દિલ્હી-NCR માં વરસાદ સાથે કરા પડતા ઠંડીમાં વધારો

79

પશ્ચિમી હિમાલયી ક્ષેત્રો અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્રોના મોટા ભાગના વિસ્તારોમાં ૧૦ ફેબ્રુઆરીએ વરસાદની શક્યતા
નવી દિલ્હી, તા.૯
ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ૮ ફેબ્રુઆરીની મોડી રાતથી વરસાદ થઈ રહ્યો છે. ગત રાત્રિથી વરસી રહેલા હળવા વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આજે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી લઈને ગાજવીજ સાથેના વરસાદની શક્યતા દર્શાવી છે અને પવનની ગતિ વધવાનું પણ અનુમાન છે. આઈએમડીના અહેવાલ પ્રમાણે દિલ્હીમાં ૨૦થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે પશ્ચિમી હિમાલયી ક્ષેત્રો અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્રોના મોટા ભાગના વિસ્તારોમાં ૯ અને ૧૦ ફેબ્રુઆરીના રોજ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આઈએમડીના અહેવાલ પ્રમાણે ઉત્તરી પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોભના કારણે ચક્રવાતીય દબાણ દરિયાની સપાટીથી ૩.૧ કિમી ઉપર સુધી ઉઠ્‌યું છે માટે ઉત્તર ભારતમાં વરસાદનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ૯ અને ૧૦ ફેબ્રુઆરીના રોજ સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદ પડશે. આશરે ૧૫ જેટલા રાજ્યો વરસાદથી પ્રભાવિત થશે. ૯ ફેબ્રુઆરીના રોજ પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે. જ્યારે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ, ઉત્તરી ઓડીશામાં ૯ અને ૧૦ ફેબ્રુઆરીના રોજ વરસાદનું અનુમાન છે. પશ્ચિમી વિક્ષોભનું સાઈક્લોન સરક્યુલેશન પાકિસ્તાનની સાથે સાથે પશ્ચિમી રાજસ્થાનની ઉપર પહોંચી ગયું છે. આ કારણે ઉત્તર ભારતનો મોટા ભાગનો હિસ્સો પ્રભાવિત થઈ રહ્યો છે. આ બધા વચ્ચે શ્રીનગરને છોડીને જમ્મુ કાશ્મીરના મોટા ભાગના ક્ષેત્રોમાં સોમવારે બરફવર્ષા થઈ. ગુલમર્ગ, કુપવાડા અને પહલગામમાં હિમવર્ષાના કારણે પર્યટકોમાં આનંદ પ્રસર્યો છે. આ વિસ્તારોમાં ૯ ફેબ્રુઆરીના રોજ પણ બરફવર્ષા થવાની શક્યતા છે. આઈએમડીના અહેવાલ પ્રમાણે હિમાચલ અને ઉત્તરાખંડના ઉંચાણવાળા વિસ્તારોમાં ૯ અને ૧૦ ફેબ્રુઆરીના રોજ બરફવર્ષાનું અનુમાન છે. તે સિવાય ૯ ફેબ્રુઆરીના રોજ પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનના વ્યાપક ક્ષેત્રોમાં વરસાદ, ગાજવીજ, વીજળી પડવાની આશંકા છે. જ્યારે ૯ ફેબ્રુઆરીના રોજ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કરા પડી શકે છે. આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને આ સાથે જ શીતલહેરનો પ્રકોપ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકોરોનાથી બચવા વયસ્ક લોકોને નાકમાં નાખવાનું સ્પ્રે લોન્ચ થયું