જાળિયા ખાતે બિમારીમાં કાર્યરત આરોગ્ય કર્મીઓનું અભિવાદન કરાયું

132

શ્રાવણ માસ ઉજવણીમાં શિવકુંજ આશ્રમ દ્વારા યોજાયો ઉપક્રમ
શ્રાવણ માસની ધાર્મિક ઉજવણી સાથે શિવકુંજ આશ્રમ, જાળિયા ખાતે આરોગ્ય કર્મીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોરોના બિમારીમાં સતત જાગૃત અને કાર્યરત રહેલા આશા કાર્યકરથી માંડીને તબીબી અધિકારી સુધીની વ્યક્તિઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.જાળિયા ખાતેના અભિવાદન કાર્યકમમાં વિશ્વાનંદ માતાજીએ તબીબો દ્વારા વેદનું એટલે કે આયુર્વેદનું કાર્ય થઈ રહ્યાનું જણાવી વિજ્ઞાન અને ધર્મના સમન્વયને અનિવાર્ય સમજવા કહ્યું. તેઓએ આશ્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિમાં સઘન વૃક્ષારોપણ અભિગમનો ઉલ્લેખ કર્યો. અહીંયા અગ્રણી અને ભારત તિબેટ સહયોગ મંચના પ્રદેશ સચિવ નાનુભાઈ ડાંખરાએ આશ્રમોનું કામ માત્ર ભોજન નહિ પણ સેવા કાર્ય દ્વારા થતું હોવાનો રાજીપો વ્યક્ત કરી તેમને આદરેલા પીપળા રોપણ અભિયાનનો ઉલ્લેખ કરી પર્યાવરણ અને યજ્ઞના સકારાત્મક પાસાઓનો ખ્યાલ આપ્યો હતો. સન્માનિત રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી મનસ્વીની માલવિયાએ પોતાના અભિવાદન પ્રતિભાવમાં સૌને કોરોના રસિકરણમાં સઘન રીતે સામેલ થવા અનુરોધ કર્યો અને સન્માનથી વધુ બળ મળ્યાનો ભાવ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં કોરોના સંદર્ભે સેવારત આરોગ્ય વિભાગના ઋષિભાઈ શુક્લ, જાસુબેન બોરીચા, નિરાવભાઈ મકવાણા, રામભાઈ સાંગડિયા તથા છાયાબેન પણદા અને આંગણવાડી કાર્યકર્તા ઊર્મિલાબેન ચૌહાણ તથા આશા કાર્યકર્તા રહેલા નિતાબેન મામેરિયાનું મહાનુભાવોના હસ્તે સુતર આંટી અને ચાદર વડે અભિવાદન કરાયું હતું.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજમાં પ્રથમ વર્ષનાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ
Next articleભાવનગરનાં અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો