લોકસભા ચૂંટણી-૨૦૧૯માં તમામ બેઠકો પર નેક્સ્ટ જનરેશન M-3 EVMનો ઉપયોગ કરાશે

1311

રાજ્યમાં આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર નેક્સ્ટ જનરેશન એમ-૩ ઈવીએમનો ઉપયોગ કરાશે. આ નિર્ણય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવ્યો છે. જેને લઇને રુપિયા ૫૬૨૬ કરોડના ખર્ચે નવા ૪૦ લાખ વીવીપેટ યુનિટનું ઉત્પાદન કરાશે.૨૦૧૯માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં રાજ્યની તમામ લોકસભાની ૨૬ બેઠકો ઉપર સંપૂર્ણ સુરક્ષાથી સજ્જ નેક્સ્ટ જનરેશન એમ-૩ ઈવીએમ (ઇલેકટ્રોનિક્સ વોટિંગ મશિન) મુકવામાં આવશે. જેનાથી મતદાનને વધુને વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને પારદર્શક બનાવી શકાશે. સમય પ્રમાણે ઈવીએમનું આધુનિકરણ કરવામાં આવે છે. અગાઉ વર્ષ-૨૦૦૬ પહેલા ઈવીએમ એ એમ-૧ તરીકે, જ્યારે વર્ષ-૨૦૦૬ થી ૨૦૧૦ દરમિયાન તૈયાર થયેલા ઈવીએમએ એમ-ર તરીકે ઓળખાતા હતા, જ્યારે વર્ષ-૨૦૧૩થી ચૂંટણી પંચે નેક્સ્ટ જનરેશન ઈવીએમ અમલી બનાવ્યા છે. જેને એમ-૩ ઈવીએમ તરીકે ઓળખવામાં આવે છે. ડિજિટલ ઇન્ડિયાને વધુને વધુ પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ઈવીએમ અને વીવીપેટ નું અમલીકરણ એક અગત્યનું પગલું સાબિત થયું છે. દેશના મતદારોએ ટેકનોલોજીથી સજ્જ નવીન અને ઝડપી મતદાન પદ્ધતિને સફળતાપૂર્વક અપનાવી છે, તેમ મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું.

ઈવીએમ આધારિત મતદાન પદ્ધતિને વધુને વધુ પારદર્શક બનાવવાના હેતુથી ભારતીય ચૂંટણી પંચે વર્ષ-૨૦૧૩થી વોટર વેરિફાયરેબલ પેપર ઓડિટ ટ્રેઇલ (વીવીપેટ ) અમલી બનાવ્યું છે. વીવીપેટ થી મતદાતા સુનિશ્ચિત કરી શકે છે કે તેનો વોટ કયા પક્ષ અને ઉમેદવારને ગયો, જ્યારે તે ઈવીએમ નું બટન દબાવે છે તો વોટ પડવાની સાથે વીવીપેટ  એક કાપલી પ્રિન્ટ કરે છે.

તેના પર લખેલું હોય છે કે, વોટ કોને ગયો. કાપલી કાચના એક બોક્સમાં જોવા મળે છે. તેને મતદાતા ૭ સેકન્ડ સુધી જોઇ શકે છે, ત્યાર બાદ કાપલી  વીવીપેટના ડ્રોપ બોક્સમાં પડી જાય છે. જૂન ૨૦૧૭થી દેશમાં યોજાયેલી તમામ ચૂંટણીઓમાં વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને રૂ.૫૬૨૬ કરોડના ખર્ચે નવા ૪૦ લાખ બીયુ, સીયુ અને વીવીપેટ યુનિટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

Previous articleહવે ખેડૂત સમાજ મેદાને, ૩૧ ઓક્ટોબરે તમામ જિલ્લા મથકે સરદારની પ્રતિમા સમક્ષ કરશે ધરણા
Next articleવલ્લભીપુરના રાજવીનું દુઃખદ નિધન