બિહારની સિવાન-બેતિયામાં ઝેરી દારૂ પિવાથી ૫નાં મોત

54

સીવાન ખાતે ૨ લોકોનાં પરિવારજનોએ તેમના મૃત્યુ બાદ તાત્કાલિક અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા
પટના, તા.૯
બિહારમાં ફરી એક વખત લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. હોળીના તહેવાર પહેલા જ ફરી એક વખત ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુની ઘટના બની છે. બિહારના સીવાન અને બેતિયા જિલ્લામાં ૫ લોકોના શંકાસ્પદ મોત થયા છે. તેમાં સીવાન જિલ્લામાં ૩ લોકોના મોત થયા છે જ્યારે બેતિયા જિલ્લામાં ૨ લોકોના મોત થયા છે. જાણવા મળ્યા મુજબ સીવાન ખાતે ૨ લોકોના પરિવારજનોએ તેના મૃત્યુ બાદ તાત્કાલિક અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. સીવાન ખાતે ૩ મજૂરોના રાતે શંકાસ્પદ સ્થિતિમાં મોત થયા તેનું કારણ સ્પષ્ટ નથી થયું પરંતુ તેમના મોત ઝેરી દારૂના કારણે થયા હોવાનું માનવામાં આવે છે. મૃતકો પૈકીના એક કમલેશ માંઝીની પત્ની ચંપાદેવીએ કેટલાક લોકો પર બળજબરીપૂર્વક ઝેરી દારૂ પીવડાવવાનો આરોપ લગાવ્યો છે. તેના કહેવા પ્રમાણે ગામના કેટલાક લોકો તેના પતિને બળજબરીપૂર્વક ઘરેથી લઈ ગયા હતા. તેમણે રોકવા પ્રયત્ન કર્યો તેમ છતાં બળજબરીથી લઈ ગયા હતા અને દારૂ પીવડાવ્યો હતો. ત્યાર બાદ માંઝી ઘરે પરત આવ્યો ત્યારે જમતી વખતે તેણે તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું અને પેટમાં ભારે દુખાવો થઈ રહ્યો હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ માંઝીને ઉલ્ટીઓ થવા લાગી હતી અને ગામના ડોક્ટર પાસે લઈ જવામાં આવતા તેમણે સ્થિતિની નાજુકતા સમજીને ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યું હતું જ્યાં ડોક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યો હતો. ચંપાદેવીએ પાડોશના કેટલાક લોકો પર દારૂ વેચવાનો પણ આરોપ લગાવ્યો છે. બેતિયા ખાતે પણ સ્થાનિકોએ બંને લોકોના મોત દારૂ પીવાના કારણે થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ અંગે જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

Previous articleએલએસી પર વિવાદ ઉકેલવા માટે ભારત-ચીન ફરી ચર્ચા કરશે
Next articleભાવનગરમાં તળાજાના ઠળિયા ગામે સાંસદના અધ્યક્ષસ્થાને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો