રોહિત ટેસ્ટમાં ઑપનર તરીકે બંન્ને ઇનિંગમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન બન્યો

426

રોહિત શર્માએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ વિશાખાપટ્ટનમ ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં પણ સદી ફટકારી દીધી. પ્રથમ ઈનિંગમાં ૧૭૬ રન બનાવનારા રોહિતે બીજી ઈનિંગ્સમાં ૧૨૭ રન ફટકાર્યા. તેણે ૧૪૯ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૭ છગ્ગા સાથે પોતાના કરિયરની પાંચમી અને આ ટેસ્ટમાં બીજી સદી ફટકારી. રસપ્રદ વાત એ રહી કે, બંને ઈનિંગમાં રોહિત સ્ટમ્પ આઉટ થયો અને બંને વાર કેશવ મહારાજે જ તેની વિકેટ ઝડપી. જોકે, આઉટ થતા પહેલા રોહિતે પોતાનું કામ પૂરું કરી દીધું હતું. તેને આ મેચમાં પ્રથમ વાર ટેસ્ટમાં ઓપનર તરીકે ઉતારવામાં આવ્યો હતો. રોહિત ટેસ્ટમાં ઓપનર તરીકેની પોતાની પ્રથમ ટેસ્ટની બંને ઈનિંગમાં સેન્ચુરી ફટકારનારો પ્રથમ બેટ્‌સમેન બની ગયો છે. ૧૪૨ વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ બેટ્‌સમેન આ કારનામું કરી શક્યો નથી. એક ટેસ્ટની બંને ઈનિંગમાં સેન્ચુરી ફટકારનારો રોહિત છઠ્ઠો ભારતીય છે. તેના પહેલા વિજય હઝારે, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. કોહલી, રોહિત, રહાણે અને હજારે ૧-૧ વખત જ્યારે દ્રવિડ ૨ અને ગાવસ્કર ત્રણ વખત આ સિદ્ધિ નોંધાવી ચૂક્યા છે.

રોહિત એક ટેસ્ટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બેટ્‌સમેન બન્યો છે. તેણે નવજોતસિંહ સિદ્ધુનો રેકોર્ડ તોડ્યો છે. સિદ્ધુએ ૧૯૯૪માં શ્રીલંકા વિરુદ્ધ લખનઉમાં ૮ સિક્સ મારી હતી. રોહિતે આ મેચમાં ૧૩ સિક્સ મારી છે. તે વનડે અને ટી-૨૦માં પણ સૌથી વધુ સિક્સ મારનાર ભારતીય છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ૨૦૧૩માં બેંગ્લોર ખાતે ૧૬ સિક્સ મારી હતી. ૨૦૧૭માં શ્રીલંકા સામેની ટી-૨૦માં ૧૦ સિક્સ મારી હતી. આમ ત્રણેય ફોર્મેટમાં ભારત વતી એક મેચમાં સૌથી વધુ સિક્સનો રેકોર્ડ તેના નામે છે.

Previous articleરિતિક-ટાઇગરની વોરની બોક્સ ઓફિસ ઉપર ધુમ
Next articleઅવિનાશ ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય, ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં ૧૩માં સ્થાને રહ્યો