અમિત ચાવડા-પરેશ ધાનાણી રાજકોટમાં, દિગ્ગજ નેતાઓની નારાજગી દૂર કરશે..??

661

શહેર કોંગ્રેસના સીનીયર નેતા અને પુર્વે ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂએ પ્રદેશ નેતાગીરીની નીતિરીતીનાં વિરોધમાં રાજીનામું આપી દીધુ છે. જેના સમર્થનમાં ડઝનબંધ કાર્યકરોએ પણ રાજીનામાં ફગાવ્યા છે. કોર્પોરેટરોએ રાજીનામાંની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે ઉચ્ચ નેતાગીરીએ દબાણ સામે નહીં ઝુકવાનું નકકી કર્યું હોય તેમ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાને શિસ્તભંગની નોટિસ પણ આપી છે. ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી જિલ્લા કોંગ્રેસના એક કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. આ બંને દિગ્ગજ નેતાઓ શહેર કોંગ્રેસમાં ચાલી રહેલી નારાજગી દૂર કરવા પ્રયાસ કરશે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.

રાજકોટ સહીત અનેક શહેરોમાં કોંગ્રેસના ઘર સળગ્યા છે અને સીનીયર નેતાઓએ જાહેરમાં નારાજગી-અસંતોષ જાહેર કરીને રાજીનામા આપવા સુધીના માર્ગ અપનાવ્યા છે. રાજકોટનાં જ પુર્વ સાંસદ તથા જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ પણ ખુલ્લેઆમ નારાજગી દર્શાવી જ છે. સીનીયર આગેવાનો સાઈડલાઈન કરવાના પ્રયત્નો વિશે ચારેક દિવસ પૂર્વે રાહુલ ગાંધીને પણ તેમણે રજૂઆત કરી હતી. જ્યારે વાંકાનેરના ધારાસભ્ય જાવીદ પીરઝાદાએ પ્રદેશ કાર્યાલય ખાતે જ પાર્ટીમાં લોકશાહી જેવુ કાંઈ રહ્યું ન હોવાનો આક્ષેપ કર્યો હતો.  ઉપરાંત ખંભાળીયાનાં ધારાસભ્ય વિક્રમ માડમ પણ અસંતોષ વ્યકત કરી ચુક્યા છે.

સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓની વચ્ચે આજે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી રાજકોટ આવી રહ્યા છે. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાએ જણાવ્યું છે કે પાકના પુરતા ભાવ નહીં મળવા સહીતના ખેડૂતોના પ્રશ્ર્‌નોને લઈને ત્રિકોણબાગ ખાતે તા. ૨૯ મીને શુક્રવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધી ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

Previous articleદામનગર શરાફી મંડળી દ્વારા વિનામુલ્યે ડસ્ટબીન વિતરણ
Next article30/06/2018