કોરોના કાળમાં પણ ભારતે પડકારોનો સામનો કર્યો

84

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અભિભાષણ : ૬૪ હજાર કરોડ રૂપિયાના ખર્ચે આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે : રાષ્ટ્રપતિ કોવિંદ
નવી દિલ્હી, તા.૩૧
આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. વર્ષનું આ પહેલું સત્ર છે માટે પરંપરાગત રીતે તેની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે થઈ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ નાણા મંત્રી નિર્મલા સીતારામણ આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના વીરોને નમન કરીને પોતાના અભિભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, ’હું દેશના એ લાખો સ્વાધીનતા સેનાનીઓને નમન કરૂં છું જેમણે પોતાના કર્તવ્યોને સર્વોચ્ય પ્રાથમિકતા આપી અને ભારતને તેના અધિકાર અપાવ્યા. આઝાદીના આ ૭૫ વર્ષોમાં દેશની વિકાસ યાત્રામાં પોતાનું યોગદાન આપનારા તમામ મહાનુભવોનું પણ હું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરૂં છું.’ રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, ’કોરોનાએ મુશ્કેલીઓ વધારી પરંતુ ભારત આજે સૌથી વધારે વેક્સિનેશન ધરાવતો દેશ છે. કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ અને યુવાનોને પણ રસી અપાઈ રહી છે. સરકાર ભવિષ્યની તૈયારીઓમાં લાગી છે માટે ૬૪ હજાર કરોડ રૂપિયાના ખર્ચે આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. ૮ હજાર કરતાં પણ વધારે જન ઔષધિ કેન્દ્ર છે જેના દ્વારા સસ્તી દવાઓ મળે છે. સરકારના પ્રયત્નોના કારણે આયુર્વેદને પ્રોત્સાહન મળ્યું છે.’
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, બાબા સાહેબે કહ્યું હતું કે, એવો સમાજ મારો આદર્શ હશે જે સ્વાધીનતા, ભાઈચારા પર આધારીત હોય. સરકાર બાબા સાહેબના શબ્દોને ધ્યેય વાક્ય માને છે. પદ્મ પુરસ્કારોની જે યાદી આવી તેમાં આ દેખાઈ શકે છે. સરકાર ગરીબોની ગરિમા વધારવાનું કામ કરે છે. ગરીબોને ૨ કરોડ કરતાં પણ વધારે પાકા મકાનો મળ્યા છે. આવાસ યોજના અંતર્ગત ૧ કરોડ કરતાં વધારે ઘરો સ્વીકૃત કરવામાં આવ્યા છે. પીવાના પાણીની વ્યવસ્થા થઈ તેના કારણે મહિલાઓને રાહત મળી. સ્વામીત્વ યોજનાના કારણે ઘરના કાગળ (પ્રોપર્ટી કાર્ડ) મળ્યા જેથી વિવાદ ઘટ્યો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ખેડૂતો પાસેથી પણ રેકોર્ડ ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોની આવક માટે નવા માધ્યમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કૃષિ સાથે સંકળાયેલી નિકાસમાં રેકોર્ડ વધારો થયો છે. કિસાન રેલના કારણે ખેડૂતોને ફાયદો થયો છે. કોરોના કાળમાં ૧૯૦૦ કરતાં પણ વધારે કિસાન રેલ ચાલી. તેનાથી સાબિત થાય છે કે, વિચારો નવા હોય તો જૂના સંસાધનો પણ કામ આવી શકે છે. નાના કિસાનો (કુલના ૮૦ ટકા)ના હિતોને સરકારે પ્રમુખ રાખ્યા છે. સરકાર ઓર્ગેનિક ખેતી જેવા પ્રયોગો પણ કરી રહી છે. સરકાર વરસાદી પાણી બચાવવા પણ પગલા ભરી રહી છે. અટલ ભૂ જલ યોજનાના કારણે ૬૪ લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા વિકસિત કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણ તરફ સરકારનું ખાસ ધ્યાન છે. યુવતીના લગ્નની ઉંમર યુવકને સમાન હશે. હવે સૈનિક શાળાઓમાં પણ યુવતીઓનું નામાંકન થાય છે. ત્રણ તલાકને ખતમ કરવામાં આવ્યા. સરકારે ત્રણ તલાકને કાયદેસર અપરાધ ઘોષિત કરીને સમાજને આ કુપ્રથામાંથી મુક્ત કરવાની શરૂઆત કરી છે. મુસ્લિમ મહિલાઓ પરના ફક્ત મેહરમ સાથે હજ યાત્રા કરવા જેવા પ્રતિબંધો પણ હટાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભારતમાં ઈન્ટરનેટની કિંમત સૌથી ઓછી છે અને ૫જી પર ઝડપથી કામ ચાલુ છે. ભારતમાં સ્ટાર્ટઅપ ઝડપથી વધી રહ્યા છે જેથી દેશમાં રોજગારી વધશે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ૬૩૦ બિલિયન ડોલર છે. ભારતમાં વિદેશી રોકાણ ઝડપથી વધી રહ્યા છે. નિકાસ પણ ઝડપથી વધી રહી છે. સરકારના નિરંતર પ્રયત્નોના કારણે ભારત ફરી એક વખત વિશ્વના સર્વાધિક ઝડપથી વિકસિત થઈ રહેલા અર્થતંત્રોમાંથી એક બન્યું છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ૭ મહિનામાં ૪૮ બિલિયન ડોલરનું વિદેશી રોકાણ આવે તે એ વાતનું પ્રમાણ છે કે આંતરરાષ્ટ્રીય રોકાણકારો ભારતના વિકાસ અંગે આશ્વસ્ત છે. કોરોના કાળમાં સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે ૩ લાખ કરોડની કોલેટ્રલ ફ્રી લોનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ગેરન્ટીને બાદમાં ૪ લાખ કરોડ કરવામાં આવી છે. આ કારણે નાના ઉદ્યોગોને આગળ વધવામાં મદદ મળી રહી છે. ખાદીની સફળતા સૌને દેખાઈ રહી છે. સરકારના પ્રયત્નોના કારણે ૨૦૧૪ની સરખામણીએ દેશમાં ખાદીનું વેચાણ ૩ ગણું વધ્યું છે.
તે સિવાય રાષ્ટ્રપતિએ નેશનલ હાઈવેની લંબાઈમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ગ્રીન કોરિડોર બનાવાઈ રહી છે, સંરક્ષણ ક્ષેત્રે મેક ઈન ઈન્ડિયા પર વિશેષ ધ્યાન વગેરે મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે સરકાર નોર્થ ઈસ્ટ પર વધારે ધ્યાન આપી રહી છે અને જમ્મુ કાશ્મીરના લોકોને રોજગારીના અવસરો આપવામાં આવી રહ્યા છે તેવી માહિતી પણ આપી હતી.
રાષ્ટ્રપતિના અભિભાષણની સમાપ્તિ સાથે જ આજથી બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. રાષ્ટ્રપતિએ સંસદના કેન્દ્રીય કક્ષમાં બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી અને હવે બંને સદનોની કાર્યવાહી અલગ-અલગ શરૂ થશે. બજેટ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને વડાપ્રધાને તમામ સાંસદોનું બજેટ સત્રમાં સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, તમામ સાંસદો, પક્ષો ઉત્તમ મનથી બજેટ સત્રમાં ચર્ચા કરે. બજેટ સત્ર પર ચૂંટણીની અસર ન પડવી જોઈએ. આજની વૈશ્વિક સ્થિતિમાં ભારત માટે ઘણાં બધા અવસરો છે. આ સત્ર દેશની આર્થિક પ્રગતિ, વેક્સિનેશન કાર્યક્રમ, મેડ ઈન ઈન્ડિયા વેક્સિન અંગે દુનિયામાં એક વિશ્વાસ સર્જે છે. ચૂંટણીના કારણે સત્ર અને ચર્ચા વારંવાર પ્રભાવિત થાય છે. આ બજેટ સત્ર સમગ્ર સત્રની બ્લુપ્રિન્ટ દોરે છે માટે આ સત્રને ફળદાયી બનાવો. સારા ઉદ્દેશ્યથી ચર્ચા થાય.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૦૯૯૧૮ નવા કેસ
Next articleસેન્સેક્સમાં ૮૧૩, નિફ્ટીમાં ૨૩૭ પોઈન્ટનો ઊછાળો