ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝઃ સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શૉ, જ્યંત યાદવના સમાવેશની શક્યતા

607

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૪
ભારતના ૩ ખેલાડી ઇજાગ્રસ્ત હોવાથી પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ અને ઓફ સ્પિનર જયંત યાદવને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાન ઇજાગ્રસ્ત થતાં આ યુવા ખેલાડીઓને તેમના રિપ્લેસમેન્ટ તરીકે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવા મોકલવામાં આવી રહ્યા છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે રિપ્લેસમેન્ટ સ્વરૂપે બે ઓપનર અને એક ઓફ સ્પિનરની માગ કરી હતી. મેનેજમેન્ટને શૉ, સૂર્યા અને જયંતની જરૂર વધારે લાગતી હતી, કેમ કે શૉ અને સૂર્યા સારી બેટિંગ કરી શકે છે અને જયંત બેટિંગની સાથે-સાથે ઓફ સ્પીન બોલિંગ પણ કરી શકે છે. શુભમન ગિલને પગમાં ઇજા થઇ હોવાથી ભારત પરત ફર્યો છે. સુંદર અને આવેશ ખાનને પણ આંગળીમાં ઇજા હોવાથી મેચ રમી નહીં શકે. માનવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈ તેમના સ્થાને પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ અને જયંત યાદવને મોકલવા પર કામ કરી રહ્યું છે. શૉ અને સૂર્યા હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં તેઓ વન ડે શ્રેણી રમી ચૂક્યા છે અને ટી-૨૦ શ્રેણી રમશે. જયંત હજી પણ ભારતમાં છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ ૪ ઓગસ્ટથી રમાશે. ભારતીય ટીમે અગાઉ જ્યારે ગિલ ઈજાગ્રસ્ત થયા ત્યારે જ શૉની માગણી કરી હતી, પરંતુ બીસીસીઆઈએ આ માગને નકારી કાઢી હતી, પરંતુ ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા વધ્યા બાદ તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. ભારતીય બોર્ડે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ૨૩ ખેલાડીની પસંદગી કરી હતી. આમાંથી ૧૯ મુખ્ય ખેલાડી છે, જ્યારે ચાર સ્ટેન્ડબાય છે. હાલ ભારત પાસે ઓપનર સ્વરૂપે, મયંક અગ્રવાલ, કે.એલ. રાહુલ, રોહિત શર્મા અને સ્ટેન્ડ બાય પ્લેયર અભિમન્યુ ઇશ્વરનનો વિકલ્પ છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ ઇશ્વરનને લઇને ખાસ ઉત્સુક નથી, કેમ કે તે નેટ્‌સમાં મેનેજમેન્ટને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
ઓપનર મયંક અગ્રવાલ અને રોહિત શર્મા હાલ ટીમ ઇન્ડિયા સાથે છે. અભિમન્યુ ઇશ્વરન ઈંગ્લેન્ડમાં સ્ટેન્ડબાય ઓપનર તરીકે હાજર છે. બીસીસીઆઈએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઈંગ્લેન્ડ સામેની ૫ મેચની ટેસ્ટ શ્રેણી માટે ૨૩ સભ્યની ટીમની પસંદગી કરી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૪ ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે.

Previous articleટી-૨૦ વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન સામે હારી જશેઃ અખ્તરનો દાવો
Next articleભારતીય પુરુષ હૉકી ટીમે ન્યૂઝીલેન્ડને ૩-૨થી મ્હાત આપી