અપહરણ કરાયા બાદ ૩ પોલીસ જવાનની ઘાતકી હત્યાથી ચકચાર

1729

પાકિસ્તાની સેના દ્વારા બીએસએફ જવાનની અમાનવીયરીતે હત્યા કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ હવે ફરી એકવાર કાયરતાપૂર્વકનું કૃત્ય કર્યું છે. ભારતીય સેના અને પોલીસના ઓપરેશનથી હચમચી ઉઠેલા ત્રાસવાદીઓએ આજે સવારે સોપિયન જિલ્લામાં ત્રણ પોલીસ કર્મીઓનું અપહરણ કરી લીધું હતું. અપહરણ કરવામાં આવ્યા બાદ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. આના કારણે દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સામે આક્રોશનું મોજુ ફરી વળ્યું છે. સ્થાનિક આતંકવાદીઓએ આ પોલીસ કર્મીઓનું અપહરણ કર્યું હતું જેમાં બે સ્પેશિયલ પોલીસ ઓફિસર અને એક પોલીસ કર્મી સામેલ હતા. કાશ્મીર ઝોન પોલીસે ટિ્‌વટ કરીને ત્રણેય પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ આપી છે. જે ત્રણ પોલીસ કર્મીઓની ત્રાસવાદી દ્વારા અપહરણ કરીને ઘાતકી હત્યા કરવામાં આવી છે તેમાં નિસાર અહેમદ, ફિરદોસ કુચે અને કુલવંતસિંહનો સમાવેશ થાય છે. કાશ્મીર પોલીસે પોતાના ત્રણેય સાહસી જવાનોની ઘાતકી હત્યાની નિંદા કરતા કહ્યું છે કે, આ અમાનવીય કૃત્ય છે. લોકોને તેઓ ખાતરી આપવા માંગે છે કે, હત્યારા ત્રાસવાદીઓને શોધી કાઢવા માટે મોટાપાયે ઓપરેશન ચાલી રહ્યું છે.  જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓ તેમના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે, જે પોલીસ જવાનોની હત્યા કરવામાં આવી છે તેમની ઓળખ કરી લેવામાં આવી છે. આમા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર ફિરદોસ અહેમદ અને કુલવંતસિંહનો સમાવેશ થાય છે જ્યારે નિસાર અહેમદ કોન્સ્ટેબલ તરીકે હતા. આતંકવાદીઓએ તેમનું અપહરણ કરી લીધું હતું. પોલીસનું કહેવું છે કે, આ ત્રણેયનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આતંકવાદીઓનો ગામના લોકો પીછો કર્યો હતો. તેમનું અપહરણ ન કરવા પણ કહેવામાં આવ્યું હતું પરંતુ આતંકવાદીઓએ હવામાં ગોળીબાર કર્યો હતો અને ગામવાળાઓને ધમકી આપી હતી. બટાગુંદ ગામમાં ત્રાસવાદીઓ ઘુસી ગયા હતા અને તેમનું અપહરણ કરી લીધું હતું. સુત્રોએ કહ્યું છે કે, નિસાર અહેમદ આર્મ્ડ પોલીસમાં કામ કરી રહ્યા હતા જ્યારે ફિરદોસ અહેમદ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. કુલવંતસિંહ પુલગામ પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા. આતંકવાદીઓએ પોલીસ કોન્સ્ટેબલના ભાઈનું પણ અપહરણ કર્યું હતું પરંતુ તેમને છોડી મુક્યા હતા. જાણવા મળેલી માહિતી મુજબ હિઝબુલ મુઝાહિદ્દીને આની જવાબદારી સ્વીકારી છે. પોલીસ જવાનોનું અપહરણ ત્રણ સપ્તાહ બાદ કરાયું છે. ત્રણ સપ્તાહ પહેલા આ લોકોએ દક્ષિણ કાશ્મીરમાં જુદા જુદા વિસ્તારોમાંથી પોલીસ જવાનોના સંબંધીઓના અપહરણ કરી લીધા હતા પરંતુ મોડેથી મુક્ત કર્યા હતા. આઠ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાંદીપોરામાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. જ્યાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા  છે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં સુરક્ષા જવાનોનુ અપહરણ કરીને તેમને મોતને ઘાટ ઉતારી દેવાનો સિલસિલો જારી રહેતા દેશભરમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે.જમ્મુ કાશ્મીરમાં જમ્મુ ક્ષેત્રના ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર પાકિસ્તાની રેન્જર દ્વારા બીએસએફ જવાન નરેન્દ્રસિંહની બર્બરતા સાથે કરવામાં આવેલી હત્યાથી દેશભરમાં તંગદિલીપૂર્ણ માહોલ છે. મંગળવારના દિવસે પાકિસ્તાની સૈનિકો દ્વારા જમ્મુ નજીક આઈબી પર બીએસએફના એક જવાનની ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી જેના પરિણામ સ્વરુપે સમગ્ર દેશમાં કોહરામની સ્થિતિ મચી ગઈ છે.  આ બર્બર ઘટના મંગળવારના દિવસે રામગઢ સેક્ટરમાં થઇ હતી. આ ઘટના બન્યા બાદ સુરક્ષા દળોએ ૯૨ કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને ૭૪૦ કિલોમીટર લાંબી અંકુશરેખા પર હાઈએલર્ટની જાહેરાત કરી દીધી છે.  હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહના શરીરમાં ત્રણ ગોળીઓના નિશાન મળી આવ્યા છે. ત્યારબાદ તેમનું ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં સ્થાનિક ત્રાસાદીઓ સુરક્ષા દળો સામે નવા નવા પડકારો ઉભા કરી રહ્યા છે. જેથી તંગદીલી છે. અપહરણ કરાયેલા જવાનોની હત્યાથી વ્યાપક રોષ છે.

કેન્દ્ર સરકારની બળજબરીની નીતિ બિલકુલ કામ નથી કરી રહી : મુફ્તિ

પોલીસકર્મીઓની હત્યા પર જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ ટિ્‌વટ કર્યું- વધુ ત્રણ પોલીસકર્મી આતંકીઓની ગોળીના શિકાર બન્યા. હંમેશાની જમે આપણે સૌ ગુસ્સા, આઘાત અને નિંદા કરીશું. દુર્ભાગ્યવશ તેમના પીડિતા પરિવારોને કોઈ સાંત્વના નથી મળતી. મહબૂબાએ બીજું ટિ્‌વટ કરીને કહ્યું- પોલીસકર્મીઓ અને તેમના પરિવારની કિડનેપ કરવાની વધતી ઘટનાઓથી સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકારની બળજબરીની નીતિ બિલકુલ કામ નથી કરી રહી. વાતચીત જ એક માત્ર રસ્તો છે.

 

પાકિસ્તાનની સાથે સૂચિત મંત્રણા રદ કરવાનો નિર્ણય

બીએસએફ જવાનની અમાનવીય હત્યા અને ત્યારબાદ પોલીસ જવાનોનું અપહરણ કરીને ઘાતકી હત્યા કરવાના બનાવ બાદ લાલઘૂમ થયેલા ભારતે પાકિસ્તાન સાથેની સૂચિત મંત્રણાને આખરે રદ કરી દીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, પાકિસ્તાની વડાપ્રધાન અને વિદેશમંત્રીના પત્રોની ભાવનાને ધ્યાનમાં લઇને આ વાતચીત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કુમારે કહ્યું હતું કે, પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ત્રાસવાદના મુદ્દે પણ વાતચીત કરવાની ખાતરી આપી હતી. તેમની મંત્રણાની પાછળ નાપાક ઇરાદા રહેલા છે તે બાબત સાબિત થઇ ચુકી છે. રવીશ કુમારે કહ્યું હતું કે, પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનનો વાસ્તવિક ચહેરો તેમના શરૂઆતના કાર્યકાલના દિવસોમાં જ તમામની સામે આવી ગયો છે.

આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે કોઇપણ પ્રકારની વાતચીત યોગ્ય નથી. આવી વાતચીત અર્થવગરની છે. ન્યુયોર્કમાં હવે ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓની પણ વાતચીત થશે નહીં. ભારતે કાશ્મીરમાં બીએસએફના જવાનની હત્યાને લઇને પાકિસ્તાન સમક્ષ જોરદાર નારાજગી વ્યક્ત કરી છે. ભારતે ગુરુવારના દિવસે જ ખાતરી આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનના નિવેદન પર બંને દેશોના વિદેશમંત્રીઓની વાતચીત માટે અમે તૈયાર છે. આ વાતચીત ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં થનાર હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ મિટિંગનો મતલબ એ નથી કે, પાકિસ્તાન પ્રત્યે અમારી નીતિ બદલાઈ ગઈ છે. આને વાતચીતની શરૂઆત તરીકે પણ ગણવામાં આવે તે યોગ્ય નથી. પત્રકારો સાથે વાતચીત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું હતું કે, આ વાતચીત હવે થનાર નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મહત્વપૂર્ણ મુદ્દા પર વાતચીત શરૂ કરવાની વાત કરી હતી. કાશ્મીર અને આતંકવાદના મુદ્દા ઉપર વાતચીત કરવાની પણ ખાતરી અપાઈ હતી.

Previous articleતાન્ઝાનિયામાં નૌકા પલ્ટી જતાં ૧૩૬ લોકોના મોત
Next articleકોંગી માટે નર્મદા કમાણીનું સાધન, ભાજપ માટે સેવાનું સાધન છે