જૈન તિર્થક્ષેત્ર પાલીતાણામાં દાદા આદિનાથ ભગવાનના ગગનભેદી જયઘોષ સાથે છ ગાઉની યાત્રા યોજાઈ

83

દેશ-વિદેશથી આવેલા જૈન સમુદાયો તથા વિશાળ સંઘોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો
સમગ્ર વિશ્વમાં જૈન સમુદાયના સૌથી મોટા અને બીજા ક્રમના તિર્થક્ષેત્ર એવા પાલીતાણા ખાતે આજરોજ ફાગણસુદ તેરસની પરંપરાગત છ ગાઉની યાત્રા-મેળો યોજાયો હતો. જૈનોમાં આ અવસરને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાલીતાણામાં દૂર દૂરથી જૈનો સહપરિવાર સાથે પહોંચ્યા હતા.

સમગ્ર દેશમાં કોરોનાની વૈશ્વિક મહામારી કાબુમાં આવી જતાં જૈનોના સૌથી મોટા તહેવાર-ઉત્સવ ગણાતાં ફાગણસુદ તેરસની શેત્રુંજય પર્વત યાત્રા આ વર્ષે ઐતિહાસિક બની રહેશે. છેલ્લા બે માસ કરતાં વધુ સમયથી ભાવનગર ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી છ ગાઉની યાત્રા યોજતા સંઘો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી અને મંગળવાર સવારથી જ યાત્રીકોનો અભૂતપૂર્વ પ્રવાહ પાલીતાણા તરફ જતો જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે મોટી સંખ્યામાં સમુદાયો યાત્રામાં જોડાયા હતા. શેત્રુંજય પર્વતના યાત્રા દ્વાર તથા આદપુર ખાતે કે જયાં છ ગાઉની યાત્રાનું સમાપન થાય છે, ત્યાં યાત્રીઓ માટે વ્યવસ્થાના વિશાળ પંડાલો ઉભા કરવામાં આવ્યા છે અને પર્વત પર પણ મેડિકલ ઈમરજન્સીથી લઈને લોકોની પ્રાથમિક જરૂરિયાતને લગતી સવલતો બે દિવસ પૂર્વે જ શરૂ કરવામાં આવી છે. આજે વહેલી સવારે દાદા આદિનાથ ભગવાનના જયઘોષ સાથે જૈનો યાત્રાનો પ્રારંભ થયો હતો. આ ઢેબરાં તેરસ નિમિત્તે ભાવનગર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા માટે જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સ્થાનિક વહીવટી તંત્ર તથા જૈન સમાજની મુખ્ય આણંદજી કલ્યાણજી પેઢીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.

Previous articleપાટીલના જન્મદિવસની અનોખી ઉજવણી
Next articleભાવનગરમાં 12 થી 14વર્ષના બાળકોને રસી આપવાનો પ્રારંભ, બાળકો વેક્સિન લેવા માટે ઉત્સાહથી જોડાયા