અગ્નિ-૫ મિસાઈલનું સફળરીતે પરીક્ષણ

728

ભારતે આજે પરમાણુ સક્ષમ અગ્નિ-૫ મિસાઈલનું ઓરિસ્સાના દરિયાકાંઠેથી સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ ઓરિસ્સામાં દરિયાકાંઠા નજીક કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં સંરક્ષણ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. મિસાઈલનું પરીક્ષણ આજે બપોરના ગાળામાં અબ્દુલ કલામ દ્વિપ પર ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જના લોન્ચપેડ-૪ પરથી કરવામાં આવ્યું હતું. મોબાઈલ લોન્ચર મારફતે આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ લોંગ રેંજ બેલાસ્ટિક મિસાઇલ પરમાણુ હથિયારો લઇને ત્રાટકવામાં સક્ષમ છે. ૫૦૦૦ કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવનાર આ મિસાઇલનું પરીક્ષણ ઓરિસ્સાના દરિયાકાઠા પર અબ્દુલ કલામ આઇલેન્ડથી કરવામાં આવ્યુ હતુ. આની સાથે જ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં તેના સમાવેશની દિશામાં પણ ભારતે મોટુ પગલુ લીધુ છે. આ મિસાઇલ હજુ સુધીની સૌથી એડવાન્સ મિસાઇલ છે. આ મિસાઇલ ચીનના મોટા ભાગના ઉત્તરપૂર્વીય વિસ્તારો સુધી ત્રાટકવામાં સક્ષમ છે. તેની ત્રાટકવાની રેંજ ૫૦૦૦ કિલોમીટરથી વધારેની છે. સમગ્ર ચીન ટાર્ગેટ હેઠળ આવી જતાં ભારતની મોટી સફળતા તરીકે આને જોવામાં આવે છે.

મિસાઇલની વિશેષતા પણ અનેકગણી રહેલી છે. આ મિસાઇલ અવાજ કરતા પણ ૨૪ ગણી વધુ ઝડપથી ત્રાટકી શકે છે. ૫૦ ટન વજન મિસાઇલનું રહેલું છે. આ ઉપરાંત અગ્નિ-૫ મિસાઇલ ૧.૫ ટન સુધી ન્યુક્લિયર વોરહેડ લઇને ત્રાટકવામાં સક્ષમ છે. ચીન સહિત સમગ્ર એશિયા તેના હિટલિસ્ટમાં છે. હજુ સુધી આ પહેલા પણ આના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. છેલ્લુ પરીક્ષણ ત્રીજી જૂન ૨૦૧૮ના દિવસે કરવામાં આવ્યું હતું. તે પહેલા ૧૮મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.  આ મિસાઇલના હજુ સુધી પાંચ પરીક્ષણ કરાયા છે. તમામ પાંચેય પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યા છે. તે અગાઉ ટેસ્ટ ૨૬મી ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે કરાયું હતું તે પહેલા ૧૯મી એપ્રિલ ૨૦૧૨ના દિવસે પ્રથમ પરીક્ષણ, ૧૫મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે બીજુ પરીક્ષણ અને ૩૧મી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ત્રીજુ પરીક્ષણ કરાયું હતું. પરીક્ષણ માટે નક્કી કરવામાં આવેલા તમામ ધારાધોરણ મુજબ આ મિસાઇલ ટેસ્ટમાં પાર ઉતરતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. આવી મિસાઇલ ધરાવનાર દેશોમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટનનો સમાવેશ થાય છે.ભારત પાસે તેના શસ્ત્રાગારમાં અન્ય ઘાતક હથિયારો છે. જેમાં ટુંકા રેંજની પૃથ્વી અને ધનુષ મિસાઇલ સામેલ છે. સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં અગ્નિ-૧, અગ્નિ-૨, અગ્નિ-૩ મિસાઇલ પહેલાથી જ સામેલ કરવામાં આવી ચુકી છે. આ મિસાઇલ પાકિસ્તાનને ટાર્ગેટ રાખીને તૈયાર કરાઇ છે. જ્યારે અગ્નિ-૪ અને પાંચ ચીનને રોકવા માટે તૈયાર કરવામાં આવી છે. ભારત પાસે અન્ય ઘાતક મિસાઇલ પણ છે. આ મિસાઇલમાં સ્થિત હાઈસ્પીડ કોમ્પ્યુટર કોઇપણ ખામીને સહન કરવાની ક્ષમતા વાળા સોફ્ટવેરની સાથે જ રોબસ્ટ અને વિશ્વાસપાત્ર રહેલા છે. આ મિસાઇલની રચના એ પ્રકારની કરવામાં આવી છે કે, પોતાની મહત્તમ ઉંચાઈ હાસલ કરી લીધા બાદ પૃથ્વી પર પોતાના ટાર્ગેટની દિશામાં ગુરુત્વાકક્ષણ બળના કારણે વધારે ઝડપથી ત્રાટકે છે.

Previous articleપેપર લીક કૌભાંડઃ દિલ્હી ગેંગના વધુ ૨ વ્યક્તિની ધરપકડ
Next articleવિજય માલ્યાના પ્રત્યાર્પણને અંતે લંડન કોર્ટે લીલી ઝંડી આપી દીધી