કેમ્પબેલ (૨)નો કેચ કીપર રિષભ પંતે પકડ્યો હતો. બુમરાહે દિવસની રમતના અંતે ભાગમાં કેરિબિયન કેપ્ટન જેસન હોલ્ડર (૧૮)ની પણ વિકેટ લીધી હતી. એનો કેચ સબસ્ટિટ્યૂટ રોહિત શર્માએ પકડ્યો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર જસપ્રિત બુમરાહ ભારતનો માત્ર ત્રીજો બોલર બન્યો છે. આ પહેલાં ઓફ્ફ સ્પિનર હરભજન સિંહ (ઓસ્ટ્રેલિયા સામે, ૨૦૦૧માં કોલકાતામાં) અને ડાબોડી ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ (પાકિસ્તાન સામે ૨૦૦૬માં કરાચીમાં) હેટ-ટ્રિક લઈ ચૂક્યો છે.

ભારત માટે ટેસ્ટમાં હેટ્રિકઃ

હરભજન સિંહ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, કોલકાતા ૨૦૦૧

ઈરફાન પઠાણ વિરુદ્ધ પાકિસ્તાન, કરાચી, ૨૦૦૬

જસપ્રીત બુમરાહ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, કિંગ્સ્ટન, ૨૦૧૯*

Previous articleએશિયન ગોલ્ડ મેડાલિસ્ટ તેજીંદર પાલ સિંહ તૂરે ચેક ગણરાજ્યમાં જીત્યો રજત પદક
Next articleયશસ્વિનીએ ભારતને અપાવ્યો ત્રીજો ગોલ્ડ, ઓલિમ્પિકમાં દેશની ૯મી શૂટરને સ્થાન