પીએનબી કાંડમાં નિરવની ૨૫૫ કરોડની સંપત્તિ જપ્ત

869

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે જાહેરાત કરી હતી કે, સમગ્ર દેશને હચમચાવી મુકનાર પંજાબ નેશનલ બેંકના છેતરપિંડી કૌભાંડના સંદર્ભમાં ડાયમંડ જ્વેલર નિરવ મોદીની હોંગકોંગમાં ૨૫૫ કરોડ રૂપિયાની કિંમતની જ્વેલરી અને અન્ય કિંમતી ચીજસ્તુઓ જપ્ત કરી લેવામાં આવી છે. બે અબજ ડોલરની કિંમતના પીએનબી કૌભાંડના સંદર્ભમાં ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. તપાસ સંસ્થાએ કહ્યું છે કે, આ સંપત્તિ જપ્ત કરવા માટે પ્રવેન્શન ઓફ મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ આદેશ જારી કરવામાં આવ્યો હતો.

ઇડીનું કહેવું છે કે, આ કિંમતી ચીજવસ્તુઓ નિરવ મોદીની દુબઈ સ્થિત કંપની દ્વારા ભેગી કરવામાં આવી હતી. તેમના દ્વારા હોંગકોંગમાં ચલાવવામાં આવતી કંપનીઓમાં દુબઈ મારફતે આ સંપત્તિ લાવવામાં આવી હતી. ડાયમંડ જ્વેલરી અને અન્ય ચીજવસ્તુઓ પણ આમા સામેલ છે. તપાસ સંસ્થાનું કહેવું છે કે, આગામી દિસોમાં પણ કાર્યવાહીનો દોર જારી રહેશે. ઇડીનું કહેવું છે કે, હાલમાં ૩૪.૯૭ મિલિયન ડોલર અથવા તો ૨૫૫ કરોડ રૂપિયાની કિંમતની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલો ઓર્ડર ટૂંક સમયમાં જ હોંગકોંગમાં મોકલવામાં આવશે જેના ભાગરુપે પીએમએલએ જપ્તી આદેશને યોગ્ય બનાવશે. નિરવ મોદી સંપત્તિની દ્રષ્ટિએ દેશમાં સૌથી મોટુ કૌભાંડ સપાટી ઉપર આવ્યા બાદથી સૌથી મોટા બેંક કૌભાંડ તરીકે છે. દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસનો મામલો સપાટી ઉપર આવ્યા બાદ નિરવ મોદી દેશમાંથી ફરાર થઇ ગયા હતા. આ વર્ષની શરૂઆતમાં આ સમગ્ર કેસ સપાટી ઉપર આવ્યો હતો. ઇન્ટરપોલ દ્વારા તેમની સામે વોરંટ જારી કરવામાં આવી ચુક્યો છે. બીજી બાજુ ભારત દ્વારા પર્ત્યાપણથી ભારત લાવવાના પ્રયાસ હાથ ધરાયા છે. ઇડી દ્વારા તેમની સામે ચાર્જશીટ દાખલ કરીને આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ડમી કંપનીઓમાં વિદેશમાં ૬૪ અબજ રૂપિયાથી વધુ નાણાં ઠાલવી દીધા હતા. નિરવ મોદી, તેમના સંબંધી મેહુલ ચોક્સી અને અન્યો સામે ઉંડી તપાસ ચાલી રહી છે. પંજાબ નેશનલ બેંક દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ આ વર્ષની શરૂઆતમાં પીએનબી કૌભાંડ ખુલતા કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. રાષ્ટ્રીયકૃત બેંકની સાથે જંગી છેતરપિંડી કરવામાં આવી હતી. ૧૩૦ અબજ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. બેંકના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓને આવરીલઇને આ છેતરપિંડી કરવામાં આવી હતી. નિરવ મોદી અને મેહુલ ચોક્સીના મામલામાં સીબીઆઈની સાથે સાથે ઇડી અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. સંબંધિત લોકોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.

Previous articleઅંશુ પ્રકાશ કેસ : કેજરીવાલ સહિતના આરોપીઓને બેલ
Next articleતમિળનાડુ-આંધ્રમાં ૧૦૦થી વધુ સ્થળો ઉપર દરોડા પડ્યા