ઓડિટોરિયમના મિનિહોલમાં પ્રોજેકટર ડબ્બો થઈ ગયું, મહાપાલિકાના ઇમેજના આઠ આના

68

છેલ્લા છ મહિનાથી પ્રોજેકટર બંધ, ચીલા ચાલુ કંપનીનું હોવાથી રિપેરીંગ માટે કોઇ હાથ જાલવા તૈયાર નથી
ભાવનગર મહાપાલિકાએ શહેરના સરદારનગરમાં કરોડોના ખર્ચે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ નિર્માણ કર્યું છે. પરંતુ ગેરરીતિ અને કૌભાંડ જ કર્યું હોય એમ ટૂંકા સમયમાં જ ઇલેક્ટ્રિક સાધનો બંધ પડી રહ્યા છે અને બ્રાન્ડેડ કંપની નહિ હોવાથી કોઈ હાથ પકડવા તૈયાર નથી ! મીની હોલમાં તકલાદી પ્રોજેક્ટર ખરીદી પૈસા પુરા ચૂકવાયા પરંતુ ખોટું એ ખોટું એમ પ્રોજેક્ટર ડબ્બો થઈ ગયુ છે જયારે મ્યુ.તંત્ર હોલ ભાડે રાખનારથી આ વિગતો ખાનગી રાખે છે. જેથી છેલ્લી ઘડીએ આયોજકો દોડતા થઈ જાય છે. સરદારનગરમાં કરોડોના ખર્ચે નિર્મિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ શહેરની શાન છે પરંતુ નિર્માણ વેળા બિલ્ડીંગ વિભાગે ગજવા ગરમ કર્યા હોય એમ મિનિહોલમાં પ્રોજેક્ટર થોડા સમયમાં જ બંધ પડી ગયું છે, આ પ્રોજેકટર નામી કંપનીનું નહિ હોવાથી રીપેરીંગ માટે કોઈ ઓટલો ચડવા દેતું નથી. આથી મ્યુ.કર્મચારીઓ અમદાવાદ કાર લઈને ગયા બાદ વીલા મોએ પરત ફરવું પડ્યું હતું. હાલ ઇડીપી ડિપાર્ટમેન્ટને લેખીત આપી પ્રોજેકટરના રીપેરીંગનો રસ્તો કરવા વિભાગે જણાવ્યું છે જે હાલ પ્રોસેસમાં છે. આમ, નબળા સાધનો ખરીદયા તે દગો દઈ રહ્યા છે, બીજી બાજુ વર્તમાન જવાબદારો હોલ ભાડે રાખનારને અંધારામાં રાખે છે જેથી કાર્યક્રમમાં પ્રોજેક્ટર શરૂ કરવાના સમયે જ બંધ હોવાની ખબર પડતાં આયોજકોની ફજેતી થાય છે, આ સામે રોષ વ્યાપ્યો છે. ઓડિટોરિયમના નિયંત્રણ અધિકારી તરીકે સીટી એન્જીનીયર છે ત્યારે સત્વરે ઉકેલ આવે તેવી લોક લાગણી છે.

Previous articleભાવનગરના સિહોર ખાતે ‘કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ’ અંગેની તાલીમ યોજાઈ
Next articleપાલિતાણામાં છ ગાવ યાત્રા દરમિયાન માનવ દર્દી એબ્યુલન્સ તેમજ એનિમલ એબ્યુલન્સ સેવા કાર્યરત રહશે