મહુવાની વૃધ્ધા સાથે મિલ્કત મામલે થયેલી ચીટીંગમાં હસ્તાક્ષર મેળવવા પોલીસને રજૂઆત

727

મહુવા ખાતે ફાતીમાં સોસાયટી નવા બસ સ્ટેશન પાસે રહેતા હાજરાબેન ઈસ્માઈલભાઈ ઘાંચી (ઉ.વ.૮૯)ની મિલ્કતની પાવર ઓફ એટર્ની બનાવ ખોટી સહી કરી પચાવી પાડવાની થઈ રહેલી પેરવી બાબતે કરાયેલા કેસમાં વૃધ્ધાએ હસ્તાક્ષર મેળવવા મહુવા પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી અને રેન્જ આઈ.જી. તેમજ જિલ્લા પોલીસ વડાને પણ આ અંગેની રજૂઆત કરી હતી.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હાજરાબેન ઈસ્માઈલભાઈ ઘાંચી (ઉ.વ.૮૯)એ મહુવા પોલીસ સ્ટેશનમાં પ્રવિણભાઈ કાનજીભાઈ વાઘેલા, બાલકિશન પ્રતાપરાઈ પારેખ, ગુણવંતરાય પ્રતાપરાય પારેખ, ગુજરજનાર કિશનભાઈ પ્રેમજીભાઈ દોશીના વારસદારો તુષારભાઈ કિશનભાઈ દોશી, હિરેન કિશનભાઈ દોશી, કેતનભાઈ કિશનભાઈ દોશી, મિતેશભાઈ કિશનભાઈ દોશી, સરલાબેન કિશનભાઈ દોશી, ગુજરનાર મુળજીભાઈ ગોકુલદાસ મહેતા અને ભરતભાઈ મુળજીભાઈ મહેતાના વારસદારો સામે મિલ્કત પચાવી પાડવા સંદર્ભની ફરિયાદ દાખલ કરેલ છે. આ સંદર્ભે યુનુસભાઈ ઈસ્માઈલભાઈ પાયકનો તા. ૧૭-૩-ર૦૧૯ના રોજ પોલીસે જવાબ લીધેલ જે જવાબમાં સ્પષ્ટ પણે જણાવેલ છે કે મારા માતૃશ્રી હાજરાબેન ઈસ્માઈલભાઈ પાયકેે મને કોઈ પાવર ઓફ એટર્ની કરી આપેલ નથી કે તેવા કોઈ પાવર ઓફ એટર્નીના આધારે ભાદ્રોળ ગામની સર્વે નં. ૧પ૯ પૈકીની જમીનમાં પાડવામાં આવેલ બીનખેતીના પ્લોટ નં. ૧ થી પ૧ નંબરનું વેચાણ ઉપરોકત શખ્સોને વેચાણ દસ્તાવેજ કરેલ હોવાની વાત શખ્સો દ્વારા ઉબજાવી કાઢેલ છે અને આવો કોઈ પાવર ઓફ એટર્ની સ્ટેમ્પ વેન્ડર બટુકભાઈ જાદવજી મહેતાએ કરી આપેલ નથી તેવું તેમના ભાઈ પ્રદિપભાઈ જાદવજીભાઈ મહેતાએ તા. ર૯-૩-ર૦૧૯ના આપેલ પોલીસ જવાબમાં સ્પષ્ટ પણે જણાવેલ છે. મહુવામાં મામલતદાર ઓફીસ કાર્યરત હતી ત્યારે કોઈપણ પાવર ઓફ એટર્ની ૧૯૮૧ની સાલમાં બનાવવામાં આવે ત્યારે તેમની રૂબરૂમાં પાવર ઓફ એટર્ની થાય આ કહેવાતા પાવર ઓફ એટર્નીમાં કયાંય પણ મેજીસ્ટ્રેટ સમક્ષ થઈ હોવાનું ફલિત થતું નથી.

યુનુસભાઈ ઈસ્માઈલભાઈ પાયકે પોલીસ મથકમાં ૧૭-૩-ર૦૧૯ના જવાબ સમયે પોલીસ સમક્ષ હસ્તાક્ષર મેળવવા માટે હેન્ડરાઈટીંગ એકસપર્ટને મોકલવા માટે જણાવેલ હોવા છતાં પોલીસ દ્વારા તે હજુ સુધી કરેલ નથી ત્યાર બાદ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજુઆત કરતાં ગત તા. ૩-૧૦-ર૦૧૯ના રોજ પોલીસ દ્વારા એકસપર્ટ પાસે હસ્તાક્ષર મેળવવાની માંગણી ગ્રાહ્ય રાખી છે પરંતુ આજ સુધી હજુ તેઓને બોલાવાયા નથી ત્યારે ૮૯ વર્ષના વૃધ્ધા અશક્ત હોવા છતા પોલીસ મથકે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે  સત્વરે તેઓને મિલ્કત બાબતે ન્યાય મળે તેવી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજુઆત કરવામાં આવી છે. આ બનાવ અંગે વૃધ્ધાના પુત્રએ જણાવેલ કે મિલ્કત પચાવી પાડવાની પહેરવી કરનાર અને ખોટી પાવર ઓફ અટર્ની બનાવનાર સુખીસંપન્ન અને પહોંચતા હોવાના કારણે તેઓને જલ્દી ન્યાય મળતો નથી તેવા આક્ષેપ કર્યા હતાં.

Previous articleરાણપુરના દેવળીયા ગામે ભાદર નદીમાં ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થતા બે વ્યકતીનો આબાદ બચાવ
Next articleબરવાળા ઉતાવળી નદીમાંથી યુવાનની લાશ મળતા ચકચાર