પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી ૮૦ પૈસાનો વધારો જોવા મળ્યો

94

કાચા તેલની વાત કરવામાં આવે તો વૈશ્વિક માનાંક બ્રેંટ ક્રૂડ વાયદો ૧.૮૮ ટકાની તેજી સાથે ૧૧૨.૩૦ ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું : હજુ ભાવ વધી શકે
નવી દિલ્હી, તા.૩૧
પેટ્રોલ અને ડીધલના ભાવમાં વધારો થવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. એક વાર ફરી બંનેના ભાવમાં વધારો ઝીંકાયો છે. સુત્રોના જણાવ્યા મુજબ, ૩૧ માર્ચના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૮૦-૮૦ પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારો ૩૧ માર્ચની સવારે ૬ વાગે લાગૂ થઈ ગયો છે. આ ભાવ વધારા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ રુપિયા ૧૦૧.૮૧ પ્રતી લિટર થઈ જશે. તો ડીઝલનો ભાવ રુપિયા ૯૩.૦૭ પ્રતિ લીટર થઈ જશે. ૩૦ માર્ચના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૮૦-૮૦ પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે છેલ્લાં ૯ દિવસોમાં ૮મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં હાલ પેટ્રોલની કિંમત ૧૦૧.૦૧ રુપિયા અને ડીઝલનો ભાવ રુપિયા ૯૨.૨૭ પ્રતિ લીટર છે. ગઈ ૪ નવેમ્બર, ૨૦૨૧થી લઈ આ વર્ષે ૨૧ માર્ચ સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યાં હતા. એટલે કે ૧૩૭ દિવસો દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઉતાર ચઢાવ થયો નહોતો. એ પછી ૨૨ માર્ચ, ૨૦૨૨થી પેટ્રોલિયમ ઈંધણમાં ભાવ વધવાનો સિલસિલો શરૂ થયો હતો. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં માત્ર એક જ દિવસ છોડીને એટલે કે ૮ દિવસ સુધી ભાવ વધારો થયો. આ ભાવ વધારાથી પેટ્રોલ રુપિયા ૫.૬૦ પ્રતિ લીટર મોંઘુ થયુ છે. જ્યારે ડીઝલ ૫.૬૦ રુપિયા મોંઘુ થયું છે. તેલની કિંમતોમાં વધારો ન કરવાથી પેટ્રોલિયમ કંપનીઓ જેવી કે આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલને ૧૯,૦૦૦ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. આઈઓસીને ૧ અબજથી લઈને ૧.૧ અબજ ડૉલર, બીપીસીએલ અને એચપીસીએલ પ્રત્યેકને ૫૫થી લઈને ૬૫ કરોડ ડૉલરનું નુકસાન આંકવામાં આવ્યું છે. ક્રિસિલ રિસર્ચના એક રિપોર્ટ મુજબ, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નુકસાનના ભરપાઈ માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૫-૨૦ રુપિયાનો વધારો કરવો પડશે. કાચા તેલની વાત કરીએ તો વૈશ્વિક માનાંક બ્રેંટ ક્રૂડ વાયદા ૧.૮૮ ટકા તેજી સાથે ૧૧૨.૩૦ ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું છે.

Previous articleદિલ્હીમાં ૧૯૫૦ બાદ માર્ચમાં પહેલી વખત ભારે ગરમી પડી
Next articleસેન્સેક્સમાં ૧૧૫, નિફ્ટીમાં ૩૩ પોઈન્ટનો કડાકો નોંધાયો