હવે ખેડૂત સમાજ મેદાને, ૩૧ ઓક્ટોબરે તમામ જિલ્લા મથકે સરદારની પ્રતિમા સમક્ષ કરશે ધરણા

1034

ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ૩૧ ઓક્ટોબરના રોજ જિલ્લા મથકોએ ખેડૂતોની માંગણીને લઇને ધરણા કરવામાં આવશે. રવિવારે ખડૂત સમાજની મળેલી ટ્રસ્ટી મંડળ અને કારોબારીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે  કલ્પસર મુદ્દે જન આંદોલન કરી સરકાર સામે રણશીંગુ ફુંકવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. રવિવારના રોજ ગુજરાત ખેડૂત ભવન અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં રાજ્ય સરકાર સામે ખેડૂતોના પડતર મુદ્દાઓને લઇને જલદ કાર્યક્રમ આપવાનો નિર્યણ ગુજરાત ખેડૂત સમાજે કર્યો હતો. જેમાં રાજ્યમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થય હોવાથી સમગ્ર રાજ્યને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. તાત્કાલિક સરકારી સહાય આપવી, ખેડૂતોના દેવા માફ કરવા, ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના કારણે તેમને ગત વર્ષનો અને ચાલુ વર્ષનો પાક વિમો ચુકવવો, ખેડૂતોના પેન્ડીંગ વિજ કનેક્શન આપવા, અને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરૂ પાડવા જેવી માંગો કરી હતી.  આ તમામ મુદ્દાઓને લઈને સરદાર પટેલની પ્રતિમા સમક્ષ એક દિવસના ધરણા કરવામાં આવશે.

આ અંગે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે કહ્યું કે, ગુજરાતનો ખેડૂત આઝાદી પછી પહેલી વાર આટલી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. દુષ્કાળની સ્થિતિ સમગ્ર રાજ્યમાં છે ખરીફ પાક નિષ્ફળ રહ્યાં છે અને રવિપાક થાય એવી કોઇ શક્યતા નથી. ડેમમાં જેટલુ પાણી જમા થયું છે એમાં સરકારની સિંચાઇના પાણીની કોઇ નીતિ જાહેર થઇ નથી. ખેડૂતનું ખેત ઉત્પાદનનું ખર્ચ વધી ગયું છે, અને જે કંઇ ઉત્પાદન થાય છે અને પોષણક્ષમ ભાવ મળતા નથીં  આના લીધે ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઇ ગયા છે. આ પરસ્થિતિ સામે હજુ ખેડૂત લડે છે બીજી તરફ બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવે, એસઆઇઆર તથા ડીએમઆઇસી માટે જમીન સંપાદન કરવા સરકાર કટિબદ્ધ બની છે. ત્યારે ખેડૂત સમાજ ઉગ્ર આંદોલન કરશે.  એક દિવસના ઘરણા બાદ પહેલીથી પાંચમી નવેમ્બર દરમિયાન આ મુદ્દા સાથે રાજ્યના તાલુકા મથકે આવેદન પત્ર આપવામા આવશે.

કલ્પસર યોજાના અગે તેમણે કહ્યું કે, જો આજે કલ્પસર કાર્યરત થઇ હોત તો સૌરાષ્ટ્રમાં સિચાઇના પાણીની કોઇ તંગી ના હોત. પરંતુ સરકારે આ માટે કોઈ કાર્ય કર્યું નથી.

Previous articleપાટીદાર શહીદોના પરિજનોને હજુય નોકરી મળી નથી : રેશ્મા
Next articleલોકસભા ચૂંટણી-૨૦૧૯માં તમામ બેઠકો પર નેક્સ્ટ જનરેશન M-3 EVMનો ઉપયોગ કરાશે