ખાંડા ખખડાવવાના ખાનદાનીઓ શસ્ત્રો ચલાવવા યુક્રેન પહોંચો!!!

62

“ગિરઘરભાઇ. તમને હથિયાર ચલાવતા આવડે?” રાજુએ રશિયાએ યુક્રેનમાં છોડેલ મિસાઇલની જેમ ભૂકકા બોલાવે તેવો સવાલ પૂછ્યો!
“રાજુ. બેટા પહેલીવાર સવાલ ખોટી જગ્યાએ પૂછ્યો છે. “ મેં ટાઢા કલેજે રાજુ રદીને જવાબ આપ્યો.
“કેમ? આવું કેમ કહો છો?” રાજુએ નાટો દળની ઉત્સુકતા જેવો સવાલ કર્યો.
“રાજુ. મારી દશા અને દિશા ધરમાં અને ઘર બહાર યુક્રેન જેવી છે. અમારા ઘરમાં ઉડતી રકાબીની જેમ તવેથા,વેલણ,ચિપિયા,દસ્તો ઉડતા રહે છે. અમારું કામ ડીફેન્સિવ એટલે કે હુમલાથી બચવાનું રહે છે. શાસિત કદી હથિયાર ચલાવી શકે ?? “ મેં રાજુને કાઉન્ટર કવેશ્ચન પૂછ્યો.
“ હેં હેં આવું છે?રાજુએ માથું ખંજવાળતા કહ્યું.
“રાજુ .તારા મનમાં આ સવાલ કેવી રીતે આવ્યો? મેં રાજુને પૂછયું.
“ હથિયાર ચલાવનારની યાદી કીવીમાં મોકલવાની છે!!” રાજુએ મેજર જનરલ જેવા મિજાજથી કહ્યું.
“વેઇટ એ મિનિટ. યાદી કયાં મોકલવાનું કહ્યું. કીવી. બરાબર. ભાઇ કીવી ફળનું નામ છે. ન્યુઝીલેન્ડ કીવી નામથી ઓળખાય છે.હથિયાર ચલાવનારની યાદી કીવ, ઉક્રેન દેશમાં આપવાની છે!!” મેં રાજુની શાબ્દિક ધોલાઈ કરી.
“ ગિરધરભાઇ. આપણે ત્યાં લોકોને રોલો પાડવા, સોટો પાડવા,સિન કરવાની જબરી ખંજવાળ ઊપડતી હોય છે. ક્યાંક ભજન કે લોકડાયરો હોય તો દસ દસ રૂપિયાની નોટો પેટીવાજા, કલાકાર પર શ્રાવણની હેલીની જેમ વરસાવે.ખુદને રિઝર્વ બેંકનો ગવર્નર સમજે. આમ, આડેધડ રૂપિયા તો રિઝર્વ બેંકનો ગવર્નર પણ ઉડાડતો નહીં હોય! હરામ બરાબર ભજનની એક ટૂંકમાં સમજણ પડતી હોય!! ક્યારેક આવા નમૂના લોકડાયરામાં રિવોલ્વર કે ફટાકડી કાઢે. ફટાકડી આકાશ તરફ હવામાં લહેરાવે.પછી હવામાં ફાયર કરે છે.!
કેટલાક નમૂનો માત્ર સ્ટેટસ સિમ્બોલ માટે હથિયાર રાખવાનું લાયસન્સ મેળવે છે. પછી લાયસન્સવાળું હથિયાર બેંકના લોકરમાં રાખે છે. જ્યારે રાતના ત્રણ વાગ્યે કોઇ હુમલો કરે તો હુમલાખોરને કહેવાનું કે પ્લીલીઇઇઝ ટેમપ્લીસ .
હું અડધી કલાકમાં બેંકના કોતરમાંથી મારી ફટાકડી લઇને આવું પછી આપણે ફાઇટીંગ ફાઇટીંગ રમીએ!!
આપણો લોકોને વાતવાતમાં ખાંડા ખખડાવવાની ટેવ હોય છે. જરાક વાંકું પડે કે કટો કે તમંચો કોઇની તરફ તાકીને ધડામ્‌ કરતો ધડાકો કરે છે!! પછી પરીણામની વિચારણા કરતા નથી નર્મદની જેમ ડગલું ભર્યું તે ના હટું તેવી ટાઇપના માણસોને ટંટાફિસાદ કર્યા સિવાય બોલો ખાવાનું પચે જ નહીં!!
ભાઇલોગ સોપારી લઇને કોકનું કામ તમામ કરે તો નજીકના અંતરેથી પોઇન્ટ બ્લેન્કથી માણસનું કામ તમામ કરતા હાથ કાંપતો હોતો નથી. હ્‌દય પણ થડકતું નથી.
લડ કાં લડાઇ દે ,ખાંડા ખખડાવવાના ખાનદાની શોખીનો, હથિયારો ચલાવવાના ચાહકો માટે પહેલીવાર સોનેરી તકનું ભવ્યાતિભવ્ય નિર્માણ થયું છે!!!
વાત એમ છે કે રશિયાને તેના પડોશી દેશ યુક્રેન સાથે વાતવાતમાં વાંકું પડ્યું છે. યુક્રેનના હાડકા ખોખરા કરવા રશિયાએ યુધ્ધનું નાનું છમકલું કર્યું છે!!
યુક્રેનના ડીફેન્સ મિનિસ્ટર ઓલેક્સી રેઝનીકોવે હથિયાર ચલાવતા આવડતું હોય તેમને લડાઈમાં લડવા માટે રકતરંજિત આમંત્રણ આપતી યુદ્ધોત્રી લખી છે!!
ચાલો રણબંકાઓ રણભેરી વાગી છે! તુમુલ શંખનાદ થઇ રહ્યો છે. ખાંડા ખેલવાનો મહાઅવસર તમારા અપ્રતિમ શૌર્યને લલકારી રહ્યો છે.ઇતિહાસ તમારા પર અનિમેષ નજરે મીટ માંડી રહ્યું છે.જોઇ શું રહ્યા છો. જોડાઇ જાવ!!ફતેહ પામો અગર રંભા,મેનકા, ઉર્વશી તમારી પ્રતીક્ષા કરી રહી છે!!!!!
-ભરત વૈષ્ણવ

Previous article૧૦૦ ટેસ્ટ રમવા પર વિરાટનું સ્પેશિયલ કેપ આપી સમ્માન
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે