ભાવનગરમાં ગેરકાયદે ધમધમતા બાયોડીઝલના છ પમ્પ સિલ : આખી રાત કાર્યવાહી શરૂ રહી

146

સિટી-ગ્રામ્ય મામલતદાર તથા પુરવઠા વિભાગે હાથ ધરેલ સંયુક્ત ઓપરેશનમાં અર્ધા કરોડનું મુદ્દામાલ કબ્જે
ભાવનગર શહેર-જિલ્લામાં વિના પાસ પરમિટે ધમધમતા બાયોડીઝલ વેચાણ ના પંપ પર તંત્ર એ તવાઈ બોલાવતા ગેરકાયદે બાયોડીઝલ નો વેપલો કરતાં શખ્સોમા ખળભળાટ મચી જવા પામ્યો છે ગઈ કાલે રાત્રે શરૂ કરવામાં આવેલી કાર્યવાહી હજું પણ શરૂ હોવાનું અધિકારીઓ એ જણાવ્યું છે.દેશમાં સરકાર-ઓઈલ કંપનીઓ દ્વારા વાહનોમાં વપરાતાં ઇંધણોના ભાવોમાં અસહ્ય વધારો કરાતાં રાજ્ય માં રેગ્યુલર ડીઝલ જેવું જ ફ્યુઅલ “બાયોડીઝલ” નું ઉત્પાદન,વેચાણ માં મોટો ઉછાળો આવ્યો છે આ ફ્યુઅલ ની દરરોજ વધતી જતી માંગને પગલે ઠેર ઠેર બિલાડી ના ટોપ માફક બાયોડીઝલ ના પંપના હાટડાઓ શરૂ થયા છે રાજ્ય સરકારે પણ આ બાયોડીઝલ ના ઉત્પાદન-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે
કારણકે આ ડીઝલના ઉપયોગ થી પારાવાર પ્રદૂષણ ફેલાય છે અને વાહનોના એન્જિન ને પણ નુકશાન પહોંચે છે આમ છતાં આ સસ્તાં ઇંધણનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ તથા વેચાણ થઈ રહ્યું છે જેને પગલે શહેર, ગ્રામ્ય મામલતદાર તથા પુરવઠા વિભાગની ટીમો દ્વારા બાયોડીઝલ ના ગેરકાયદે ચાલતા એકમો સિલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે અંતર્ગત ભાવનગર શહેર તથા ગ્રામ્ય મામલતદાર ની ટીમો તેમજ પુરવઠા વિભાગની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે શહેરના નારી ચોકડી ખાતે આવેલ એક પંપ કરદેજ ગામે ૪ તથા ઊંડવી ગામે ૧ મળી કુલ ૬ પંપ ને સિલ કરી અંદાજે એક લાખ લીટર જેટલો બાયોડીઝલ નો જથ્થો તથા પંપ,ફ્યુઅલ સપ્લાય કરતી ઈલેક્ટ્રીક મોટર બેરેલ,ટેન્કો,વાહનો મળી લગભગ અર્ધા કરોડ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગેરકાયદે બાયોડીઝલ નું વેચાણ કરતાં આસામીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી આજે સવારે પણ યથાવત શરૂ રહેતા કબ્જે કરાયેલ મુદ્દામાલ ની રકમ એક કરોડના આંક ને પાર કરે એવી પુરેપુરી શક્યતાઓ રહેલી છે આ સંદર્ભે મામલતદારો નો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે હજું કામગીરી શરૂ છે કાર્યવાહી પૂર્ણ થયે સમગ્ર માહિતી ડીકલેર કરવામાં આવશે પરંતુ આ દરોડા ને પગલે બાયોડીઝલ નું વેચાણ કરતાં આસામીઓ માં ભારે ફફડાટ ફેલાયો છે અને મોડી રાત્રે દરોડા ના સમાચાર મળતા અનેક પંપ ધારકોએ બાયોડીઝલ નો જથ્થો તથા સાધન સહિતનો મુદ્દામાલ સગેવગે કરવા આખી રાત કસરત કરી હતી.

Previous articleપીએમ મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ સાથે કરી મુલાકાત
Next articleબીકોમ સેમે.૬ના સ્ટેટેસ્ટીક વિષયમાં વધુ પ્રમાણમાં વિધાર્થીઓ નાપાસ થતાં રોષ : રજૂઆત કરાઇ