ઘોઘામાં મોડી રાત્રે ધોધમાર અઢી ઇંચ વરસાદ

604

ભાવનગર શહેરમાં સતત બીજી રાત્રીએ સવા ઇંચ, ગારિયાધારમાં દોઢ અને મહુવામાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો : અત્યાર સુધીમાં સીઝનનો સૌથી વધુ ગારિયાધારમાં ૩૮.૯૦ ટકા વરસાદ નોંધાયો
ભાવનગર શહેર અને જિલ્લાના અનેક તાલુકાઓમાં ગઇકાલે સતત બીજા દિવસે હળવો ભારે વરસાદ નોંધાયો હતો. ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં ગત મોડી રાત્રિના ગાજવીજ સાથે ધોધમાર અઢી ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ભાવનગર શહેરમાં સતત બીજી રાત્રિના વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે મોડી રાત્રિના સવા ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના મહુવા, ગારિયાધાર, સિહોર સહિત તાલુકાઓમાં અડધાથી પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરમાં ગઇકાલે પણ દિવસ દરમિયાન અસહ્ય બફારો અને ઉકળાટ બાદ મોડી રાત્રિના ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને શહેરમાં રાત્રિના અઢી વાગ્યા બાદ જોરદાર વરસાદ ખાબક્યો હતો અને જોત જોતામાં સવા ઇંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત ઘોઘા પંથકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગારિયાધાર પંથકમાં દોઢ ઇંચ અને મહુવા પંથકમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વલ્લભીપુર, ઉમરાળા, જેસર અને પાલિતાણા પંથકમાં અડધાથી પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયોે હતો. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ રપ.૮૮ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ ગારિયાધાર તાલુકામાં ૩૮.૯૦ ટકા નોંધાયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પડેલા અડધાથી અઢી ઇંચ વરસાદના પગલે જળાશયોમાં નવા નીર આવવા ઉપરાંત નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. સમયસરના વરસાદથી ગ્રામ્ય પંથકમાં ખેડુતોમાં હરખની હેલી થવા પામી છે. ભાવનગર શહેરમાં રાત્રિના સમયે જ વરસાદ પડતાં દિવસભર લોકો પોતાના કામો કરી રહ્યા છે.