ભાવનગરના મામસા ગામે નેપાળી યુવાનની અજાણ્યા શખ્સોએ લોખંડના સળિયાના ઘા ઝીંકી હત્યા કરી

158

યુવાન ફાઇન ઈમ્પ્રેક્ષ કંપનીમાં ચોકીદાર તરીકે નોકરી કરતો હતો
ભાવનગર જિલ્લાના મામસા ગામે નેપાળી યુવાનની હત્યા કરવામાં આવી છે. મામસા સ્થિત ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલા ફાઇન ઈમ્પ્રેક્ષ કંપનીમાં ગત મોડી રાત્રે ચોકીદાર તરીકે કામ કરતો નેપાળી યુવાનની અજાણ્યા શખ્સોએ લોખંડના સળિયાના ઘા ઝીંકી હત્યા કરી હતી. જે બાદ આરોપીઓ નાસી છૂટતાં પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર બનાવ અંગે સર ટી હોસ્પિટલ પોલીસ ચોકીએથી મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મામસા ગામે જીઆઈડીસી એરીયા આવેલો છે. આ ઔદ્યોગિક એકમમાં આવેલી ફાઇન ઈમ્પ્રેક્ષ કંપનીમાં મૂળ નેપાળના વતની ઓમકુમાર બહાદુર જેથરી ઉ.વ.32 સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ નેપાળી યુવાન રાત્રે ફેક્ટરીના મકાનમાં તેના ઘરે સૂતો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ઓમકુમાર પર લોંખડના સળિયા વડે હુમલો કરી હથિયારોના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી. જે બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતાં. વહેલી સવારે ફેક્ટરીના કર્મચારીઓ એ આ અંગે ફેકટરી માલિક તથા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબ્જો લઈ પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડી હતી. તેમજ અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleભાવનગરમાં શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટે સોનીની હવેલી-મંદિરનો 10મો પાટોત્સવની ઉજવણી કરી
Next article‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ જેવી બોધ વાર્તાના વાંચન માટે ભાવનગર શિશુવિહાર સંસ્થા ખાતે કૌશલ્ય તાલીમ કેન્દ્ર શરૂ કરાયું