ગુલાબ વાવાઝોડાની અસરથી આવેલા વરસાદે ભાવનગર જિલ્લામાં ખેડૂતોના ઉભા પાકનો સોથ વાળી દીધો

504

તૈયાર થવા આવેલા પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુ
કપાસ, શેરડી, જુવાર જેવા પાકો ખેતરમાં ઢળી પડતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

ચાલુ વર્ષે ચોમાસુ ભાદરવો પૂરો થવા આવ્યો છતાં જોર બતાવી રહ્યું છે. ત્યારે ઓરિસ્સાના કાંઠે ટકરાયેલા ગુલાબ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં વર્તાઈ રહી છે. ભાવનગર જિલ્લાઓના ઉમરાળા, મહુવા, ઘોઘા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર, તળાજા, જેસર તથા સિહોર સહિતના તાલુકાઓમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.
મંગળવારે રાતે ભાવનગર જિલ્લાઓના પંથકમાં શરૂ થયેલા અનરાધાર વરસાદને પગલે ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. તૈયાર થવા આવેલા પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની મહેનત પર પણ જાણે પાણી ફરી વળ્યું છે. જેમાં વલ્લભીપુરમાં ખેડૂતોના ઉભા પાક નુકસાન થયું છે.

વલ્લભીપુર તાલુકાના નશીતપર ગામે ઓણ સાલ વરસાદી આફત વરસી છે. છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદ અને વરાપના અભાવે કપાસ, શેરડી, જુવાર જેવા પાકો ખેતરમાં ઢળી પડ્યા છે. અધૂરામાં પૂરું મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ અત્યારે સુધી સતત ચાલુ રહેતા પાક નિષ્ફળ થઈ ગયો હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. હજુ બે-ત્રણ દિવસ હળવા ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે વલ્લભીપુર પંથકના ખેડૂતો મેઘરાજાને ખમૈયા કરવાની વિનવણી કરી રહ્યા છે. હાથમાં આવેલો કોળિયો ઝુંટવાઈ જવાના ભય સાથે ખેડૂતો હવે સરકાર તરફ પણ સહાયની આશાએ જોઈ રહ્યા છે. નશીતપરના ખેડૂત હીરાલાલ રાઠોડે જણાવ્યું હતું કે, જે અચાનક જ આવેલા વાવાઝોડાને કારણે અમારા પાકને નુકશાન થયું છે. આ વરસાદ અને વાવાઝોડાને કારણે કપાસના પાકને ભારે નુકસાન થયું છે, સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરાવી સહાય આપે તેવી માંગ કરીએ છીએ. ખેડૂત ઘનશ્યામભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, આ કુદરતી આફત જે આવી છે જે એક જ રાતમાં વાવાઝોડા અને વરસાદે આખા ખેતરોના ઉભા પાકને નુકસાન થયું છે. તેમાં અમારો કપાસ અને શેરડીનો પાક નિષ્ફળ ગયો છે અને વહેલી તકે સરકાર અમને સહાય કરે તેવી વિનંતી. ખેડૂત અશોકભાઈએ જણાવ્યું હતું કે, આવેલા વાવાઝોડાને કારણે અમે જે 9 મહિનાથી શેરડીના પાકમાં મહેનત કરતા હતા તે ભાંગી ગઈ છે. હવે તેમાં કશું ઉપજે તેમ નથી, કપાસ પણ આડો પડી ગયો છે અને જે ઝીંડવાએ કાળા પડી ગયા છે.

Previous articleરાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી
Next articleભાવનગરના ભંડારીયા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા એક જ પરીવારના પાંચ સભ્યોનું ગારીયાધાર પોલીસે રેસ્ક્યુ કર્યુ