જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર દ્વારા શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ, પૂર્ણ વેતન આદેશ વિતરણ કાર્યક્રમ યોજાયો

1521

જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જિલ્લા પંચાયત સભાગૃહ ખાતે જિલ્લાના શિક્ષકોનો ઉચ્ચતર પગાર ધોરણ અને પૂર્ણ વેતન આદેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય આર.સી. મકવાણાએ સૂચન કરતા જણાવ્યું હતું કે જિલ્લાની જેમ જ દરેક તાલુકા કક્ષાએ પણ શિક્ષણ અંગેની રિવ્યુ બેઠક યોજાવી જોઈએ. જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરુણ કુમાર બરનવાલ  દ્વારા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરીની પણ આ તકે અધ્યક્ષ એ પ્રસંશા કરી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વરુણ કુમાર બરનવાલે જણાવ્યું હતુ કે વહીવટી રીતે ખૂબ જ જટિલ એવી આ ઉચ્ચતર પગાર ધોરણની પ્રક્રિયા પૂર્ણ કરવા ખુબજ ટૂંકાગાળામાં ઝુંબેશના ભાગરૂપે કામગીરી હાથ ધરી નિર્વિવાદિત પૂર્ણ કરવામાં આવી છે. આનાથી જિલ્લાના કુલ ૪,૧૦૯ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળતો થશે. વધુમાં વરુણ કુમાર બરનવાલે જણાવ્યું હતુ કે આગામી સમયમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધુ અસરકારક બને તે હેતુથી શિક્ષણ અંગેના નવતર પ્રયોગોનો મહુવા તાલુકાથી પ્રારંભ કરવામાં આવશે અને તબક્કાવાર સમગ્ર ભાવનગર જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવશે. શાળામાં ૧૦૦% હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે માસિક સ્કોલરશીપ તેમજ દરેક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને એક ડેટા એન્ટ્રી ઓપરેટર ફાળવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ઉમેર્યુ હતું.

આ કાર્યક્રમમાં  ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપસ્થિત રહ્યાં હતા અને મહાનુભાવોના હસ્તે શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ ના ૪,૧૦૯ તેમજ પૂર્ણ વેતનના ૪૮ હુકમો અર્પણ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણમંત્રી વિરલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.મીતાબેન દુધરેજીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ મધુકરભાઈ ઓઝા, , બાંધકામ સમિતિના ચેરમેન ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મંત્રી ગજેન્દ્ર વાળા, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખઓ, મંત્રીઓ તેમજ તાલુકા તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓ  ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleરૂ. ૧૦/-ના સિક્કા અને રૂ.૫/-ની નોટનો અસ્વીકાર કરનાર વેપારીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે : કલેક્ટર ગૌરાંગ મકવાણા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે