ઝગમગતા દીવડા :-વર્ષા જાની (ભાગ-૪)

134

જીવનના સંસાર રૂપી રથનાં બે સમાન પૈડાં એટલે પતિપત્ની. કુદરતે આ સગપણનું ખૂબ નિરાળું સર્જન કર્યું છે. ઋણાનુબંધ સિવાય કોઈ એકબીજાને મળતા હોતા નથી. મારે આજે એક એવા પ્રેમી યુગલની વાત કરવી છે. જે બન્ને વ્યક્તિઓને પોતાના અભ્યાસકાળ દરમિયાનથી જ ગાઢ મિત્રતાથી જોડાઈ ગયેલાં . એ મિત્રતામાંથી ગાઢ પ્રેમનાં પગરણમાં ક્યારે પરિવર્તન પામી જાય, એક બીજાની સાથે જીવન જીવવાના વચન આપી દે.એ પણ ખબર જ ન પડી!અને પછી બન્ને કુટુંબની સંમતિથી એ પ્રેમ પરિણયમાં પરિણમે. અને ખુશખુશાલ જિંદગી વહેતી હોય.એવા ઈવા અને આલય,પોતાની દુનિયામાં અલમસ્ત રહેનારા. બન્નેને મન અંતરમાં એવી ટાઢક વળતી કે દુનિયામાં પોતાના જેટલું કોઈ સુખી નથી!
એટલું જ નહીં પણ જયારે પોતાને ત્યાં પુત્રરત્નનો જન્મ થાય ત્યારે એ સુખ બેવડાતું હોય છે! વિચાર કરો કેટલી આનંદની ક્ષણો બની જતી હોય છે!. ધીમે ધીમે ઈવા, આલયનો રાજકુંવર દિવસે ન વધે એટલો રાતે વધે ને રાતે ન વધે એટલો દિવસે વધવા લાગ્યો ! દાદા દાદી એ પૌત્રને રમાડતાં ઓતપ્રોત બનીને ધન્ય ક્ષણો વિતાવતા આનંદ વિભોર બની જતાં!
પણ કોણ જાણે આ કુટુંબનાં ખુશખુશાલ જીવનને કોઈની કાળી નજર લાગી ગઈ!એક દિવસ ઈવાને પેડુનાં ભાગમાં થોડો દુઃખાવો થવા લાગ્યો. અને
દરરોજ થોડો થોડો તાવ પણ રહેતો.
ઈવાને લઈને આલય અને માતા પિતા ગાયનેકોલોજિસ્ટને બતાવવા ગયાં, લેપ્રોસ્કોપી કરી,ગાંઠ હોવાનું દેખાયું.એની બાયોપ્સી કરવામાં આવી. તો એમાં કેન્સર હોવાનું નિદાન થયું. ઈવા એકદમ ધ્રુજી ગઈ,આલય પણ..! પણ આલયે પોતાની જાતને એકદમ સંભાળી, મક્કમ બની જઈ ઈવાને આશ્વાસન આપ્યું. ઘરનાં સ્વજનો પર પણ જાણે આભ તૂટી પડ્યું. ત્રણ ચાર મહિનાના નાનકડાં આર્ષને ખોળામાં લઈ ઈવા નીતરતી આંખે પોતાનું સમગ્ર માતૃત્વ ઠાલવી દેતી.
ગાંઠ ઘણી મોટી હતી એટલે ડોક્ટર ની સલાહ મુજબ પહેલા પાંચ કીમોથેરાપીના ડોઝ આપવામાં આવ્યાં, ત્યારબાદ ઓપરેશન થયું અને પછી ફરીવાર કીમોથેરાપીની વળી પાછી ત્રણ સાયકલ આપવામાં આવી હતી.બધી જ સારવાર ખૂબ સરસ રીતે શરૂ કરી દેવામાં આવી,આલયના માતાપિતાને માટે હવે ઈવા પુત્રવધૂ નહીં પણ એક વ્હાલસોઈ દીકરી જ બની ગઈ! પૌત્ર અને પુત્રથી પણ વધૂ એવી ઈવાને સાચવવાની બેવડી જવાબદારી આલયના માતાપિતાએ નિભાવવી શરૂ કરી.
ઈવાના માતાપિતા સતત જીવ બાળતા. એ બન્ને પણ બની શકે એટલી દીકરીની સહાયમાં અને સેવામાં જોડાયા.
પછી તો ઈવાની મમ્મી પણ સતત ઈવાની સાથે ને સાથે જ રહેવા લાગ્યાં.
આમ સાસુ અને મા એમ બબ્બે માતાઓની હૂંફ સતત ઈવા અને આર્ષને મળતી રહેતી.
બધી જ સારવાર ડોક્ટરની સલાહ અને સ્વજનોની હૂંફથી ખૂબ સરસ રીતે પાર ઊતરી ગઈ.સતત એક વર્ષની ટ્રીટમેન્ટ પછી ઈવા પણ એકદમ સાજીથઈ ગઈ.ઘરમાં ખુશાલી ભર્યું વાતાવરણ ઊભરવા માંડ્યું. બધા જ રાજી રાજી!
પણ…પણ આ રાજીપો દોઢ વર્ષ થી વધારે ન ટકી શક્યો!રૂટિન ચેક અપ દરમિયાન વળી પાછી ઇવાનાં પેડુનાં ભાગમાં ફરીથી ગાંઠ જેવું લાગ્યું એટલે રિપોર્ટ કરવામાં આવ્યો. પેટસ્કેનનાં રિપોર્ટમાં વળી પાછી સોપારી જેટલી ગાંઠ દેખાઈ!
– વર્ષા જાની.

Previous articleરોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં બનાવેલો ટી ૨૦ રેકોર્ડ તૂટ્યો, શ્રીલંકન બેટ્‌સમેને વિક્રમ પોતાને નામે કર્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે