રાજ્યભરમાં આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે, કચ્છમાં બે દિવસ યલો એલર્ટ

99

ગુજરાતમાં માવઠાની અસર ઓછી થતાં જ હવે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નલિયા ૬.૯ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું હતું જ્યારે ભૂજ-રાજકોટ-કંડલામાં પણ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. કાતિલ ઠંડીને પગલે હવામાન વિભાગ દ્વારા કચ્છમાં આગામી બે દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી છે.
શહેર તાપમાન નલિયા ૬.૯,ભૂજ ૧૦.૮,કંડલા ૧૧.૬,રાજકોટ ૧૧.૭,ડીસા ૧૨.૨,પાટણ ૧૨.૨,જુનાગઢ ૧૩.૬, અમરેલી ૧૩.૬, પોરબંદર ૧૩.૯ ,ભાવનગર ૧૫.૬ ,અમદાવાદ ૧૫.૯ ,વડોદરા ૧૮ ,સુરત ૧૮.૯
રાજ્યમાં અનેક સ્થળે આગામી ૩ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતાં ઠંડીનું મોજું ફરી વળશે.
વેસ્ટર્ન ડિર્સ્‌ટબર્ન્સન પગલે ગુજરાતના ૧૬ તાલુકામાં માવઠું પડયું હતું. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ ૧.૫૦ ઈંચ, ભાણવડ-પોરબંદરમાં ૧ ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદરના રાણાવાવ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર જામનગરના લાલપુર-જામજોધપુર-કાલાવડ, ભરૃચના નેત્રંગ, તાપીના કુકરમુંડા, બનાસકાંઠાના થરાદ, કચ્છના મુન્દ્રા-માંડવી, પોરબંદરના કુતિયાણા, નર્મદાના ગરૃડેશ્વરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૩ દિવસ દરમિયાન વિશેષ કરીને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર રહી હતી. પરંતુ હવે રાહતની વાત એ છે કે, રાજ્યમાં હવે માવઠાની કોઇ સંભાવના નથી.હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી ૩ દિવસ દરમિયાન તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો ઘટાડો થશે. આ પછીના બે દિવસ દરમિયાન તાપમાન ૩ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં રાહત અનુભવાશે. આમ, હાલની સ્થિતિએ ઉત્તરાયણના પર્વ વખતે વધારે ઠંડીની સંભાવના નહિવત્‌ છે. ગત રાત્રિએ નલિયામાં ૬.૯ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ નલિયામાં પાંચ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે.
અમદાવાદમાં ૨૪.૮ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો ઘટાડો જ્યારે ૧૫.૯ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન પણ ઠંડા પવનથી શહેરીજનો ઠુંઠવાયા હતા. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૩ દિવસ ૧૨ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહેતાં કાતિલ ઠંડી અનુભવાશે. અમદાવાદમાં છેલ્લા સતત ૬ વર્ષથી જાન્યુઆરીમાં કમસેકમ એકવાર લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગયો છે.

Previous articleગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે વાર્ષિકોત્સવ યોજાયો
Next articleધોળકા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં પાંચના મોત