ડાયાબિટીસ દર્દીને વળતર ૯% વ્યાજ સાથે ચૂકવવા હુકમ

748
guj26112017-3.jpg

અમદાવાદ શહેર એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે એક મહત્વના ચુકાદા મારફતે ડાયાબિટીસના દર્દીને સારવાર અને ઇન્જેકશનના ખર્ચ પેટે રૂ.૩૨ હજારનું વળતર નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપની ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીને ફરમાન કર્યું છે. વધુમાં ફોરમે ફરિયાદી દર્દીને માનસિક ત્રાસ અને ખર્ચના મળી કુલ પાંચ હજાર અલગથી ચૂકવી આપવા પણ વીમા કંપનીને હુકમ કર્યો છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા ફરિયાદી સીનીયર સીટીઝન મહિલા અને ગ્રાહક 
સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ તરફથી કરાયેલી ફરિયાદના કેસમાં ફોરમના પ્રમુખ ડી.બી.નાયક અને સભ્યોએ ફરિયાદી મહિલાને તા.૧૧-૮-૨૦૧૬થી નવ ટકા વ્યાજ સાથે આ વળતર અપાવતો અગત્યનો હુકમ કર્યો હતો.આ અંગે ગ્રાહક સુરક્ષા પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, ડાયાબિટીસના દર્દીઓને આંખની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાય ત્યારે આઇ સર્જન પાસે સર્જરી કરાવવી પડતી હોય છે. શાહીબાગના સીનીયર સીટીઝન મહિલા સ્નેહલતાબહેન સુભાષભાઇ પટેલના કિસ્સામાં પણ તેમને રેટીનલ હેમરેજ અને ઇન્ટ્રાવાઇટ્રીયલ આઇકલીયા સર્જરી માટે તા.૨૫-૬-૨૦૧૬ના રોજ બેંકર્સ રેટિના કલીનીક એન્ડ લેસર સેન્ટરમાં એડમીટ થઇ સારવાર લેવાની ફરજ પડી હતી. ત્યારબાદ પ્રથમ અને બીજી સર્જરી બાદ તા.૨૦-૮-૨૦૧૬ના રોજ તેમને ડાબી આંખમાં ડો.અલય બેંકર પાસે ઇન્ટ્રાવાઇટ્રીયલ આઇકલીયા સર્જરી કરાવવાની ફરજ પડી હતી. સ્નેહલતાબહેન ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીની રૂ.૧.૨૫ લાખની મેડિકલેઇમ વીમાપોલિસીથી સુરક્ષિત હતા. તેથી તેમણે સર્જરી બાદ વીમા કંપનીને હોસ્પિટલની સારવાર અને મોંઘા ઇન્જેકશનોનો ખર્ચ મળી કુલ  રૂ.૩૨,૪૯૦નો દાવો રજૂ કર્યો હતો. જો કે, વીમાકંપનીએ એવું કારણ આપી દાવો નકારી કાઢયો હતો કે, તેમને ઓપીડી બેઇઝ સારવાર અપાઇ છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક ફોરમનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, વીમા કંપનીનો ઓપીડી બેઝનો આક્ષેપ ટકવાપાત્ર નથી કારણ કે, ખુદ સર્જરી કરનાર ડોકટરે ડેકેર પ્રોસીજર મુજબ ઓપરેશન થિયેટરમાં સ્ટરિલાઇઝ્‌ડ સર્જરી કરી છે અને તેના પુરાવા ફરિયાદીપક્ષ તરફથી રજૂ કરવામાં આવ્યા છે. મેડિકલેઇમ પોલિસી ચાલુ હોવાછતાં અને વીમાનું કવચ ચાલુ હોવાછતાં વીમા કંપની આ પ્રકારે દાવાની રકમ ચૂકવવાની જવાબદારીમાંથી છટકી શકે નહી. ફોરમે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતના પ્રમુખ મુકેશ પરીખની આ દલીલો ગ્રાહ્ય રાખી ઠરાવ્યું હતું કે, વીમા કંપનીએ દાવાની પ્રોસેસ કરવામાં સેવામાં ખામી રાખી અન ફેર ટ્રેડ પ્રેકટિસ આચરી છે અને તેથી ફરિયાદી ગ્રાહ્‌કને ઉપરમુજબ વળતર ચૂકવવાનો વીમા કંપનીને આદેશ કરવામાં આવે છે.

Previous articleભાવનગર જિલ્લાની દરેક બેઠકના ફાઈનલ ઉમેદવારો
Next articleજિનર્સોએ કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં