પેપર લીક કાંડ : તપાસનો ધમધમાટ, સાંજ સુધીમાં નવો ઘટસ્ફોટ !

70

ગાંધીનગરથી ખાસ તપાસ ટીમ પાલીતાણા આવશે, એલસીબીએ તપાસનો દૌર હાથમાં લીધો : સાંજ સુધીમાં સસ્પેન્સ પરથી પડદો ઉંચકાશે-કેટલાક શકમંદોને ઉઠાવાયાની ચર્ચા
તાજેતરમાં રાજ્ય ભરમાં લેવાયેલી વન રક્ષક વર્ગ-૩ની કસોટીમાં પરીક્ષા પૂર્વે એક કલાક અગાઉ સોશ્યિલ મિડીયામાં આન્સર-કી ફરતી થઈ હોવાનાં આક્ષેપોને પગલે ફરી એકવાર સમગ્ર મુદ્દો ચર્ચાના એરણે ચડ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે.આ અંગે ગાધીનગરથી એક ટીમ તપાસ માટે આવનાર છે અને સાંજ સુધીમાં સસ્પેન્સ પરથી પડદો ઉચકાઇ જશે તેવુ માનવામાં આવી રહ્યું છે. થોડા સમય પૂર્વે રાજ્યમાં યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું જેનું પગેરું પાલીતાણામાં જ નિકળ્યું હતું ત્યારે ગત તા.૨૭,૩ના રોજ વનરક્ષક વર્ગ-૩ની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની જોરશોરથી ચર્ચા રાજ્યમાં ચલી રહી છે અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહએ દાવો કર્યો છે કે પરીક્ષાના એક કલાક પહેલાં વોટ્‌સએપ પર આન્સર-કી વાઈરલ થઈ ગઈ હતી આજરોજ આ ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે જેમાં પાલીતાણા શહેરમાથી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનું ખુલતાં ફરી એકવાર ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણા શહેરમાં ગારીયાધાર બાયપાસ પર ડાયમંડ ફ્લેટ પાછળ “યુવા એકેડમી” નામે કલાસ ધરાવતા અને પાલીતાણામાં જ ભીલવાસ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશ ચુડાસમા પેપરલીક પ્રકરણે હાલ શંકાના પરીઘમાં આવ્યો છે. આ શખ્સના પત્ની પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે અને પોલીસે શિક્ષક મહેશ ચુડાસમાને પોલીસ મથકે બોલાવી પુછપરછનો દૌર હાથ ધર્યો હોવાનું જણાવ્યું છે જોકે સમગ્ર મુદ્દે જવાબદાર શિક્ષણતંત્રએ ભેદી મૌન અકબંધ જાળવી રાખ્યું છે આ અંગે વધુ માં જાણવા મળેલ વિગતો મુજબ આજે બપોર સુધીમાં ગાંધીનગરથી એક ટીમ તપાસ માટે પાલીતાણા પહોંચશે જયારે પોલીસે જણાવ્યું હતું કે અટકમાં લીધેલ શખ્સ સાંજ સુધીમાં સમગ્ર મુદ્દે ખરૂં તથ્ય જાહેર કરે એવી સંભાવના છે આ સમગ્ર મુદ્દાને લઈને પરીક્ષાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી જાહેર કરવા માંગ કરી રહ્યાં છે.

Previous articleભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 7 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે
Next articleબે વર્ષ બાદ મધ્યાહન ભોજન ; શહેરમાં ૧૭ હજાર, જિલ્લામાં ૮ લાખ લાભાર્થી