બજેટ ૨૦૨૨માં સેક્શન ૮૦સી હેઠળ ડિડક્શન લિમિટ વધવાના સંકેત

74

ફેબ્રુઆરીમાં કેન્દ્રીય બજેટ કરદાતાઓ માટે કેટલિક રાહતો લાવશે : ૨૦૧૪-૧૫માં ૮૦સી હેઠળની મુક્તિ મર્યાદા વધારીને રૂ. ૧.૫ લાખ કરવામાં આવ્યા બાદ છેલ્લા સાત વર્ષથી આ લિમિટ વધી નથી
નવી દિલ્હી,તા.૧૮
ભારતીય કરદાતાઓ ઇન્કમ ટેક્સ બચાવવા માટે સેક્શન ૮૦સીનો સારો એવો ઉપયોગ કરે છે. પરંતુ મોંઘવારી વધવાની સાથે આ સેક્શન હેઠળ મળતા ડિડક્શન લાભો બહુ નાના જણાય છે.
આ વખતના બજેટ ૨૦૨૨માં સેક્શન ૮૦સી હેઠળ ડિડક્શન લિમિટ વધે તેવી શક્યતા છે. એફવાય૨૦૧૩-૧૪ સુધી આવકવેરા ધારાના સેક્શન ૮૦સી હેઠળ વધુમાં વધુ એક લાખ રૂપિયાના ડિડક્શનનો લાભ મળતો હતો. ત્યાર પછી એફવાય૨૦૧૪-૧૫માં તે વધારીને રૂ. ૧.૫ લાખ કરવામાં આવ્યો. છેલ્લા સાત વર્ષથી આ લિમિટ વધી નથી. બીજી તરફ લોકોનો પગાર વધ્યો છે અને ઘણા ખર્ચ પણ વધ્યા છે. તેથી સેક્શન ૮૦સી હેઠળ ડિડક્શન મર્યાદા વધવી જોઈએ તેવી માંગણી છે. દર વર્ષે કરદાતાઓ સેક્શન ૮૦સી હેઠળના લાભો વધારવા માંગણી કરતા હોય છે. ટેક્સ નિષ્ણાતો જણાવે છે કે કોવિડના કારણે વધેલા ખર્ચ અને ફુગાવાને ધ્યાનમાં રાખીને બડેટ ૨૦૨૨માં સેક્શન ૮૦સી હેઠળ ઓછામાં ઓછા રૂ. ૨.૫ લાખના ડિડક્શનનો લાભ મળવો જોઈએ. તેનાથી કરદાતા પર ટેક્સ બોજ ઘટવાની સાથે સરકારને પણ ફાયદો થશે. સેક્શન ૮૦સીનો લાભ માત્ર વ્યક્તિગત કરદાતા અને હિંદુ વિભક્ત કુટુંબ (એચયુએફ)ને મળે છે. રોકાણકારે ટેક્સ બચાવતા વિવિધ સાધનોમાં રોકાણ કરીને રૂ. ૧.૫ લાખ સુધીના રોકાણ માટે ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકે છે. સેક્શન ૮૦સી હેઠળ નીચેના સાધનોમાં રોકાણ કરમુક્ત ગણાય છેઃ લાઈફ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ, પીપીએફમાં કરેલું યોગદાન (રોકાણ), ઈપીએફ અને વીપીએફમાં રોકાણ, હાઉસિંગ લોનની પ્રિન્સિપાલ રકમ, મકાન ખરીદી માટે ચુકવાયેલ સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જ, ઈએલએસએસ અથવા ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, બાળકોની ટ્યુશન ફી, ૫ વર્ષની ટેક્સ સેવિંગ બેન્ક અથવા પોસ્ટ ફિક્સ ડિપોઝિટ, સિનિયર સિટિજન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ
વ્યક્તિની કુલ આવકમાંથી ૮૦સી હેઠળ કરેલા રોકાણની રકમ બાદ કરીને કરપાત્ર આવક નક્કી કરવામાં આવે છે. તેથી સેક્શન ૮૦સીની લિમિટમાં વધારો કે ઘટાડો થાય તો વ્યક્તિના ટેક્સ બોજ પર અસર પડે છે. સેક્શન ૮૦સીની લિમિટ વધે તો એકથી વધારે ફાયદા થઈ શકેઃ વ્યક્તિગત કરદાતા માટેઃતેનો વ્યક્તિગત ટેક્સ બોજ ઘટશે – તે પોતાની નિવૃત્તિ, બાળકોના શિક્ષણ, લગ્ન વગેરે નાણાકીય લક્ષ્યો માટે વધુ બચત કરી શકશે. ઘરની ખરીદીને ઉત્તેજન મળે, વ્યક્તિગત કરદાતાને સુરક્ષાની ભાવના મળશે સરકાર માટેઃ તેનાથી ઘરગથ્થુ બચતને ઉત્તેજન મળશે અને ફુગાવો નિયંત્રણમાં રહેશે, તે લાંબા ગાળાના ફંડને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સેક્ટરમાં ચેનલાઈઝ કરવામાં મદદ કરે. સરકારને નીચા ખર્ચે ભંડોળ મળી રહે છે,તે હાઉસિંગ જેવા ઉદ્યોગને ઉત્તેજન આપે છે જે રોજગારી પેદા કરવામાં સૌથી મહત્ત્વના ઉદ્યોગ પૈકી એક છે.તેનાથી બાળકીના શિક્ષણ, લગ્ન વગેરે સામાજિક લક્ષ્યો સિદ્ધ કરવામાં મદદરૂપ છે. ઉપર જણાવ્યું તેમ ૮૦સી હેઠળ રૂ. ૧.૫૦ લાખની ડિડક્શન લિમિટ છેક ૨૦૧૪-૧૫માં નક્કી થઈ હતી. ત્યાર બાદ જીવન ખર્ચમાં ઘણો વધારો થયો છે. તેથી આગામી બજેટમાં આ લિમિટ રૂ. ૧.૫ લાખથી વધારીને રૂ. ૨.૫ લાખ કરવી જોઈએ.