માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલાં ભાવનગરના પોલીસ કર્મીઓના ઘરે જઈને શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવતાં મંત્રી કિરીટસિંહ રાણા

102

તાજેતરમાં ઘરફોડ ચોરીની તપાસ અર્થે દિલ્હીથી આરોપીને લઇને ભાવનગર આવી રહેલાં ભાવનગર પોલીસના ૪ પોલીસ કર્મીઓને જયપુર પાસે માર્ગ અકસ્માત નડ્યો હતો.જેમાં તેઓના આકસ્મિક મૃત્યુ થયાં હતાં.આ પોલીસ કર્મીઓ દિવંગત સર્વ શ્રી ભીખુભાઈ બુકેરા, ઇરફાનભાઇ આગવાન અને શક્તિભાઈ ગોહિલના વિદ્યાનગર, ચિત્રા અને હાદાનગર ખાતે આવેલા નિવાસસ્થાને જઈને વન અને પર્યાવરણ મંત્રીશ્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ વિપતની આ ઘડીમાં તેમના પરિવારજનોને મળીને શોકસંતપ્ત પરિવારજનોને દિલાસો અને સાંત્વના પાઠવી હતી. તેમની આ મુલાકાતમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે પણ જોડાયાં હતાં અને વિશેષરૂપે તેમના પરિવારની મહિલાઓને આ મુશ્કેલ સમયમાં હિંમત રાખવાં હિંમત આપી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પ્રથમ વખત આ રીતે અકસ્માતને ભેટેલા પોલીસ કર્મીઓના મૃતદેહ ઝડપથી તેમના પરિવારને મળે તે માટે મુખ્યમંત્રીશ્રીએ ખાસ વિમાનની વ્યવસ્થા કરીને રૂ.૨૨ લાખનો ખર્ચ પણ રાજ્ય સરકાર દ્વારા ભોગવવાની જાહેરાત કરી હતી. તદુપરાંત મુખ્યમંત્રીશ્રીએ દિવંગત પોલીસ તંત્રના જવાનોને રૂ. ૪ લાખની મદદની પણ જાહેરાત કરી હતી.

મંત્રીએ જણાવ્યું કે, કેટલાક સંજોગો આપણાં હાથમાં હોતા નથી, પરંતુ એક પરિવાર તરીકે આપણે તેમને જરૂરી મદદ- સહાય ચોક્કસ કરી શકીએ છીએ. મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર આપની સાથે છે.રાજ્ય સરકાર માનવીય અભિગમથી આ પરિવારોની સાથે રહી છે અને દેવંગત આત્માને શાંતિ મળે અને વિપતની આ ઘડીમાં તેમણે દુઃખ સહન કરવાની શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા આપે તે માટે પણ પ્રભારી મંત્રીએ પ્રાર્થના કરી હતી. પોલીસ કર્મીઓના પરિવારજનોને દિલાસો અને સાંત્વના પાઠવવા માટે ભાવનગરના કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, શહેર ભા.જ.પા. પ્રમુખશ્રી રાજીવભાઇ પંડ્યા, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, એ.એસ.પી.શ્રી સફીન હસન તથા અગ્રણીઓ પણ જોડાયાં હતાં.

Previous articleમણારની લોકશાળામાં વિદ્યાર્થીઓએ આકાશદર્શન માણ્યું
Next articleરૂપાલી ચાહકો તરફથી મળતા પ્રેમથી ખૂબ જ ખુશ