તમામ પ્રાથમિક શાળાઓમાં વર્ચ્યુઅલ કલાસરૂમ શરૂ કરાશે : CM રૂપાણી

1590
guj742018-10.jpg

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આદીજાતિ જિલ્લા પંચમહાલના ગોવિંદી ગામની પ્રાથમિક શાળાથી રાજ્યવ્યાપી ગુણોત્સવનો પ્રારંભ કરાવતાં આગામી પાંચ વર્ષમાં રાજ્યની બધી જ પ્રાથમિક શાળાઓમાં વર્ચ્યુઅલ કલાસરૂમ શરૂ કરવાની નેમ વ્યકત કરી છે.
આ સંદર્ભમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે હવેના યુગમાં પરંપરાગત અને બીબાઢાળ શિક્ષણ પ્રણાલિના સ્થાને સમયાનુકુલ પરિવર્તન મુજબ બાળકોને વર્ચ્યુઅલ સ્માર્ટ કલાસ દ્વારા બ્લેક બોર્ડના સ્થાને પ્રોજેકશન અને પાટી-પેનના સ્થાને પામ ટોપ આધારિત શિક્ષણ દ્વારા આનંદમય શિક્ષણ આપવું એ સમયની માંગ છે. જ્ઞાનકૂંજ પ્રોજેકટ અન્વયે ગત વર્ષે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ૪ હજાર વર્ગખંડો સ્માર્ટ કલાસ બન્યા છે. આ વર્ષે વધુ ૪ હજાર વર્ગખંડો સ્માર્ટ કલાસ બનાવવાના છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ ગુણોત્સવ અભિયાન અંતર્ગત ગોવિંદી પ્રાથમિક શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓની ગણન, લેખન અને વાંચન સજ્જતા ચકાસી હતી. તેમણે ઓએમઆર કસોટીના આધારે બીજા ધોરણથી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવિણતાની ઉંડાણપૂર્વક ચકાસણી કરી હતી. 
શાળાની ભૌતિક સુવિધાઓ અને શાળા પર્યાવરણનું નિરીક્ષણ કર્યું હતું અને શાળા પ્રબંધન સમિતિના સદસ્યો સાથે શિક્ષણની ગુણવત્તા વિશે ચર્ચા કરી હતી હતો.
સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને, છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સુવિધા મળે અને એ રીતે સો ટકા સાક્ષરતા સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે, એમ તેમણે જણાવ્યું હતું.

Previous articleસરકારના કાયદા કરતાં પણ ઉંચી ફી જાહેર કરાઈ : ૫૩ શાળાઓની પ્રોવીઝનલ ફી જાહેર થઇ : વાલીમાં રોષ
Next articleલગ્નમાં ચકલી પ્રેમ : પાલનપુરના પરિવારે બનાવડાવી અનોખી કંકોત્રી