મોરારીબાપુ ‘મોરારીબાપુ’ છે

892

મોરારીબાપુ માટે લખવું ,વિચારવું કે કંઈક વહાવવુ તે આકાશને ગજ લઈને માપવા જેવું કાર્ય છે. સમુદ્રની અતલતા કે અનંતતાને જોવા જાણવાનો પ્રયાસ અંતને આહ્વાન કરવા જેવુ ! પુ.મોરારીબાપુના જીવનને નજીકથી પીછાણનારને ખબર જ હોય કે બાપુ આટલું કરે ,આવું ન કરે !! જે જગતની પીડા, સંવેદનાઓ સહ્ય બનાવીને હસતાં ચહેરે સૌને અમૃતનો અહેસાસ કરાવે તે જ મુઠી ઉંચેરા હોયને !!

વાત કરવી છે નાનકડા શબ્દોને તુલ આપીને વતેસર કરવાની ઘટનાની. માધ્યમોને સમય પસાર કરવાનો મોકો પણ મળ્યો. પરંતુ મોરારીબાપુ તે વિષયમાં ક્યાંય કેન્દ્રિત ન હતાં. તેનો આગોતરો અંદેશો હતો.બાપુએ જામનગરની “માનસ -ક્ષમા” વિષયના ઈદૅગીદૅ બોલતાં (જોકે આ વિષય પણ અગાઉથી નિર્ધારિત થયેલો હતો) કહ્યું ,’મારે કોઈને માફી મંગાવવી નથી. હું સંવાદનો માણસ છું. તપસ્વીઓનું ઘરેણું- રૂપ ક્ષમા હોય છે. મારા હાથમાં પોથી છે તથા પગમાં નિતાંત શરણાગતિ છે. વિવાદ નહીં પ્રેમનો સંવાદ યજ્ઞ પ્રગટાવ્યો છે. આવજો, તલગાજરડા આવો સૌનો સ્વીકાર થશે. મારો સ્વીકારધર્મ છે તે હું બખૂબી નિભાવીશ. જેણે જે કહ્યું તે તેને મુબારક, સૌને આવકાર. કોઈક બોલાવશે તો પણ મારા સિદ્ધાંતો મુજબ જઈશ ય ખરો!? આને કહેવાય મોરારીબાપુ.બસ..બસ..પુરતુ..!

પૂ. મોરારીબાપુના વ્યક્તિત્વને દુષ્યંત કુમાર ના શબ્દોમાં આ રીતે નિરુપિત કરતાં કહી શકાય.

“મૈ તુજે ભૂલને કી કોશીશ મેં,

આજ કિતને કરીબ પાતા હું ,

કૌન યે ફાંસલા નિભાયેગા,

મેં ફરિશ્તા હું સચ નિભાતા હું…

જે જગતને પોતીકું ગણતો હોય એને કોઈ ભૂલી શકે ખરો ??! કોઈની વચ્ચે જરાય અંતર નહીં,માત્ર સત્યનો જ પ્રભાવ.મહાપુરુષો અણસાર આપે પરંતુ તેને ઝીલવાનું ઓદાયૅ શ્રોતાઓમાં હોવું ઘટે. ધર્મ અને સંપ્રદાયનો તુલનાત્મક અભ્યાસ જરુર થઈ ગયો. વિવાદ નહીં સૌને ધાર્મિક વ્યાસંગની આવશ્યકતા સતત પડધાવી જોઇએ.

બાપુ કોઈ વિષય પર ક્યારેય માધ્યમો સાથે ફક્ત એકજ દ્રષ્ટિકોણથી નિવેદન કરવાનું યોગ્ય ગણતા નથી.પરંતુ કથાના સંદર્ભને ધ્યાનમાં રાખીને વાત જરૂર કરે .બાપુએ કહ્યું કે ’તલગાજરડા સૌને હેતાળવા હાથે આવકારે છે. કોઈથી પરહેજ નહીં સૌનો સ્વીકાર .ત્યાં બાપુ એ બધાને પધારવા નિમંત્રિત કર્યા પરંતુ એ સત્ય તરફ પણ અંગુલી નિર્દેશ કર્યો કે સનાતનની પરંપરા માટે અવિવેક ત્યાં જ શરણાગતિમાં પરિવર્તિત થવો જોઈએ.

પુ.બાપુની કથા કે પ્રસંગોમાં તેમના સમગ્રતયા વ્યક્તિત્વને નીરખવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. તેઓએ મહુવાના હસનભાઈ રિક્ષાવાળા, તળાજા ના એક ગામડાંના દેવીપુજક શાંતિભાઈને પણ સ્વીકાર્યા છે તો તેઓ કોઈ માટે કેવી રીતે કટુ હોઈ શકે ? હા, જરૂર એટલી જ કે તેમને નીરખવાની સૌષ્ઠવયુક્ત આંખની બાદબાકી થયેલ ન હોય. એશ્વર્ય એ જ પોતાની ઓળખ સાબિત કરનાર કે પછી અદનો આદમી બાપુની પંગતમાં સાથે જ ઉભેલાં દેખાય છે.

જેઓ બાપુની પ્રતિભા, પાંડિત્ય તથા પોતને ઓળખી શક્યા નથી તે નિવેદનબાજીની અવિવેકી બાલિશતા દર્શાવે તેમાં તેઓની ગરિમા ઝંખવાય છે. જે માઈનસ થાય છે તે ત્યાંજ થાય,આ પક્ષે જરા સરખું ય નહીં. હવે કલ્પના કરો કે તેમના માટે પણ કરુણતા પ્રગટ કરવાની ચેષ્ટાનો અર્થ થાય છે કે બાપુ જીસસની એ વૈચારીક કક્ષાની લગોલગ છે કે જેણે કહ્યું હતું કે’ તે શું કરે છે તેની તેને ખબર નથી’. બાપુએ તેમને સ્વિકારી લઈને કેટલી ઊંચાઇ હાંસલ કરી.આપ આગળ પણ કહો છો” સર્વત્ર સુખિનઃ સંતુ ,સર્વે સંતુ નિરામયા” આ સૌની કલ્યાણ ભાવના દર્શાવે છે .આપણાં ગુજરાતી ચિંતક આ.ગુણવંતભાઈ શાહ પણ બાપુની આ ગરીમા માટે કહે છે કે પૂ. મોરારીબાપુનો જામીન થવા હું તૈયાર છું. ત્યાં તેમની છબીનો ઉઘાડ થાય છે.

એટલું જ કહેવાય બાપુનો ધર્મ છે .”સ્વીકારધર્મ, પરમાથૅધર્મ, સંવાદધર્મ, સત્યધર્મ, કરુણાધર્મ, અહેતુક પ્રેમધર્મ, આતિથ્યધર્મ ,સમાનતાધર્મ, ક્ષમાધર્મ અરે ..,એમ જ કહો ને આ બધાનો સરવાળો એટલે “મોરારીધર્મ ”

-છેલ્લે-

મારી આટલી વાત છે નિજાનંદીકર્મ ! લવ યુ બાપુ !

Previous articleબાબરામાં સરકારી તંત્ર દ્વારા નવા નીરના વિધામણા કાર્યક્રમ યોજાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે