તળાજા મહુવા હાઈવે પર કાર અને એસ.ટી બસ વચ્ચેની ટક્કરમાં દંપતિનું મોત : ત્રણ ઇજાગ્રસ્ત

338

ભાવનગર જિલ્લાના તળાજા મહુવા હાઈવે પર પાસ્વી ગામના વળાંક પર એસ.ટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મહુવામાં રહેતા દંપતીના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર તેમના બાળકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ભાવનગર ખસેડાયા હતા. તો સામાપક્ષે બસમાં સવાર એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.મહુવામાં મોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલાં મૂળ મહુવા સ્થાયી થયેલાં બિરાજસિંહ હરિચંદ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૯) તેમના પત્ની જાગૃતિબા (ઉ.વ.૩૫) તથા તેમના બે બાળકો કાવ્યરાજસિંહ (ઉ.વ.૧૧) તથા કીર્તિબા (ઉં.વ.૯) સાથે આજે બપોરના સુમારે ભાવનગર નજીકના બાડી પડવા સ્થિત સાસરેથી પોતાની સ્વિફટ ડિઝાયર કાર નંબર જીજે.૦૬ જેએમ ૮૧૮૨ મહુવા ઘર તરફ જઈ રહ્યાં હતા. ત્યારે, બપોરના સુમારે તળાજા-મહુવા હાઈવે પ૨ પાસ્વી ગામના વળાંક નજીક મહુવા- ભાવનગર રૂટની એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૬૫૨૪ સાથે અસ્માત સર્જાયો હતો.
આ અસ્માત એટલો ગમખ્વાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. જયારે, અકસ્માતના પગલે બસનો કાચ ફુટી જવા સહિતનું નુકસાન થયું હતું. જયારે બસ સાથે ધડાકાભેર અથડાયેલી સ્વિફ્ટ કારની રીતસર કચ્ચરઘાણ નિકળી ગયો હતો. જેમાં કારમાં સવાર પતિ-પત્ની બન્નેના મોત નિપજ્યા હતા. જયારે બન્ને બાળકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર ખસેડાયા હતા. એસ.ટી.બસમાં મુસાફરી કરતા બાલાભાઈ બાંભણીયા ઉ.વ.૬૦ ને સામાન્ય ઈજાઓ થતા તેને તળાજાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બનાવના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને હોસ્પિટલ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના લોકો દોડી આવ્યા હતા. તથા બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.