ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે હોળી-ધૂળેટી પર્વને લઈ રંગોત્સવ ઉજવાયો

82

વિદ્યાર્થીનીઓ અને અધ્યાપકોએ એકબીજાની સાથે આ પર્વની ઉજવણી કરી
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે આજે વિદ્યાર્થિનીઓ માટે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં અલગ-અલગ તહેવારો કોઈને કોઈ પરંપરા કે ધાર્મિકતા સાથે જોડાયેલ છે. દરેક તહેવાર આપણને કોઈને કોઈ શીખ આપે છે. ત્યારે ધૂળેટી પૂર્વે નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓ અને અધ્યાપકોએ એકબીજાની સાથે આ પર્વની ઉજવણી કરી હતી. આજના સમયમાં આધુનિકતાની સાથે જોડાવું જરૂરી છે. તેની સાથે સાથે આપણી મૂળભૂત સંસ્કૃતિ આજની યુવા પેઢીમાં જીવંત રહે તે પણ જરૂરી છે. તે માટે જ માત્ર ગુલાલથી આ કાર્યક્રમની ઉજવણી કરી હતી. રંગ એ જીવન જીવવા માટે સંદેશો આપે છે. અલગ-અલગ પ્રકારના રંગો જયારે એક થાય ત્યારે એક અલગ પ્રકારનું ચિત્ર બનતું હોય છે. ભારત દેશમાં અલગ અલગ પ્રાંતમાં અલગ પહેરવેશ અને ભાષા બોલાય છે. પરંતુ ભારત રાષ્ટ્રને એક મજબુત અને શક્તિશાળી દેશ બનાવવા પાછળ આવા તહેવારો રહેલા છે. આપણા જીવનમાં રંગોનું મહત્વ ઘણું છે. જો આપણા જીવનમાંથી કોઈ પણ એક રંગ ચાલ્યો જાય તો જીવન બેરંગી બની જાય છે. જીવનમાં રંગોનું મહત્વ સમજાવવા માટે આપણે હોળી-ધૂળેટી મનાવીએ છીએ. નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ગણપતિ ઉત્સવ, નવરાત્રી મહોત્સવ, હરણિયું રોજુ, રક્ષાબંધન, જેવા સામાજિક કાર્યક્રમો કોલેજ ખાતે કરવામાં આવે છે. તેના ભાગ રૂપે રંગોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleવર્ષમાં એક જ દિવસ થતી છ’ગાઉ યાત્રા ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂર્ણ થાય છે..?
Next articleભાવનગર બે દિવસ યલો એલર્ટ : ઉનાળાના આરંભે જ ૩૯.૪ ડિગ્રી સાથે આકરો તાપ