વર્ષ ૨૦૧૮ બાદ ભારતની ૧૪ પૈકીની છ ટેસ્ટમાં જીત

436

વિદેશી મેદાન પર ભારતનો દેખાવ હવે ટેસ્ટ ક્રિકેટના મોરચા પર સતત સુધરી રહ્યો છે. વેસ્ટઇન્ડિઝ સામે હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતે શાનદાર જીત મેળવીને ઇતિહાસ સર્જ્યો છે. વિન્ડિઝ સામે ભારતે શ્રેણી ૨-૦થી જીતી લીધી છે. આ વખતે કેરેબિયન મેદાન પર જસપ્રિત બુમરાહ છવાયેલો રહ્યો છે. બુમરાહે વર્તમાન શ્રેણીમાં જોરદાર બોલિંગ કરીને વિન્ડિઝના બેટ્‌સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા છે અને આની સાથે જ ભારતની જીત થઇ છે. જસપ્રિત બુમરાહ વિન્ડિઝના મેદાનો ઉપર છવાયેલો રહ્યો છે. ભારતીય બોલરોની વાત કરવામાં આવે તો તમામનો દેખાવ શાનદાર રહ્યો છે. પાંચમી જાન્યુઆરી ૨૦૧૮ બાદથી પેટાખંડની બહાર ભારતે વિદેશી મેદાન પર કુલ ૧૪ ટેસ્ટ મેચો રમી છે જે પૈકી છ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે અને ૭ ટેસ્ટ મેચોમાં હારનો સામનો કર્યો છે. ૫મી જાન્યુઆરી ૨૦૧૮ બાદથી પેટાખંડની બહાર છ જીતમાં ભારતીય બોલરોની વાત કરવામાં આવે તો સ્પીનરો અને ઝડપી બોલરોએ મળીને કુલ ૧૧૯ વિકેટો ઝડપી છે જ્યારે ઝડપી બોલરોની વાત કરવામાં આવે તો આ ગાળામાં ૧૦૧ વિકેટ ઝડપવામાં આવી છે. સ્પીનરો દ્વારા ૧૮ વિકેટ લેવામાં આવી છે. પેટાખંડની બહાર છ જીતમાં ટોપ વિકેટ લેનારમાં બુમરાહ પ્રથમ સ્થાન પર રહ્યો છે. બુમરાહે ૪૨ વિકેટો ઝડપી છે. જ્યારે મોહમ્મદ સામીએ ૨૫ અને ઇશાંત શર્માએ ૨૪ વિકેટો લીધી છે. બુમરાહ એક માત્ર એશિયન બોલર છે જે વેસ્ટઇન્ડિઝમાં બે, ઓસ્ટ્રેલિયામાં એક, ઇંગ્લેન્ડમાં એક, દક્ષિણ આફ્રિકામાં એક એમ પાંચ વખત પાંચ વિકેટની સિદ્ધિ મેળવી ચુક્યો છે. પેટાખંડની બહાર ભારતનીજીતમાં પાંચ વિકેટ લેનારમાં પણ તે એકમાત્ર બોલર તરીકે રહ્યો છે. અગાઉ આ સિદ્ધિ ચંદ્રશેખરે મેળવી હતી. ૧૯૭૧થી ૧૯૭૮ વચ્ચેના ગાળા દરમિયાન ચંદ્રશેખરે આ સિદ્ધિ મેળવી હતી. જાન્યુઆરી ૨૦૧૮ બાદથી તમામ ટેસ્ટ મેચોમાં ભારત તરફથી ઝડપી બોલરોમાં સૌથી વધારે વિકેટ બુમરાહે લીધી છે. તેના નામ ઉપર ૬૨ વિકેટ છે. જ્યારે મોહમ્મદ સામીના નામ ઉપર ૫૮ અને ઇશાંત શર્માના નામે બાવન વિકેટ છે. વિરાટ કોહલી પણ માને છે કે, જસપ્રિત બુમરાહ એક શક્તિશાળી બોલર તરીકે ઉભરી આવ્યો છે. આવનાર દિવસોમાં તે વધારે ઘાતક બની શકે છે. બુમરાહે જાન્યુઆરી ૨૦૧૮માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી કર્યા બાદથી ઉલ્લેખનીય દેખાવ કરી રહ્યો છે. બુમરાહની એન્ટ્રી બાદથી ભારતે ૧૪ ટેસ્ટ મેચો પૈકી છમાં જીત મેળવી છે.

Previous articleયુએસ ઓપનમાં સૌથી મોટો અપસેટ : ઓસાકા હારી ગઇ
Next articleનેટફ્લિક્સ પર હિન્દુઓને બદનામ કરવાનો આરોપ, શિવસેનાએ FIR નોંધાવી