પરફયુમની વેપારીની પાણીની કમાણી પાણીમાં ગઇ!!!

66

“તું કયું અતર વાપરે છે?” મેં ઓલટાઇમ ગ્રેટ રાજુ રદીને સવાલ પૂછ્યો.
“ ગિરધરભાઇ. કેમ આવો સવાલ પૂછવો પડ્યો.
“રાજુ. આજકાલ શિયાળાની કડકડતી ઠંડી, ઓમિક્રોન-ડેલ્ટા વાયરસ, સેન્સેકસના ઉછાળા/ધટાડા, કોરોના, બુસ્ટર ડોઝ, વૈષ્ણવદેવી ધામમાં મચેલી ભગદડ- કરૂણ મોત કરતાં પણ વધુ અતરની ચર્ચા છે. એટલે મને થયું કે તું કયું અતર વાપરે છે. તે પૂછી લઉં”” મેં સ્પષ્ટતા કરી.
“હું ફોગ વાપરું છું” રાજુએ કહ્યું
“ એટલે તું ધુમ્મસનો અતર તરીકે ઉપયોગ કરે છે??” મેં પૂછયું
“ ગિરધરભાઇ ફોગ એક અતરની બ્રાંડ છે. તેમાં ગેસ ભરેલો હોતો નથી તેવો કંપનીનો દાવો છે. ફોગ એટલે ધુમમ્સ નહીં!! તમે કંઇ બ્રાંડનુ્‌ પરફયુમ વાપરો છો?” રાજુએ મને સવાલ પૂછ્યો.“ રાજુ. અમારા જમાનામાં પરફયુમ એટલે હાલ ફૂસ ફૂસ કરતા સ્પ્રે મળતા નહીં. રંગીન કાચની નાનકડી શીશીમાં અતર આવતા. રૂનો પોલ લઇ એમાં અતર નાંખવાનું. અતરના ફાંસાને કાનમાં ખોસી ઘાલવાનું. એ પણ લગ્ન કે કોઇ પ્રસંગ હોય તો જ. બાકી શંખજીરાવાળા ટેલ્કમ પાવડરના ગાલ પર લપેડા કરવાના. જરૂર પડે તો શર્ટની અંદર છાંટવાનો!” મેં અમારી કહાણી સંભળાવી. “ ગિરધરભાઇ.ઉતરી ઉત્તરપ્રદેશનું કનોજ શહેર ભારતની પરફયુમ કેપિટલ સીટી છે.કાન્યકુબ્જ રાજધરાનાનું ઐતિહાસિક શહેર છે. ઉતર પ્રદેશના ૭૫ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે.કન્નોજ અતર ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિ ધરાવે છે. હજારો વરસથી કનોજ અતરનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો છે.કેટલાક કુટુંબોની ત્રીસમી પેઢી અતરના પૈત્રૃક વ્યવસાયમાં છે.” રાજુએ ઐતિહાસિક તથ્યો રજૂ કર્યા.
“રાજુ. ઇત્ર,અતર,પરફયુમ,સેન્ટ કે સ્પ્રે કેવી રીતે બને?”મેં પૂછયું.
“અતર ફૂલો અને કુદરતી પદાર્થોથી બને છે. અતર બનાવવા માટે કસ્તૂરી, કપૂર અને કેસર તેમજ બીજા સુંગંધી દ્રવ્યોનો ઉપયોગ થાય છે.ઉનાળુ અંતર બનાવવા સફેદ જૂઈના ફૂલ અને વેટીવર છોડનો ઉપયોગ કરવામાં આવે છે.ચોમાસું ઉત્પાદનો માટે મીટી વાપરવાનાં આવે છે.હીના અને કસ્તૂરી શિયાળુ ઉત્પાદન માટે વાપરવામાં આવે છે.કુદરતી અતર કેમિકલ અને દારૂથી મુક્ત હોય છે. ગુલાબના અતરની સુગંધ ચંદનના અતર કરતાં ઓછી રહે છે.અતરની એક બોટલ પંદર દિવસે બને છે.કનોજ થી વીસ કિલોમીટર દૂરથી અતરની મઘમઘતી સુંગધ મગજને તરબતર કરી દે છે!!અતર બનાવવા માટેના પાત્રમાંથી જે બાષ્પ નિષ્પન્ન થાય તે અતર કહેવાય છે.” મેં રાજુને અતર બનાવવાની પ્રક્રિયા કહી.
