વિભાવરીબેન દવેના હસ્તે જિલ્લાના ૧૯૦૭ આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ મોબાઈલ ફોનનું વિતરણ કરવામાં આવ્યું

749

ભાવનગર શહેરના યશવંતરાય નાટયગૃહ ખાતે રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ તથા શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સ્માર્ટ આંગણવાડી કાર્યકર’ સ્માર્ટ મોબાઈલ ફોન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.  જેમા ભાવનગર જિલ્લાના ૧૯૦૭ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ૭૬ સુપરવાઈઝરોને રૂપિયા ૧.૫૪ કરોડના ખર્ચે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે આઈસીડીએસ- સીએએસ ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ મોબાઈલ ફોન એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે આ સ્માર્ટ મોબાઈલ ફોનમાં ૧૦ જેટલા સરકારી રજીસ્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી પેપર વર્કની મહેનતમાંથી આંગણવાડી કાર્યકરોને મુક્તિ મળશે અને સમયનો બચાવ થશે.  એ બચેલો સમય કુપોષિત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ ધાત્રી માતાઓની સેવામાં કામ લાગશે અને સુપોષિત સમાજનું નિર્માણ કરવામાં મદદરૂપ થશે.વધુમાં મંત્રીએ ઉપસ્થિત સૌને ગુજરાત રાજ્યની તુલનામાં ભાવનગર જિલ્લાની પોષણ અંગેની સ્થિતિ વિશે જાણકારી આપી હતી અને સૌના સહિયારા પ્રયાસ દ્વારા જિલ્લામાંથી કુપોષણને નાબૂદ કરવા અપીલ કરી હતી.

વધુમાં મંત્રીએ આંગણવાડી કાર્યકરોને માતા યશોદા તરીકે સંબોધતા જણાવ્યું હતુ કે બાળકો ,સગર્ભા બહેનો તેમજ ધાત્રીમાતાઓને પોષણ પુરૂ પાડવાનું કામ માત્ર આંગણવાડી બહેનો જ કરી શકે છે.એક માતા પોતાના બાળકને જે વિશ્વાસ સાથે તમને સોંપે છે એ વિશ્વાસનું જતન આપ સૌએ કરવું રહ્યુ. આંગણવાડીમાં આવેલું બાળક સુપોષિત બનશે તો આગળ જતાં દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી જેવા શ્રેષ્ઠ કાર્યો કરવા સક્ષમ બનશે.

આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે ૨૧મી સદી એ ટેકનોલોજીની સદી છે. આંગણવાડી બહેનોને સ્માર્ટ મોબાઈલ ફોન વિતરણ એ સરકારનું દેશ નું બાળપણ તેમજ સ્વાસ્થ્ય લક્ષી સેવાઓ સુદઢ બનાવવા માટેનું આવકારદાયક પગલું છે.

આ પ્રસંગે આંગણવાડી બહેનો દ્વારા સ્માર્ટફોનના વિવિધ ફાયદાઓ અને પોષણ અંગેની વિવિધ યોજનાઓ રજુ કરતું રંગલા રંગલી નું રસપ્રદ નાટક રજુ કરવામાં આવ્યું હતું.  જેને ઉપસ્થિત સૌ કોઈએ મન ભરીને માણ્યુ હતું અને સૌએ પોષણ માસ તેમજ સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.

કાર્યક્રમને અંતે રાજ્યમંત્રી,  સાંસદ તેમજ ઉપસ્થિત પદાધિકારીઓ,અધિકારીઓ દ્વારા વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ન્યુ બોર્ન બેબી કીટ અર્પણ કરાઇ હતી. કાર્યક્રમની આભારવિધિ પ્રોગ્રામ ઓફિસર  સાવિત્રીબેન દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  યુવરાજસિંહ ગોહિલ, કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, મહાનગર પાલિકાના નાયબ કમિશનર એન.ડી. ગોવાણી, તેમજ જિલ્લા તથા શહેરના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઘોઘા ખાતે ડો. વિક્રમ સરાભાઈ વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શનનું યોજાયું
Next articleભાવનગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