બોરતળાવ ખાતે બાલવાટિકામાંથી રાતોરાત જવાહર શબ્દ દૂર કરી દેવાયો

131

વિવાદના એંધાણ સર્જાતા તંત્રએ ભૂલ સ્વીકારી સુધારો કર્યો : જવાહર શબ્દ તાત્કાલિક લગાવવા મેયરનો આદેશજવાહર શબ્દ ભૂલથી રહી ગયો હતો કાલ સાંજ સુધીમાં લાગી જશે : સિટી એન્જિનિયર
જવાહર બાલવાટીકાનું નવસર્જન થયું તેમાં જવાહર શબ્દ હવે ક્યાંય જોવા મળતો નથી.જોકે, મેયરે આ મામલો ભૂલનો હોવાનું ગણાવી, રાજકારણની વાત ફગાવી હતી. બીજી બાજુ કોન્ટ્રાકટર ભાજપના હોવાથી ઈરાદાપૂર્વક જવાહર નામનો છેદ ઉડાડી દેવાયો હોવાની ચર્ચા ઉઠી છે. મેયર દ્વારા તાત્કાલિક જવાહર શબ્દ લગાડવા આદેશ આપી દેવાયો છે જે બે દિવસમાં લાગી જશે.ભાવનગરમાં ફરવા હરવા માટે વર્ષોથી જવાહર બાલવાટીકા મુખ્ય સ્થળ રહ્યું છે. અગાઉ આનંદ પ્રમોદ માટેના ટાંચા સ્થળો વખતે જવાહર બાલવાટીકા તરફ ઘસારો રહેતો, બદલાતા સમય સાથે જવાહર બાલવાટીકાને આધુનિક બનાવવા કોર્પોરેશન દ્વારા નવસર્જન હાથ ધરી એક આકર્ષક અને બેનમૂન ભેટ પ્રજાજનોને અપાઈ છે. કોંગ્રેસના ૬૦ વર્ષના શાસનમાં દેશને શુ મળ્યું.? તેવો શાસક પક્ષ ભાજપનો હમેંશા પ્રશ્ન રહ્યો છે, વિપક્ષને નીચો દેખાડવા આ રાજનીતિ હોઈ શકે. પરંતુ કોંગ્રેસના શાસનમાં થયેલા વિકાસ કામોમાં નેતાનું નામ દૂર થઈ જાય એ હદે ભાજપે વરવું રાજકારણ કર્યું હોવાનો ગણગણાટ ભાવનગરમાં થઈ રહ્યો છે. બાલવાટીકાની ભેટ કોંગ્રેસના શાસનમાં મળી હતી, આથી એ સમયે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનું નામ જોડવામાં આવેલ પરંતુ તાજેતરમાં નવસર્જન બાદ જવાહર બાલવાટીકામાંથી જવાહર શબ્દનો છેદ ઉડી જતા બુદ્ધિજીવી લોકોએ આંચકો અનુભવ્યો છે. જોકે, કોંગ્રેસની નેતાગીરી હજુ નિદ્રામાં છે. આ મુદ્દે મેયર કીર્તિબેન દાણીધરીયાએ જણાવ્યું કે, લોકાર્પણની ઉતાવળમાં ટિકિટમાં જવાહર નામના શબ્દનો ઉલ્લેખ રહી ગયો છે, ઉપરાંત સંકુલ પર પણ માત્ર બાલવાટિકા લખાયેલ છે તેમાં સુધારો કરવા જણાવી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દેશના દરેક નેતા મહાન છે, તેમાં પક્ષાપક્ષી ન હોય, જે કાંઈ થયું છે તે ભૂલ છે, કોઈ ઈરાદો નથી જ. જોકે, જવાહર બાલવાટિકાના નવસર્જનના કામનો કોન્ટ્રાકટ ભાજપના યુવા અગ્રણીએ રાખ્યો હોવાથી લોકો આ કિસ્સાને વરવા રાજકારણની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. મેયર કીર્તિબેનએ પણ કહ્યું કે, આ મામલે તપાસ કરવા મેં જણાવ્યું છે. ભાવનગર સિટી એન્જિનિયર વી.એન.પંડિતે પણ જણાવ્યું હતું કે લોકાર્પણના ઉતાળવમાં આ જે ભૂલ રહી હતી, તે કાલ સાંજ સુધીમાં લાગી જશે, અને અત્યારે કેવું લાગે છે તે પણ જોવાઈ ગયું છે, અને ટિકટમાં જે ભૂલ રહી છે તે ટિકટો પર પણ ભૂલ રહી છે તેમાં સ્ટેમ્પ મારીને ટિકિટોનું વિતરણ કરવામાં આવશે.

Previous articleગારિયાધાર તાલુકાના ત્રણ આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ
Next articleભાવનગર રેલવે ડિવિઝન પર “ક્લીન ટ્રેક દિવસ” તરીકે ઉજવવામાં આવી હતી