“ ગિરધરભાઇ. આવા અતરના ધંધાર્થી પર ઇનકમ ટેકસની રેડ પડી. રેઇડનું ટાઇમિંગ પણ અગત્યનું છે. ચૂંટણી ટાણે જ કેમ? સાડા ચાર વરસ કેમ નહીં? ભારતના આટલા રાજ્ય-શહેરના વેપારી શાહુકાર અને જૈન બંધુ ચીનના શાહુકાર?કોને ત્યાં? કયા પક્ષના વેપારી પર રેડ પાડવાની વગેરે બબાલમાં ન પડીએ તો ગાંધીજીનો-સાદગીનો નવો અવતાર જોવા મળ્યો. એક રૂમ-રસોડાના મકાનમાં રહેનાર મહત્વાકાંક્ષી યુવાન તેની સાહસિકવૃતિ મહેનત, લગનથી કેટલાક વરસમાં અધધધ કહી શકાય તેવા ૧૦૦૦ કરોડનો આસામી થાય તો પણ જમીન સાથે જોડાયેલ રહે તે જેવી તેવી બાબત નથી. ૧૫ વરસ જુનું સ્કૂટર, આજુબાજુના ૧૦૦ કિ.મિ. સુધી બસનો ઉપયોગ કરવો વગેરે તેની અનાસક્ત વૃતિના ધૌતક છે.હું છાતી ઠોકીને કહેવા તૈયાર છું કે પેન્ટ-શર્ટ પચીસ વરસ જુના હશે! જુતા તો લગ્નમાં ખરીદ કરેલ હશે તે થાગડથીંગડ કરીને ચલાવતા હશે. આવા ઉદાર ચરિત સાદગીપૂર્ણ વૈભવ કે વૈભવપૂર્ણ સાદગીનો સુભગ સમન્વય ભાગ્યે જ દ્રષ્ટિગોચર થાય છે!!સાદુ જીવન અને અઢળક બિનહિસાબી નાણું સૂત્ર ચરિતાર્થ કર્યુ એવા ઉદારચરિત સંતશ્રી પ્રાતઃસ્મરણીય અને પુણ્યશ્લોક કહેવાય. તેના નિવાસ અને કર્મભૂમિમાં રેડ પાડવા જેવી દુષ્ટ, દુરાચારી , અનાચારી કે પાપાચારી ગોબાચારી કરવી એ વિભૂતિનું અપમાન કહેવાય.આ પ્રકારના જલકમલવત્‌ મહાત્મા પાસેથી ધંધાવ્યવસાય અને આવકવૃધ્ધિના સફળ સિધ્ધાતો સંપ્રાપ્ત કરી એમબીએ કોલેજોમાના સિલેબલ્સમાં આમેજ કરવા જોઇએ અને મહાનુભાવોને કૌભાંડરત્ન અર્પણ કરવો જોઇએ.” રાજુએ સમાપન કર્યું. “ રાજુ. આપણા રાજા કમ કવિ કલાપીએ કાવ્ય પંક્તિમાં સનાતન સત્ય કંડારેલ છે. ‘ જે પોષતું તે મારતું એ કર્મ દાસે કુદરતી’ પાણીમાંથી પરફયુમ બનાવી કમાણી કરી . ઇડી કે સીબીડીટીના દરોડામાં જપ્ત થઇ . ટૂંકમાં પાણીની કમાણી પાણીમા ગઇ!!!.”મેં રાજુને સદ્રષ્ટાંત સમજૂતી આપી.
“હેઅ હેંઅ હેંઅ”રાજુ જૈન બંધુની જેમ હકકોબકકો રહી ગયો.
-ભરત વૈષ્ણવ

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરશિયાએ યુક્રેનમાં સૌથી ખતરનાક વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો